પ્રોસેસિંગ અને ફૂડ ઇજનેરી વિભાગ દ્વારા નવી પધ્ધતિ વિકસાવી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત એ કઠોળના ઉત્પાદનમાં આગવું સ્થાન ધરાવે છે. કઠોળમાંથી દાળ બનાવવા માટે ગુજરાતમાં અનેક ઉધોગો કાર્યરત છે અને ખુબ મોટા પાયે વિદેશમાં નિકાસ પણ કરે છે. ત્યારે આ દિશામાં તુવેરમાંથી દાળ બનાવવાની પ્રક્રિયાને કાર્યક્ષમ અને વેગવંતી બનાવવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ અંતર્ગત ચાલતા પ્રોસેસીંગ અને ફૂડ ઇજનેરી વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.એમ.એન. ડાભી તથા આ વિભાગના વૈજ્ઞાનિક ડો. પી. આર. ડાવરા, ડો. વી. પી.સાંગાણી અને ડો. પી.જે.રાઠોડના સંયુકત સંશોધન દ્વારા તુવેરની દાળ બનાવવા માટે ઉત્સેચકો આધારીત એક નવી જ પધ્ધતિ વિકસાવવામાં આવી છે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. એન. કે. ગોંટીયા જણાવે છે કે કઠોળમાંથી દાળ તૈયાર કરવા માટે ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી સમગ્ર વિશ્ર્વમાં આ પ્રથમ પહેલ છે. અને દાળ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી પધ્ધતિ કરતા તદન અલગ અને ફાયદાકારક પધ્ધતિ છે.
- Advertisement -
તુવેરદાળનું ફોતરૂ દૂર કરવા માટે આ પધ્ધતિ ખૂબ જ અસરકારક સાબિત થઇ છે. અને હવે આ પધ્ધતિ ઉદ્યોગો સુધી પહોંચે તે માટે બહોળા પાયે તાલીમ તથા નિદર્શન પણ ગોઠવવામાં આવશે. પ્રાથમીક ધોરણે નાના સ્કેલના દાળ ઉત્પાદકો માટે 100 કિગ્રા તુવેરની ક્ષમતા ધરાવતું મશીન વિકસાવામાં આવેલ છે. જે અસરકારક રીતે તુવેરને ઉત્સેચકોની પ્રકિયા આપી શકે છે. ભવિષ્યમાં મોટા ઉદ્યોગો માટે આ મશીનની ક્ષમતા વધારવામાં આવશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ મશીનની પેટન્ટ મેળવવા પણ અરજી કરી છે.