બેંકમાં તેના પિતાની ખોટી સહી કરી લોકરમાંથી 30 તોલા દાગીનાં લઈ પંજાબની પ્રેમિકા સાથે નાસી છૂટ્યો
રાજકોટ રહેતા વેપારીએ ભત્રીજા સામે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં રહેતાં અને ગોંડલ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારી પરેશભાઈ લાલાણીને નાનાભાઈ સાથે ભાગીદારીમાં ડુંગળીનો હોલસેલનો ધંધો હોય જે પેઢી ભત્રીજો તારક સાંભળતો હતો. બે દિવસમાં પેઢીના રોકડ અને બેંક લોકરમાંથી દાગીના મળી 21 લાખની મતા લઈ ભત્રીજો ફરાર થઈ ગયાં હતા. બનાવ અંગે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.
રાજકોટમાં યુની.રોડ પર ગંગોત્રી પાર્કમાં રહેતાં પરેશભાઈ જમનાદાસ લાલાણી ઉ.48એ ગોંડલ રહેતા ભત્રીજા અશોક ઉર્ફે નિલેશ લાલાણી સામે ગોંડલ બી. ડિવિઝન પોલીસમાં છેતરપીંડી અંગે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેને ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં પુજા એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી આવેલ છે, જેમા ડુંગળીનું હોલસેલ કમીશનથી કામ કરે છે. તેઓ અને નાના ભાઈ અશોકભાઈ જમનાદાસ લાલાણી તથા માતા જયાબેન ભાગીદાર છે. ભાગીદારી પેઢી તેમનો ભાઈ અશોકભાઇ તથા તેનો દીકરો તારક સંભાળે છે ગઇ તા,20 ના તેઓ અને તેમનો ભાઈ અશોકભાઈ નાસીકથી આવતા હતા ત્યારે સવારના પેઢીમા કામ કરતા ભાણેજ કીશનનો અશોકભાઇને ફોન આવેલ કે, તારકનો ફોન લાગતો નથી અને તે ક્યાંય જોવામા આવતો નથી. બપોરના ફરી અશોકભાઈને કીશનનો ફોન આવેલ કે, તારકનુ બુલેટ ગોંડલ રેલ્વે સ્ટેશનના પાર્કીંગમા પડેલ છે, જેથી તેઓને થયેલ કે તારક ટ્રેનમા બેસી ક્યાંય જતો રહેલ છે. તેઓને ભાણેજે વાત કરેલ કે, પેઢીના કેમેરા જોતા ખબર પડેલ કે તા.19 ના મોડી રાત્રીના 10 વાગ્યે તારક દુકાનના પાછળના શટરમાંથી દુકાન અંદર આવતો જોવામા આવેલ અને તે ઓફીસમા જતા કેમેરા બંધ થઈ ગયેલ હતાં જેથી તારકે કેમેરા બંધ કરી દીધેલ હતા. ઓફીસમા ચેક કરતા ઓફીસની તીજોરીમા રાખેલ રોકડા 1 લાખ જોવામા આવેલ નહી તેમજ તારકનું આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ તથા આઈફોન તીજોરીમા પડેલ હતા તે પણ જોવામાં આવેલ નહી તેમ વાત કરેલ હતી ફરીયાદી ગઈકાલે ગોંડલ આવેલ અને જાણવા મળેલ કે, ગઈકાલે તેમના ભાઇ અશોકભાઇના પત્ની ધર્મીષ્ઠાબેનનું ગોંડલ નાગરિક સહકારી બેંકમા લોકર હોય તે બેંકના લોકરમાં સોનાના દાગીના મુકવા ગયેલ અને તેઓએ લોકર ખોલતા તેમા તેમણે રાખેલ સોનાના દાગીના જોવામાં આવેલ નહી જેથી ત્યા રહેલ રજીસ્ટર જોતા તા.19 ના આરોપી તારક તેમના પિતા અશોકભાઈની ખોટી સહી કરી લોકરમા રાખેલ સોનાના દાગીના 30 તોલા રૂ.20 લાખનો મુદામાલ લઇ નાસી છૂટ્યો હતો.
ફરીયાદીના ભત્રીજાને પંજાબના ભગતપુરની યુવતી સાથે ઘણા સમયથી પ્રેમસબંધ હોય જેથી બે મહીના પહેલા તારક ઘરે કોઇને જાણ કર્યા વગર નિકળી જતા તેઓના ભાઈએ તારક ગુમ થઈ ગયેલ છે તે બાબતની તા.21-1-2025 ના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને અરજી કરેલ હતી ત્યારબાદ તપાસ કરતા તેની પ્રેમિકાએ તેને મુંબઇ બોલાવેલો જેથી તારક રાજકોટથી પ્લેનમાં બેસી મુંબઇ જતો રહેલ હતો. જે બાબતે તપાસ કરતા માહિતી મળતા તેમનો ભત્રીજો તારક અને તેની પ્રેમિકા મુંબઇની એક હોટલમાંથી સાથે મળી આવેલ હતા જે બાદ તેઓએ તેમના ભત્રીજાને સમજાવી અને ગોંડલ લાવેલા અને તેની સાથે તે યુવતી પણ આવેલી હતી. તે યુવતીએ ભત્રીજાને એક સમજુતી કરાર કરી આપેલ હતો. જેમાં તારકનો ક્યારેય સંપર્ક નહી કરે તેવી ખાત્રી આપેલ હતી બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઈ જે. એલ.ઝાલા અને ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો.