રઢિયાળી રાતડીના રંગમાં કોરોનાએ પાડ્યો ભંગ : જાજરમાન આયોજનો, અધ્યતન સાઉન્ડ સિસ્ટમ, ઓર્કેસ્ટ્રાનું સંગીત, ગ્રુપમાં રમાતા ગરબા બધું જ મિસ કરશે રાજકોટના ખેલૈયાઓ

મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો… મોટાભાગના ખેલૈયાઓ સરકારની ગાઇડલાઇન અનુસરીને સાદગીપૂર્વક ઘરે જ માતાજીના ગરબાનું સ્થાપન તથા પૂજન-અર્ચન કરશે

  • ભાવિની વસાણી

સમગ્ર ગુજરાતના તમામ શહેરોમાં નવરાત્રિનું ખાસ મહત્વ જોવા મળે છે. દરેક ઉંમર અને વર્ગના ખેલૈયાઓ દર વર્ષે નવરાત્રિના તહેવાર દરમિયાન નવ દિવસ પ્રાચીન કે અર્વાચીન ગરબાના આયોજનોમાં રાત્રિના ગરબા રમતા હોય છે, અને યુવાનોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. પરંતુ સરકારે કોરોનાની મહામારીને લઈને નિર્ણય જાહેર કર્યો છે કે 17 થી 25 ઓક્ટોબરના નવરાત્રિના દિવસોમાં રાજ્યના કોઇપણ ખૂણામાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં નહીં આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દર વર્ષે યોજાતા રાજ્યકક્ષાના નવરાત્રિ મહોત્સવને પણ રદ કરવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટના ખેલૈયાઓએ તેમજ આયોજકોએ “ખાસ ખબર”ને જણાવ્યું છે કે તેઓ નવરાત્રિની ઝાકમઝોળને મિસ જરૂર કરશે, પરંતુ કોરોના જેવી મહામારીમાં સરકારની ગાઇડ લાઇનનું પાલન કરશે અને ઘરમાં જ સાદગી પૂર્વક નવરાત્રિની પારંપરિક ઉજવણી કરશે.

ખેલૈયાઓના જીવની સુરક્ષા એ જ પ્રાધાન્ય : ધૈર્ય પારેખ

છેલ્લા ત્રણ વર્ષથી “જૈનમ” નવરાત્રિ મહોત્સવના આયોજનમાં સહભાગી થયો છું તેમજ વિવિધ વિસ્તારોમાં પાંચ એકેડમી દ્વારા અસંખ્ય ખેલૈયાઓને ગરબા શીખવ્યા છે. ખેલૈયાઓ આતુરતાપૂર્વક નવરાત્રીની રાહ જોતા હોય છે, જન્મતારીખ યાદ હોય કે નહીં પરંતુ નવરાત્રીની તારીખ યાદ હોય છે. વર્તમાન સમયમાં કોરોનાની મહામારીના હિસાબે ગરબા નહીં જ કરીએ. ખેલૈયાઓના જીવની સુરક્ષા એ જ અમારું મુખ્ય પ્રાધાન્ય છે. ઓનલાઇન ગરબા માટે વિચારી શકાય પરંતુ પૂરતી સફળતા ન પણ મળે. શક્ય હશે તો માતાજીની આરતી એકાદ દિવસ સાથે મળીને કરીશું. નવરાત્રિ આપણાં માટે મહત્વનો પ્રસંગ હોય છે. તેની તૈયારી, ઉત્સાહ વગેરેને મિસ કરું છું. તેમજ આ તહેવાર માટે ગરબા રમી અને ડિપ્રેશન જેવી બીમારી તેમજ વજન ઘટાડવામાં ફાયદો પણ થાય છે. જેના લાભને ખેલૈયાઓ મિસ કરશે.

સરકારના નિર્ણયમાં સાથ આપવો તે આપણી ફરજ : રાજ ગઢવી

ગરબા ક્લાસિસ અને આયોજકોના એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યરત છું. તેમજ છેલ્લા ચાર વર્ષથી “બામ્બુ બીટ્સ” આયોજન કરી રહ્યો છું. નવરાત્રિ એ અમારા માટે ઓલિમ્પિક સમાન છે, તો તૈયારીઓ પણ એવી જ હતી. ઇમ્યુનિટી વધે તે પ્રકારની એક્સરસાઇઝ તેમજ ગરબાની પ્રેક્ટિસ દરેક ખેલૈયાઓએ કરી હતી. અમને આશા હતી કે કોરોના જતો રહેશે અને નવી વેક્સિન આવી જશે. આ માટે સરકાર ગરબા રમવાની છૂટ આપશે. પરંતુ જવાબદાર નાગરિક તરીકે સરકારના નિર્ણયની સાથે રહેવું તે અમારી ફરજ છે. ગરબા એ આપણી પરંપરા છે. ઘરમાં જ સંગીતની ધૂનમાં ગરબા રમીશું. ગરબાના ક્લાસીસ સોશિયલ ડિસ્ટન્સ સાથે ચાલુ રાખ્યા હતા. પરંતુ નવરાત્રિમાં ક્લાસીસની અંદર પણ ગરબા રમવા માટે જોખમ ખેડવું નથી. અમારા આ નિર્ણયથી વાલીઓ ખૂબ જ ખુશ છે.

પેરેન્ટ્સ હા પાડે તો જ ગ્રુપમાં એક દિવસ સાથે રમીશું : દર્પણા પંડિત

“આજકાલ” નવરાત્રિ મહોત્સવમાં વર્ષોથી રમી અને ઈનામો જીતતી આવી છું.નવરાત્રિની આ વખતે કોઈ તૈયારી કરી નથી. કોરોનાના કારણે ગરબા યોજાવાની શક્યતા ઓછી હોય થોડી ઘણી પ્રેક્ટિસ કરી છે. દર વખતે બે-ત્રણ મહિના એડવાન્સમાં ગરબાની પ્રેક્ટિસ કરતી હતી. જાતે જ બધા ડ્રેસીસ ડીઝાઈન કરું છું, અને રેન્ટ પર પણ આપતી આવી છું. આ વખતે કોઈ તૈયારી કરી નથી. જો ફ્રેન્ડસના પેરેન્ટ્સ હા પાડે તો જ એક દિવસ બધા સાથે ડીજે પર જ ગરબા રમીશું. સિંગલમાં ગરબા રમવાની કોઈ મજા નથી આવતી.

સરકારની ગાઇડ લાઇનનું અનુસરણ કરીશું : જયેશ જાવિયા

પંદર વર્ષથી રાજકોટના વિવિધ આયોજનોમાં ગરબા રમી ઇનામો જીતતો આવ્યો છું. પરંતુ આ વર્ષે નવરાત્રિ ઉજવવાની ન હોય કોઈ પણ પ્રકારની તૈયારી પણ કરી નથી. પહેલા જૂજ લોકોની સંખ્યામાં ગરબા રમવાની સરકારની ગાઇડ લાઇન પ્રમાણેની વિચારણા હતી, પણ હવે સરકારની નવી ગાઇડ લાઈનનું અનુસરણ કરીશું. માતાજીની પૂજા-અર્ચના ઘરે જ કરી અને પારિવારિક માહોલમાં પારંપરિક રીતે નવરાત્રિની ઉજવણી કરીશું.

ઓનલાઇન ગરબા યોજવાની વિચારણા : વૈભવી મહેતા

છેલ્લા સાત વર્ષથી “સુરભી” ગ્રુપમાં ગરબા રમી અને પ્રથમ પાંચમા વિજેતા બની અસંખ્ય ઇનામો જીતી ચુકી છું. આ વર્ષે નવરાત્રિ યોજાય તેવી કોઈ આશા ન હતી માટે પ્રેક્ટિસ જ કરી નથી. ઘરમાં વિડીયો ઉતારી અને ઓનલાઇન ગરબા યોજીશું. પરંતુ નવરાત્રિનો થનગનાટ ખૂબ જ મિસ કરીશું. ગ્રુપમાં કોમ્પિટિશન માટે રમાતા સિલેક્શન રાઉન્ડ તેમજ બધા સાથે રમાતા ફ્રી ગ્રાઉન્ડ ઉપરાંત દરેક સાથે સેલ્ફી ખેંચવાની ક્ષણો મિસ કરીશું.

રોજનું આઠ કિલો મીટર દોડ તેમજ બે કલાક પ્રેક્ટિસ કરી : જયેશ રાવરાણી

વર્ષોથી “આજકાલ” ગ્રુપમાં રમતો આવ્યો છું તથા અનેક વખત વિજેતા બની ઇનામો જીત્યા છે. નવરાત્રિની ફૂલ તૈયારી હતી, રોજનું આઠ કિલોમીટર અને દોડતા હતા તેમજ રાત્રે બે કલાક પ્રેક્ટિસ કરતા હતા. ડ્રેસ સીવડાવવા માટેના કપડા પણ લેવાઈ ગયા હતા. આ વખતે નવરાત્રિ ચાર જણાના ગ્રુપમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બંધ બારણે રમીશું. દર વર્ષે જેવા ગરબા ખૂબ જ મિસ કરીશું, પરંતુ અન્ય કોઈ વિકલ્પ ન હોય માતાજીની આરાધના દરરોજ ઘરે કરીશું.

લોકો વચ્ચે થતી નવરાત્રિની ઉજવણી દિવાળી સમાન : પ્રકાશ કાચા

ગત વર્ષે “બામ્બુ બીટ્સ”માં કિંગ બન્યો હતો અને વર્ષોથી અસંખ્ય નામો જીતી ચુક્યો છું. આ વખતે પણ આખુ વર્ષ ઘરે તેમજ બે કલાક બહાર પ્રેક્ટિસ જરૂર કરી છે, પરંતુ ડ્રેસીસ માટે તૈયારી કરી નથી. પરંતુ કોરોનાના રોગચાળા વચ્ચે રમવાનું શક્ય જ નથી. આ વર્ષે પરિવારજનો સાથે માતાજીની આરાધના કરીશું, તેમજ દર વર્ષે વિવિધ આયોજનોમાં ગરબા રમતા હોય ઘરે હોતો નથી. આ વર્ષે પરિવારને સમય ફાળવીશું. નવરાત્રિની લોકો વચ્ચે થતી ઉજવણી અમારા માટે દિવાળી સમાન હોય છે તે ખૂબ જ મિસ કરીશું.

ગ્રુપમાં થતી દરેક પ્રકારની તૈયારીને મિસ કરું છું : દિશા રાઠોડ

છેલ્લા છ વર્ષથી “ન્યુ સહિયર” ગ્રુપમાં રમતી હતી, ત્રણ વર્ષ કવીન પણ બની ચુકી છું. આ વર્ષે નવરાત્રિની ખાસ તૈયારી કરી નથી. કોરોનાના કારણે કંટાળી ગયા છીએ. દર વર્ષે બે મહિના અગાઉ પ્રેક્ટિસ, વેલકમ નવરાત્રિ, નવરાત્રિ અને બાય બાય નવરાત્રિ સુધીના આયોજનોમાં ભાગ લેતા હોય, મોડી રાત સુધી જાગતા હતાં. આ બધા માટે ગ્રુપમાં તૈયારી ચાલતી હોય તે બધું જ મિસ કરું છું. નવરાત્રિની રોનક મિસ કરું છું.ગ્રુપના સભ્યો સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે લાઈવ ગરબા રમવાની ઈચ્છા છે.

લોકહિતમાં શોખને બાજુ પર મૂકવો પડશે : અર્જુન ગઢવી

વર્ષોથી વિવિધ ગ્રુપમાં ગરબાની રમઝટ બોલાવી તેમાં જ અત્યાર સુધીમાં અનેક વખત વિજેતા બની 14 જેટલા બાઈક જીત્યા છે. આખું વર્ષ નવરાત્રિની આતુરતાપૂર્વક રાહ જોતા હોય, આ વખતે પણ નવરાત્રિની સારી તૈયારી હતી. બજાર ખુલી ગઈ એટલે અમને આશા હતી કે નવરાત્રિ પણ શરૂ થઈ જશે. સરકાર દ્વારા જાહેર થતી ગાઈડલાઈનની સાથે અમારા શ્વાસ ઉપર-નીચે થતા હતા. કોરોનાની મહામારીમાં સરકારને સહકાર આપવો પડે તેમ છે. લોકોનું હિત જોઈને શોખ બાજુ પર મૂકવો પડશે. નવરાત્રિની તૈયારી તેમજ ઉજવણી માટે મિત્ર વર્તુળ સાથેની દરેક ક્ષણને મિસ કરીશું.

માતાજીનો ગરબો સ્થાપીને પરિવાર સાથે ગરબા રમીશું : સોનલ અનડકટ

એક દાયકા કરતાં વધારે વર્ષોથી રાજકોટના વિવિધ ગૃપના આયોજનોમાં ગરબા રમીને એક થી ત્રણમાં વિજેતા રહી ચૂકી છું. તેમજ અસંખ્ય ઈનામો જીતી ચુકી છું. કોરોનાના કારણે જન્માષ્ટમી અને ગણપતિ જેવા તહેવારોની જેમ નવરાત્રિ પણ ઘરે જ ઉજવીશું. ઘરે માતાજીનો ગરબો સ્થાપીને પરિવાર સાથે ગરબા ગાઈશું, રમીશું તેમજ આનંદ કરીશું.બહાર ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને કોમ્પિટિશન રાઉન્ડ રમી અને મોડી રાત્રી સુધી ગ્રુપમાં જલસા કરતા હતા તે ખુબ જ યાદ આવશે.

ઉત્સવ ભર્યા દિવસો યાદ કરીને જ ખુશ રહેવું પડશે : દ્રષ્ટિ વખારિયા

જૈનમ નવરાત્રિ મહોત્સવમાં ગત વર્ષે ક્વીન બની ચૂકી છું. ગત વર્ષના ઉત્સવ ભર્યા દિવસો યાદ કરીને જ ખુશ રહેવું પડશે. ઘણી બધી ક્ષણો આ વખતે યાદ આવે છે. કોરોનાના કારણે આ વખતે પ્રેક્ટિસ કરી નથી. પરંતુ નવરાત્રિ ગમે તેમ કરીને ઉજવીશું. બહાર નહીં તો ઘરમાં પણ પરિવાર જનો અને મિત્રવર્તુળ સાથે ગરબે રમીશું ખરા. સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના હોય ભીડમાં ગરબા ન રમીએ તો આપણા જ હિતમાં છે. પરંતુ ઓછી સંખ્યામાં ઘરમાં કે સોસાયટીમાં ગરબા રમવાની છૂટ મળી હોત તો સારું હતું.

નવરાત્રિના નવ દિવસની ઝાકમઝોળ મિસ કરીશ : મોહિત મોલિયા

પાંચ વર્ષથી ખોડલધામ ગ્રુપમાં ગરબા રમી કિંગ બનતો આવ્યો છું. બાઈક તેમજ ગાડી પણ જીતી ચૂક્યો છું. આ વર્ષે કોરોનાના કારણે સરકારના નિયમ અનુસાર ઉજવણી કરીશ. ઘરમાં પારંપરિક રીતે માતાજીના પાંચ ગરબા ગાઇ અને આરતી કરીશું.ગત વર્ષની નવરાત્રિના નવ દિવસની ઝાકમઝોળ મ્યુઝિક-ઓર્કેસ્ટ્રાની ધૂમ, રમવાનો ઉત્સાહ, મિત્ર વર્તુળ તેમજ આયોજકોનો સાથ ખૂબ મિસ કરીશ.

પેરેન્ટ્સ તેમજ સરકાર બંનેના આદેશનું પાલન કરીશ : મિશ્વા લીંબાસીયા

જય સરદાર તેમજ ખોડલધામ આયોજિત ચિલ્ડ્રન ગ્રુપમાં છેલ્લા ત્રણ વર્ષ પ્રિન્સેસ બની ચૂકી છું. હાલ મારી ઉંમર 10 વર્ષ છે, કોરોનાના કારણે કોઇ પણ પ્રકારની તૈયારી કરી નથી. પરંતુ દર વર્ષે બે મહિના અગાઉ તૈયારી કરતી હતી. આ વખતે ઘરમાં રહીને ગરબા રમવાનો શોખ મમ્મી-પપ્પા તેમજ પરિવારજનો સાથે પૂર્ણ કરીશ. ગયા વર્ષની નવરાત્રિના દિવસોની ખૂબ જ યાદ આવશે. પરંતુ પેરેન્ટ્સ અને સરકાર બંનેના આદેશનું પાલન કરીશ.