કોરોનાના બંધનો વચ્ચે નવરાત્રિના આયોજન માટે સિંગર્સ-આયોજકોની કેવી છે તૈયારી
વિધાતાના લેખ અને નસીબની બલિહારી જુઓ : ગયા વર્ષે સરકાર સ્કૂલોમાં નવરાત્રિનું વેકેશન આપવાની વિચારણા કરી રહી હતી આ વખતે નવરાત્રિનું આયોજન જ અદ્ધરતાલ
નવરાત્રિ સાથે હજારો લોકોની રોજગારી સંકળાયેલી હોવાથી કોઈપણ પ્રકારની શરતો સાથે નાનાપાયે આયોજનની મંજૂરીની ચાતક નજરે રાહ જોતા આયોજકો : નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનો મંજૂરી અંગે હકારાત્મક સંકેત
તુષાર દવે
તમે વિધાતાના લેખ અને નસીબની બલિહારી જુઓ ગયા વર્ષે આ સમયગાળામાં રાજ્ય સરકાર સ્કૂલોમાં નવરાત્રિનું વેકેશન આપવાની વિચારણા કરી રહી હતી અને એ અંગેની ચર્ચાઓ ચરમસીમાએ હતી જ્યારે આ વર્ષે નવરાત્રિ ઉજવાશે કે નહીં એ જ નક્કી નથી અને ઉજવાશે તો કેવી ઉજવાશે એ અંગે પણ અનિશ્ચિતતાઓ પ્રવર્તિ રહી છે. આ સંજોગોમાં ટીમ ખાસખબરે આયોજકો અને જાણીતા ગાયકો સાથે વાત કરીને તેમની આપેક્ષાઓ અને શરતી મંજૂરી સાથે ઉજવણી માટેની તૈયારીઓ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે સિંગર્સ અને આયોજકો કોઈપણ સંજોગોમાં નવરાત્રિનું આયોજન કરવા માટે તૈયારીઓ કરી રહ્યાં છે અને ઉજવણી માટે તલપાપડ છે. જો કંઈ જ વર્કઆઉટ નહીં થાય તો છેલ્લે ‘શો મસ્ટ ગો ઓનલાઈન’ તો છે જ.
- Advertisement -
‘ભાય…ભાય…’ ફેમ અરવિંદ વેગડા કહે છે કે, ‘દર વર્ષે નવરાત્રિના સમયગાળામાં ઓસ્ટ્રેલિયામાં પ્રિ-નવરાત્રિ, અમેરિકામાં પોસ્ટ નવરાત્રિ, દુબઈમાં પોસ્ટ નવરાત્રિ અને કેનેડામાં પ્રિ અથવા પોસ્ટ નવરાત્રિ અને ગુજરાતમાં નવરાત્રિ એમ કુલ મળીને ત્રણ મહિનાની અમારી સિઝન હોય છે. નવરાત્રિ સાથે સંકળાયેલા કલાકારોનું સંપૂર્ણ ફાઈનાન્સિયલ પ્લાનિંગ આ સિઝન પર નિર્ભર હોય છે ત્યારે હાથ પર હાથ ધરીને બેસી રહેવાનો કોઈ અર્થ નથી. અમે હાર નથી માની. ધીસ ઈઝ ટાઈમ ફોર સર્વાઈવ. એટલે અમારી ટીમે ‘શો મસ્ટ ગો ઓનલાઈન’નું પ્લાનિંગ કર્યું છે. જેમાં હું સ્ટુડિયોમાંથી ટોચના ખેલૈયા ગ્રૂપ, લાઈટિંગ ઈફેક્ટ્સ અને ઓરકેસ્ટ્રા સાથે નવરાત્રિ કરીશ. જે કોઈપણ મને બુક કરશે એમને હું ઓનલાઈન સ્ટ્રિમિંગની લિંક આપી દઈશ. તેઓ એના વડે પોતાના ત્યાં નાના-મોટા પાયે નવરાત્રિ ઉજવી શકશે.’
તેઓ ઉમેરે છે કે, ‘હું લાઈવ શોમાં જેટલા ચાર્જ કરું છું એના 50થી 60 ટકા ચાર્જ કરીશ. આ આયોજન માટે મને સ્ટુડિયોમાં સેટઅપનો જ 25 હજારથી માંડીને 1 લાખ સુધીનો ખર્ચ થવાનો છે. મને ખબર નથી કે હું કેટલુ કમાઈશ. કોણ મને બુક કરશે, પણ મને એ વાતની ખાતરી છે કે હું મારી ટીમ અને લાઈટ્સ-ઈફેક્ટ-સાઉન્ડવાળાને રોજગારી ચોક્કસ આપીશ. એ કોઈ તહેવારની સિઝનથી વંચિત નહીં રહે. એમના ઘરમાં આવક પહોંચશે. સરકારે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ કોરોના કેસ ન હોય ત્યાં સોસાયટીના મેનેજમેન્ટને જવાબદારી સોંપી આયોજનની મંજૂરી આપવી જોઈએ. નાના પાયાના સ્થાનિક આયોજનમાં પણ અમારું આયોજન એવું છે કે અમારી ટીમ ત્યાં જઈને એલઈડી સ્ક્રિન વગેરે ફિટ કરી આવશે અને એ લોકો એના પરથી નવરાત્રિ યોજી શકશે.’

કલાકારોએ કળાની સાથે કોમર્સ પણ શીખવું જ રહ્યું, પાંચ વર્ષ પછી 3D નવરાત્રિ યોજાશે : અરવિંદ વેગડા
અરવિંદ વેગડા કહે છે કે, ‘હું માનુ છું કે હવે પોતાની જ ધૂનમાં રહેતા અને લોકો પોતાની પાસે આવશે જ એવું વિચારનારા કલાકારોનો યુગ નથી. આ ભયંકર કોમ્પિટીશનનો યુગ છે. જેમાં કલાકારોએ કળાની સાથોસાથ કોમર્સ પણ શીખવું પડશે. ટેકનોલોજી પણ શીખીને એનો મહત્તમ ઉપયોગ કરવો પડશે અને મેનેજમેન્ટ પણ શીખવું પડશે. આ બધું જો આવડે તો તમારે ઘરે બેસી રહેવાનો સમય નહીં આવે. આ બધાંના કારણે જ લોકડાઉનના સમયગાળામાં હું સામાન્ય દિવસો કરતાં પણ વધારે બિઝી રહ્યો છું અને મને સતત કામ મળતું રહ્યું છે. આ ટેકનોલોજીનો યુગ છે અને કદાચ પાંચ વર્ષ પછી એવો સમય આવશે કે મોદીસાહેબે જે રીતે થ્રીડી ટેકનોલોજીની મદદથી દેશભરમાં સભાઓ સંબોધી હતી એ જ રીતે અમે ગુજરાતમાં બેઠાં બેઠાં વિદેશમાં કાર્યક્રમો આપતા હોઈશું.’
કેનેડામાં થનારો GIFA સંપૂર્ણ વર્ચ્યુઅલ યોજાશે
ગુજરાતનો પ્રતિષ્ઠિત ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ્સ આ વખતે કેનેડાના ટોરન્ટોમાં યોજાવાનો છે. એના આયોજકો અરવિંદ વેગડા અને હેતલ ઠક્કરે જણાવ્યું કે, ‘કોરોનાના કારણે અમે આયોજન બંધ રાખવાના નથી. એવોર્ડ સમારંભ સંપૂર્ણપણે વર્ચ્યુઅલ કરવાની અમારી તૈયારી છે અને હાલ અમારી એ માટેની તૈયારી અને મિટિંગો ચાલી રહી છે.’
- Advertisement -
સરકાર કોઈપણ પ્રકારના નિયમો સાથે માત્ર હા પાડે : ગરબા કરાવવા આયોજકો તત્પર
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નવરાત્રિનું આયોજન થઈ શકે એ માટે લોકડાઉન-4માં શક્ય એટલી છૂટછાટ આપવાના સંકેત આપ્યા છે. શરતી છૂટછાટ સાથે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા ફ્લેટ્સ, સોસાયટી વગેરેમાં નાના પાયે લોકો ગરબે ઘુમી નવરાત્રિ ઉજવી શકે તેવી શક્યતા છે. આ પૂર્વે અમદાવાદ અને ગુજરાતના હજારો ગરબા આયોજકો, સાઉન્ડ સિસ્ટમ, ઈફેક્ટ્સ અને ડેકોરેશનવાળાઓ વતી અમદાવાદમાં નાના-મોટા 40 જેટલા આયોજકોએ સાથે મળીને સરકારને કોઈપણ પ્રકારની શરતો સાથે નવરાત્રિનું આયોજન કરવા દેવાની અરજ કરી હતી. તેમણે સરકારને ખાતરી આપી હતી કે તેઓ દરેક પ્રકારના આરોગ્યલક્ષી નિયમોનું ચૂસ્તપણે પાલન કરવા તૈયાર છે. સરકાર મંજૂરી આપે. કારણ કે એના પર નવરાત્રિ સાથે સંકળાયેલા 60 હજાર જેટલા લોકોની રોજગારીનો આધાર છે. જો મંજૂરી નહીં મળે તો નવરાત્રિના ક્લાસિસ, મંડપ વગેરે સાથે સંકળાયેલા લોકોની એક મોટી સિઝન બરબાદ થઈ જશે અને એમને બહુ મોટો આર્થિક ફટકો પડશે.
નોરતાની 9 રાત માટે આયોજકોના સરકારને 9 વચન
- અમે પરમિશન કરતા અડધાને જ પ્રવેશ આપીશું.
- ઇમ્યુનિટી વધે એટલે સ્ટોલ પર ઉકાળા વહેંચીશું.
- માસ્ક અને સેનિટાઇઝર આપીશું.
- ગરબાના એવા સ્ટેપ્સ જેમાં અંતર જળવાય તે રીતે ગરબા રમાડીશું.
- પાસ લેવા માટે રૂબરૂ નહીં પણ ઓનલાઇન જ ઉપલબ્ધ કરાવીશું.
- કાર પાર્કિંગમાં પણ અંતર જળવાય તેવા નિયમો કરીશું.
- ખેલૈયાઓ પોતાના બ્લોકમાં રમે તેવી વ્યવસ્થા કરીશું.
- ભીડ એકઠી ના થાય માટે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ વચ્ચે વધારે અંતર રાખીશું.
- એન્ટ્રી ગેટ પર જ સેનિટાઇઝર ટનલ બનાવીશું.

નોરતાથી 60 હજારને રોજગારી મળે છે
ડેકોરેશન, લાઈટ, ઢોલી જેવા અસંગઠિત ક્ષેત્રના 60 હજાર લોકોને રોજગારી મળે છે. મોટા ગરબાના મોટા પ્રોજેક્ટ્સ રૂ. 50 લાખથી બે કરોડ રુપિયા સુધીના હોય છે. પાંચ મહિનાથી બધું બંધ છે ત્યારે કેટલાક રિક્ષા ચાલાવે છે તો કેટલાકે લારી કરી દીધી છે. ગરબાના મોટા આયોજનની પરવાનગી મળે તો અનેકનું ગુજરાન ચાલે. – ગ્રીષ્મા ત્રિવેદી, આયોજક
નિયમો સાથે ગરબા કરીશું
અમે અમદાવાદમાં 7 જેટલા પ્લેસ પર ગરબા કરાવીએ છીએ. 4 મહિના તૈયારીમાં લાગે છે. હવે એ દોઢ મહિનામાં કરવું પડશે જે ઓછો સમય છે તેમ છતાંય આયાજન કરીશું. કોરોના સંક્રમણ ના ફેલાય તેનું ધ્યાન રાખીને સેનિટાઈઝર ટનલ બનાવવાથી માંડી તમામ નિયમો પાળીશું. – દેવાંગ ભટ્ટ, એમેઝોન ઇવેન્ટ્સ

ઘરમાં ગોંધાયેલા લોકોને મૂક્તિના અહેસાસ માટે ઉજવણી જરૂરી : દેવાંગ પટેલ
ગોવિંદાના ‘મેરી મરજી…’ સોંગ ફેમ જાણીતા ગાયક કલાકાર દેવાંગ પટેલ કહે છે કે, ‘અત્યારે તો બધાં આયોજનો સરકારની મંજૂરીની રાહમાં અદ્ધરતાલ પડ્યાં છે. બધે જ જો આમ થશે તો આમ કરીશું અને જો આમ નહીં થાય તો આમ કરીશું પ્રકારની વાતો ચાલી રહી છે. હું માનુ છું કે સરકારે નિયમો સાથે નવરાત્રિ ઉજવવાની છૂટ આપવી જ જોઈએ. હું આ તહેવારને માત્ર કોમર્શિયલી જ નથી જોઈ રહ્યો, પણ હું માનું છું કે છ મહિનાથી જે લોકો પોતાના ઘરમાં ગોંધાઈને થોડું ડિપ્રેશન અનુભવી રહ્યાં છે એમનામાં નવો જોમ ભરવા માટે નવરાત્રિ ઉજવાવી જોઈએ. સરકાર ભલે એમ કહે કે પાંચ હજારની કેપેસિટી ધરાવતા ગ્રાઉન્ડમાં માત્ર પાંચસો લોકો રમે. પણ રમવા દેવા જોઈએ. કારણ કે નવરાત્રિમાં ભક્તિ અને શક્તિ બધું જ આવી જાય છે. નૃત્યમાં મેડિટેશન પણ આવી જાય છે અને કોઈપણ પ્રકારના માદક દ્રવ્યો વિના ફેમિલી ક્રાઉડ વચ્ચે લોકો નવ નવ દિવસ સુધી કલાકો નાચે એવો ઉત્સવ દુનિયામાં બીજો કોઈ નથી. હિન્દુઓનો આ સૌથી લાંબો તહેવાર કોઈપણ રીતે ઉજવાવો જ જોઈએ. જો આપણે ન્યૂ નોર્મલની વાત કરતા હોઈએ તો નવરાત્રિનું શરતી આયોજન પણ ન્યૂ નોર્મલ ગણાશે. જે થવું જ જોઈએ.’
તેમણે ઉમેર્યું કે, ‘એક વાત એ પણ છે કે ગરબાના કારણે કોઈને કોરોના થાય એ પણ મને ન ગમે. દુ:ખ થાય. આપણુ ક્રાઉડ નિયમો કેટલા પાળશે અને કેટલી શિસ્ત દાખવશે એ પણ મને નથી ખબર એટલે સરકાર મંજૂરી અંગે જે અસંમજમાં છે એ પણ સમજી શકાય છે. જોકે, મેં તો મારી ટીમને કહી જ રાખ્યું છે કે કોઈના લગ્નપ્રસંગે આપણે જે પ્રકારના ગરબા કરીએ છીએ એવા જ ગરબા આ વખતે નવરાત્રિમાં કરવાની આપણે તૈયારી રાખવાની છે.’
ઓનલાઈન આયોજન અંગે દેવાંગ પટેલ કહે છે કે, ‘મને ઓનલાઈન આયોજનની ઓફર્સ આવે છે, પણ ફ્રેન્કલી પર્સનલી હું એવું માનુ છું કે ઓનલાઈનમાં મેદાન જેવી મજા ન આવે. મજા નવરાત્રિ દરમિયાન જે માહૌલ સર્જાય અને લોકોની જે ઉર્જા હોય એની જ મજા હોય છે.’
હજૂ સુધી કોઈ આયોજન નહીં, સરકારના આદેશની રાહ છે : કિંજલ દવેના પપ્પા
‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ફેમ ગાયક કલાકાર કિંજલ દવેના નવરાત્રિના આયોજન અને પ્રોગ્રામો વિશે જાણવા અમે તેમના પપ્પા લલિતભાઈ દવેનો સંપર્ક કર્યો ત્યારે એમણે જણાવ્યું કે, ‘કિંજલની આ વખતની નવરાત્રિનું હજુ સુધી કોઈ આયોજન નથી. ઓનલાઈન પણ હજુ સુધી કંઈ વર્કઆઉટ થયુ નથી. જોકે, એમાં મજા પણ ન આવે. મજા તો ગ્રાઉન્ડમાં પબ્લિક સાથે જ આવે. હવે તો સરકાર જ મા-બાપ છે એ જે કોઈ પણ ગાઈડલાઈન આપે એ ફોલો કરીશું. સરકારના આદેશની રાહ જોઈને બેઠા છીએ. કોરોના બાદ બધાના ધંધા-રોજગાર ચાલુ થઈ ગયા છે માત્ર કલાકારો જ એવા છે જેઓ કોઈ કાર્યક્રમો ન થતા હોવાથી છેલ્લા છ મહિનાથી ઘરે બેઠા છે. મોટા કલાકારોનું તો શું છે કે પૈસા તો ગમે ત્યારે કમાઈ લઈશું, પણ જો આયોજન થાય તો એ નાના કલાકારોના ઘર વ્યવસ્થિત ચાલતા થાય જેમની પરિસ્થિતિ આજે ખુબ જ કફોડી છે. ભગવાન-માતાજી કોરોના જલદી મટાડે અને નવરાત્રિનું આયોજન થાય તેવી અપેક્ષા છે.’