પીરે તરીકત સરકાર સૈયદ, હાજી મુહંમદ દાદાબાપુ કાદરી-સાવરકુંડલાના મુબારક હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટના શહેનશાહ અને કોમી એકતાના પ્રતિક હઝરત ગેબનશાહપીર દરગાહ શરીફ ખાતે હિન્દુ મુસ્લિમ તેમજ સર્વ સમાજના સાથ સહકારથી નવનિર્માણ અને આધુનિક મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલને નાત-જાત તેમજ ધર્મના ભેદભાવ વગર તદ્દન રાહત દરે સર્વ સમાજ માટે શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત બોયઝ હોસ્ટેલ (સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ માટે)નું પણ ઈફતેતાહ (ઉદ્ઘાટન) કરવામાં આવશે. આ પ્રોગ્રામમાં ખાસ સાવરકુંડલાથી સુકી સંત સૈયદ મુહંમદ, દાદાબાપુ કાદરી ફાતેમી તશરીફ લાવશે અને તેમના મુબારક હાથો વડે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ તેમજ બોયઝ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
- Advertisement -
આ કાર્યક્રમ તા. 19 એપ્રિલ ને શુક્રવારના રોજ સાંજે 6 કલાકે રાખવામાં આવ્યો છે. જેમાં સર્વ સમાજને પધારવા હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટના પ્રમુખ યુસુફભાઈ ઈસ્માઈલભાઈ દલ, મહામંત્રી રહીમભાઈ સોરા, સહમંત્રી બસીરબાપુ બુખારી તેમજ ટ્રસ્ટી તૈયબભાઈ ભાણુ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટ સંચાલિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં 24 કલાક ઈમરજન્સી સારવાર (લેડીઝ તથા જેન્ટસ માટે અલગ અલગ વ્યવસ્થા) 18થી 20 બેડની સુવિધા, મોડ્યુલર ઓપરેશન થિયેટર, આઈ.સી.યુ. સેમી સ્પેશ્યલ રૂમ (એસી તથા નોનએસી) વિશાળ રિસેપ્શન હોલ, અલગ-અલગ ડોકટર્સ ચેમ્બર્સ, જનરલ મેડીકલ સ્ટોર, લેબોરેટરી, આયુર્વેદિક ક્લિનિક વગેરે સુવિધા તદ્દન રાહત ભાવે આપવામાં આવશે તેમજ બોયઝ હોસ્ટેલમાં 60થી વધુ વિદ્યાર્થી માટે બેડની સુવિધા, વિશાળ મેશ રૂમ, દરેક રૂમમાં એટેચ બાથરૂમ, ઠંડા તથા ગરમ પાણીની સુવિધા, દીની અને દુન્વયી કિતાબો સાથે આધુનિક લાઈબ્રેરી, સાયન્સ એન્જીનીયરીંગ મેડીકલ જેવા ઉચ્ચ શિક્ષણ માટે ક્લાસિસ, સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચીંગ વગેરે સુવિધા તદ્દન રાહત ભાવે આપવામાં આવશે.