રાજકોટમાં ભરઉનાળે પણ પાણીની મુશ્કેલી ન પડે તે માટે મનપા સતર્ક
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ભરઉનાળે પણ પાણીની મુશ્કેલી ન પડે તેના માટે મનપા સતર્ક છે અને સમયાંતરે રાજ્ય સરકાર પાસે નર્મદાના નીરની માગ કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર મનપા દ્વારા થયેલી માગ મુજબ રાજ્ય સરકાર દ્વારા સૌની યોજનાનું બાકી રહેતું નર્મદાનીર તારીખ 7 મે આસપાસ આજી 1 અને ન્યારી 1 ડેમમાં ઠાલવવામાં આવશે. જેમાં આજી-1માં 201 એમસીએફટી તેમજ ન્યારી-1માં 165 એમસીએફટી નીર ઠાલવવામાં આવનાર હોવાનું સ્ટે. ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું છે.
પુષ્કર પટેલનાં કહેવા મુજબ શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા આજી-1, ન્યારી-1 અને ભાદર ડેમ આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસતા છલોછલ ભરાઇ ગયા હતા. પરંતુ દિવસેને દિવસે પાણીની માગ વધતા શહેરની એક જીવાદોરી સમા આજી-1 અને ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું 500થી 1000 એમસીએફટી પાણી ઠાલવવા મનપા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ રજૂઆતને મંજૂરી આપી પ્રથમ તબક્કે આજીમાં 800 એમસીએફટી અને ન્યારીમાં 105 એમસીએફટી નર્મદાનાં નીર ઠાલવવામાં આવ્યા છે.
જો કે, હાલ 31 મે સુધી ચાલે તેટલું પાણી છે, આમ છતાં હવે સૌની યોજનાનું બાકી રહેલું પાણી આ બંને ડેમોમાં 15 મે સુધીમાં ઠાલવવા મનપા તંત્ર દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા બાકી રહેલું આજી-1 ડેમમાં 201 એમસીએફટી તથા ન્યારી-1 ડેમમાં 165 એમસીએફટી પાણી આગામી 7મેથી ઠાલવવામાં આવે તેવી શક્યતા છે.
આમ 15 મે કરતા નર્મદાનીર એક સપ્તાહ વહેલું આવી જતા શહેરીજનોને પાણીની કોઈ ચિંતા રહેશે નહીં.
- Advertisement -