નરેશભાઇ જો જ્ઞાતિનું ભલું ઇચ્છતા હોય તો તેમણે પોલીસને રજૂઆત કરવી જોઇએ કે, ‘જયેશ પટેલ અને નિખિલ દોંગાને બે ધોકાં વધુ મારજો!
કહેવાતાં અગ્રણીઓમાં સીધું જ રાજકીય સ્ટેન્ડ લેવાની ક્ષમતા કે હિંમત નથી હોતી, તેથી જ તેઓ પોતાની રાજકીય બંદૂક પછી જ્ઞાતિને ખભે રાખીને પોલિટિકલ ફાયરિંગ કરતા રહે છે
સૌરાષ્ટ્રમાં આજકાલ ઠેરઠેર એક સવાલ પૂછાઈ રહ્યો છે. શું નરેશ પટેલને સક્રિય રાજકારણમાં આવવું છે? શું તેઓ કોંગ્રેસમાં જોડાવા માંગે છે? આમ આદમી પાર્ટીમાં જોડાવા ધારે છે? શું તેઓ બિનરાજકીય આગેવાન છે? કે તેઓ નસનસથી કોંગ્રેસી છે? શું તેઓ જ્ઞાતિનાં ખભે બંદૂક રાખીને પોલિટિકલ ફાયરિંગ કરી રહ્યાં છે? કે ખરેખર તેમને રાજકારણ સાથે કશું લાગતું વળગતું નથી? નરેશ પટેલ એક વણઉકલ્યો કોયડો છે. એમને ખુલીને રમવું પણ નથી અને મેદાન છોડવું પણ નથી. થોડાં દિવસ પહેલાં ખોડલધામમાં તેમણે લેઉઆ પટેલ અગ્રણીઓની એક કહેવાતી બિનરાજકીય બેઠક રાખી હતી, આજે પાસિયા પટેલોને ઑફિસે બોલાવી ને બેઠક કરી. પાસિયાઓ તો રાજકીય કાર્યકરો જ છે. પરંતુ, ખોડલધામની બેઠકમાં રાબેતા મુજબ જ પોતાની નોન પોલિટિકલ મીટિંગમાં છૂટથી પોલિટિકલ વાતો કરી હતી. બેઠકમાં હાજર રહેલાં લોકોનાં કહેવા મુજબ નરેશ પટેલે આ મીટિંગમાં લેઉઆ પટેલોના ઘટતાં વર્ચસ્વ અંગે વાત કરી, તેમણે કહ્યું કે, “આપણે આપણી શાંતિનાં અધિકારીઓને સારું પોસ્ટિંગ પણ અપાવી શકતા નથી !” આ આખી દલિલ જ વિચિત્ર છે. રાજનીતિમાં સંખ્યા મુજબ કવોટા મેળવવાની વાત જ મૂળે બાલિશ છે. બીજું, જ્ઞાતિનાં અધિકારીઓને મલાઈદાર પોસ્ટિંગ આપવાની વાત તો તેનાં કરતા પણ ખતરનાક છે. શા માટે કોઈ એક અમલદારને પોસ્ટિંગ આપવવા જ્ઞાતિનું જોર લગાવવું પડે? શું અમલદારમાં પર્યાપ્ત કાર્યક્ષમતા અને સજ્જતા નથી? બિલકુલ છે. લેઉઆ પટેલ એક પ્રગતિશીલ, ખમતીધર, સક્ષમ સમાજ છે. નરેશ પટેલે ખોડલધામ બનાવ્યું એ પહેલાં પણ લેઉઆ પટેલો અને અન્ય પાટીદારો વિવિધ ક્ષેત્રોમાં કાઠું કાઢી ચૂક્યાં હતા. ઉદ્યોગ, જાહેર જીવન, રાજનીતિ, સમાજસેવા જેવી અગણિત બાબતોમાં તેમનું પ્રદાન નોંધપાત્ર કરતાં પણ વધુ રહ્યું છે. પરંતુ લાગે છે કે, જ્ઞાતિની પૂરપાટ દોડતી ગાડીમાં કેટલાક હળાહળ જ્ઞાતિવાદી આગેવાન જાણે પંક્ચર કરવા માંગે છે અથવા તો ગાડીને રિવર્સમાં દોડાવવા ધારે છે.
હાર્દિક પટેલો અને નરેશ પટેલોને કારણે છેવટે તો પાટીદારોને જ પારાવાર નુકસાન થયું છે. આવા કહેવાતાં અગ્રણીઓમાં સીધું જ રાજકીય સ્ટેન્ડ લેવાની ક્ષમતા કે હિંમત નથી હોતી, તેથી જ તેઓ પોતાની રાજકીય બંદૂક પછી જ્ઞાતિને ખભે રાખીને પોલિટિકલ ફાયરિંગ કરતા રહે છે. રાષ્ટ્રીય સ્તરે આ જ પ્રવૃત્તિ મુસ્લિમો માટે અસદુદીન ઓવૈસી અને શાહી ઇમામ કરે છે. પણ લેઉઆ કે કડવા પાટીદારો કંઈ મુસ્લિમ નથી. તેઓ શિક્ષિત, સમજદાર અને સમૃદ્ધ છે. નરેશભાઈ ઝંખે તો પણ ઓવૈસી બની શકે તેમ નથી. હાર્દિક પણ નહીં
- Advertisement -
કહેવાય છે કે, ખોડલધામ ખાતે મળેલી બેઠકમાં કુખ્યાત ક્રિમિનલ નિખિલ દોન્ગા અને જામનગરનાં માફિયા જયેશ પટેલની તરફેણમાં પણ ચર્ચા થઈ. સવાલ એ છે કે, ખોડલધામ જેવાં અતિ પવિત્ર તીર્થસ્થાનમાં નિખિલ કે જયેશ જેવાં તત્વોનું નામ પણ શા માટે લેવાવું જોઈએ? શું કુબેરપતિઓએ કરોડો-અબજોનું દાન અહીં એટલે આપ્યું છે કે, ભવિષ્યમાં ત્યાં નિખિલ દોન્ગાઓ અને જયેશ પટેલો જેવાં અનિષ્ટોને બચાવવા બેઠકો યોજાઈ શકે?
જો નરેશ પટેલ પોતાને જ્ઞાતિના એક પ્રતિબદ્ધ, પ્રગતિશીલ સૈનિક માનતા હોય તો તેમણે સામે ચાલીને નિખિલ અને જયેશ એન્ડ કંપનીને બે ધોકા વધુ મારવાની ભલામણ કરવી જોઈએ. આદર્શ સ્થિતિ આ જ છે. સૌથી પહેલાં તો નરેશભાઈને કોઈ સમજુ વ્યક્તિએ ગળે ઉતારવું જોઈએ કે, નિખિલ અને જયેશ એ જ્ઞાતિનું ગૌરવ નથી, શરમ છે. કોઈપણ સમજુ પાટીદાર, કોમન સેન્સ ધરાવતો જ્ઞાતિજન આ વાત સ્વીકારશે.
જામનગરનો જયેશ પટેલ બ્રિટનમાં બેઠો-બેઠો જામનગરમાં માફિયા નેટવર્ક ચલાવે છે. તેનાં નામે ત્રણ ડઝનથી વધુ ગંભીર ગુનાઓ છે. હત્યા, ખંડણી, પેશકદમી… કોઈ એવો ગંભીર ગુનો નથી. જે જયેશ પટેલને નામે ન બોલતો હોય. કહેવાય છે કે, તેનાં સાગરીતોએ પંથકમાં કાળો કેર વર્તાવ્યો હતો. ખંડણીખોરીથી બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ ત્રસ્ત હતાં. છેવટે રિલાયન્સ જૂથના પરિમલ નથવાણી એ ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆતો કરીને તેની વિરુદ્ધ કાર્યવાહી કરાવી. જે પગલાં લેવાયાં તે યોગ્ય જ હતાં. જયેશનો પડ્યો બોલ ઝીલીને લોકોને કનડતાં તેના સાગરીતોને ’ગુજસીટોક’ના નવા સખત કાનૂન હેઠળ પૂરી દેવામાં આવ્યા. નિખિલ દોન્ગા પણ મહામાયા છે. છેલ્લાં એક દાયકામાં તેણે 117 ગંભીર ગુનાઓ કર્યા છે. હત્યા, હત્યાનો પ્રયાસ, ફાયરિંગ, મિલકતો પચાવી પાડવી, જેલમાંથી ગુનાખોરીનું નેટવર્ક… આવા અનેક ક્રાઇમ તેને નામે બોલે છે.
શું આવા તત્વોને બચાવવા માટે બેઠક કરવાની હોય? ખોડલધામ એક દિવ્ય અને ઊર્જાસભર તીર્થ છે. ત્યાં ધર્મ-અધ્યાત્મ અને શિક્ષણ સિવાય કોઈ બાબતની ચર્ચા જ ન થવી જોઈએ. પરંતુ નરેશ પટેલની આ જૂની સ્ટાઈલ છે અને હવે મોટા ભાગના લોકો તેમની આ શૈલી જાણી ચૂક્યા છે. અગાઉ તેમણે કેશુભાઈ પટેલને ભાજપ-મોદી વિરોધ માટે ખોડલધામનો મંચ પૂરો પાડ્યો હતો. ત્યારે કેશુભાઈએ મોદી માટે ’ઢૂંઢીયો રાક્ષસ’ જેવો હલકો શબ્દ પ્રયોગ પણ કર્યો હતો. ગત વિધાનસભા ચૂંટણી વખતે તેમના પુત્રએ કોંગેસનાં ઉમેદવાર માટે પ્રચાર પણ કર્યો. ઉદાહરણો અગણિત છે. તેમનો કોંગ્રેસપ્રેમ અને ભાજપદ્વેષ કોઈનાથી છાના નથી. હા ! તેઓ જાહેરમાં એ સ્વીકારતાં નથી એ અલગ વાત છે. બેશક, દરેક વ્યક્તિની રાજકીય વિચારધારા અલગ હોય. પરંતુ અંગત રાગદ્વેષ અને અંગત ઈરાદાઓ પાર પાડવા માટે જ્ઞાતિ અને ધર્મસ્થાનનો ઉપયોગ એ જ કરે- જેમનામાં સીધા રાજકીય મેદાનમાં આવવાની નૈતિક હિંમત ન હોય.