ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુદી જુદી વિદ્યાશાખાઓની શિક્ષક વિભાગની મતદાર યાદીમાંથી ફોર્મ નં.16 જમા નહીં કરાવનાર કુલ 374 મતદારના નામ રદ કરાયા છે. જ્યારે શિક્ષક મતદાર વિભાગની જુદી જુદી વિદ્યાશાખાની મતદાર યાદીમાંથી, શરતી માન્યતા ધરાવનાર કુલ 831 શિક્ષકના નામો રદ કરવામાં આવ્યા છે. પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. મેહુલ રૂપાણીનું મતદાર યાદીમાંથી નામ રદ કર્યા બાદ આ પ્રકારે ફોર્મ 16 રજૂ નહીં કરનાર વધુ 374 પ્રોફેસરના નામ રદ કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણીની કામગીરી કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીની શિક્ષક મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે જે અરજદારોએ ફોર્મ નં.16 જમા કરાવેલ નથી એવા તમામના નામો મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે, જેમાં હોમિયોપેથી વિદ્યાશાખામાં-18, તબીબી વિદ્યાશાખામાં- 62, મેનેજમેન્ટ વિદ્યાશાખામાં- 75, વાણિજય વિદ્યાશાખામાં- 54, વિજ્ઞાન વિદ્યાશાખામાં- 165 એમ કુલ મળીને 374 પ્રોફેસરના મતદાર યાદીમાંથી નામ રદ કરવામાં આવ્યા છે. અન્ય વિદ્યાશાખાઓની મતદાર યાદીની કામગીરી ચાલુ છે, તે તમામ વિદ્યાશાખાઓમાં પણ ફોર્મ નં.16 જમા નહીં કરાવનારના નામ પણ રદ કરવામાં આવશે.
- Advertisement -
આ ઉપરાંત શરતી માન્યતા ધરાવનાર શિક્ષકોના નામ પણ રદ કરવામાં આવ્યા છે. જેમાં વિનયન વિદ્યાશાખાના- 44, શિક્ષણ વિદ્યાશાખાના- 145, વિજ્ઞાન વિદ્યાશાખાના- 476, કાયદા વિદ્યાશાખાના- 25, તબીબી વિદ્યાશાખાના- 3, બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના- 8, વાણિજય વિદ્યાશાખાના- 130 મળીને 831 શરતી માન્યતા પ્રાપ્ત મતદારોના નામો શિક્ષક મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે.