પોલીસે પીછો કરી મેડિકલનો અભ્યાસ કરનાર શખ્સને ઝડપી લીધો
નશામાં ધૂત નબીરાનું પોલીસે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં નવા વર્ષના પારંભે નબીરાઓ બેફામ બન્યા છે ત્યારે ગત રાત્રે કેકેવી ચોક પાસે નશામાં ધુત XUVના કારચાલકે ચાર વાહનોને ઠોકરે લીધા બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને કારચાલકને પકડવા પ્રયત્ન કરતાં તેણે કાર ભગાડી મૂકી હતી ઘટનાને પગલે માલવીયાનગર પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને અકસ્માત સર્જનાર કાર ચાલકને દબોચી લઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના કાલાવડ રોડ પર આવેલા કે.કે.સર્કલ પાસે GJ 18 BS 2204 નંબરની XUVના કાર ચાલકે ચાર વાહનોને ઠોકરે લીધા હતા અકસ્માતની ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટના અંગેની પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસનો સ્ટાફ દોડી જઈ એકઠા થયેલા ટોળાને વિખેર્યા હતા અને અકસ્માતના કારણે થયેલા ટ્રાફિકને કલીયર કરાવ્યો હતો. દરમ્યાન નશામાં ધુત કાર ચાલકે બીઆરટીએસ રૂટ પરથી પોતાની કાર લઈ નાશી છુટતાનો પ્રયાસ કરતા પોલીસે પીછો કરી બીગ બજાર નજીકથી દબોચી લઈ પોલીસ મથકે લઈ જઈ નામઠામ પુછતા પોતે ડો.રાજ ગામી હોવાનું જણાવ્યું હતું જો કે પોતે માત્ર ડોક્ટરીનો અભ્યાસ જ કર્યો હોવાનું અને હાલ કોટેચા ચોકમાં દુકાન રાખી પૌવાનો વેપાર કરતો હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસે કાર કબજે કરી નબીરાનું મેડીકલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.