ફરી આરોગ્ય વિભાગના સાણસામાં, ફેફસા માટે હાનીકાર સીન્થેટીક ફૂડ કલર મળ્યો, રૂ. 6 લાખનો દંડ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં સ્વાદના શોખીન લોકોની કમી નથી. એટલે જ જીભને ચટાકો મળે તેવો ખોરાક આરોગવામાં રાજકોટીયન્સ અગ્રીમ હરોળમાં આવે છે. જેને પગલે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રેસ્ટોરાંમાં દરોડા પાડવામાં આવે છે જેથી સ્વાદના નામે ભેળસેળિયા ખોરાકનું વેચાણ અટકે ત્યારે શહેરમાં ફાસ્ટફૂડ અને ખાસ તો પંજાબી વાનગીઓ માટે પ્રખ્યાત ’સન્ની પાજી દા ઢાબા’માં ફેફસા માટે હાનીકાર સીન્થેટીક ફૂડ કલર મળી આવ્યો છે. મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ સીન્થેટીક ફૂડ કલર એટલો જોખમી છે કે તેનું સેવન કરવાથી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે. જેને પગલે મનપા દ્વારા રૂ.6 લાખનો દંડ સન્ની પાજી’ના સંચાલકોને ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઠારીયા રોડ પર આવેલ સુગંધ એન્ટરપ્રાઈઝમાં વેંચાતા જીરૂમાં ભેળસેળ મળી આવતા તેના ભાગીદાર નિલેશ છગનભાઈ અમૃતિયા અને પેઢીના માલિકને સંયુક્ત રીતે રૂ.10 હજારનો દંડ ફટકારાવાંમાં આવ્યો છે. જયારે નાનામવા મઈન રોડ પર આવેલ જય દ્વારકાધીશ નાસ્તા ગૃહમાં ગાયના ઘીમાં વેજીટેબલ ફેટની હાજરીનાં કારણે તેના માલિક વિજયભાઈ મસરીભાઈ જોગલને રૂ.15 હજારનો દંડ કરવામાં આવેલ છે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માધાપર વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઠંડાપીણા, મીઠાઇ, દૂધ, ડેરી પ્રોડક્ટસ, ખાદ્યતેલ વગેરેના કુલ 10 નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સ્થળ પર 22 પેઢીને ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
સન્ની પાજીએ ક્સ્ટમર્સની સાથે ફ્રેન્ચાઈઝી પાર્ટનરને પણ છેતર્યા
સન્ની પાજી ઢાબામાં એઠવાડ જેવું અખાદ્ય ભોજન પીરસવામાં આવે છે. સન્ની પાજીમાં જે જમવા જાય છે તે તો છેતરાય જ છે આ સિવાય સન્ની પાજી ઢાબાની ફ્રેન્ચાઈઝી લેનારા પણ છેતરાય છે. સન્ની પાજીની શાખ ખરાબ થતા તેની ફ્રેન્ચાઈઝી લેનારાઓ ફસાઈ ગયા છે, તેમનું ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ડિપોઝીટ પણ ગઈ છે અને સન્ની પાજી સાથે નામ જોડાવવાથી અંગત શાખ પણ ખરડાઈ છે.
સીન્થેટીક ફૂડ કલર મળ્યો
આ અંગે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું અનુસાર યાજ્ઞીક રોડ પર સર્વેશ્વર ચોક પાસે આવેલા ’સન્ની પાજી દા ઢાબા’માં ખાદ્યચીઝ મંચુરીયન ડ્રાય (પ્રિપેર્ડ લુઝ) અને પંજાબી રેડ ગ્રેવી (પ્રિપેર્ડ લુઝ)માં સીન્થેટીક ફૂડ કલર મળ્યો હતો. જેથી નમુનો આપનાર પેઢીના ભાગીદાર અમનદીપસિંહ કુલવંતસિંહ ને રૂ.2 લાખ, પેઢીના મલિક ચરણપ્રીતસિંહ ઉજાગરસીંઘ ખેતાનને રૂ.2 લાખ અને તેની ભાગીદાર પેઢી સન્ની પાજી દા ધાબા ફૂડ પાર્સલ (ભાગીદારી પેઢી) ને રૂ.2 લાખ મળી કુલ રૂ.6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.