પ્રસ્થાન:
પૂર્વગ્રહ એક એવી બોજ છે કે જે અતીતને ગૂંચવી નાંખે છે, ભાવિને જોખમમાં મૂકે છે અને વર્તમાનને દુર્ગમ બનાવી દે છે
– માયા એન્જેલુ
અશ્વેત લોકોના ભાગમાં ઇતિહાસમાં મોટેભાગે પીડીત બનવાનું જ લખાયેલું રહ્યું છે. અઢળક સાહિત્ય અને અગણિત ફિલ્મો તેમના શોષણ, અત્યાચાર અને હિંસા પર સર્જાયા છે. તેમને કોઈવાર વિચાર આવી શકે કે સારા માણસ તરીકે પીડા વેઠવાનો બદલે એકવાર દુષ્ટ દાનવ બનીને હથિયાર હાથમાં ઉપાડીને પાપી તરીકે મરી જઈએ તો કેવું રહે? સજજન બનીને આખા સમાજનો ભાર ઉપાડવા કરતાં દુર્જન બનીને તેની પર ભારે પડીએ તો કેવું રહે?! ઇતિહાસમાં કુ કલક્ષ ક્લાન નામના એક સંગઠન વિશે ઉલ્લેખ છે કે જે ઉગ્રવાદી જાતિગત શ્રેષ્ઠતામાં માનવાને લીધે ખ્રિસ્તી સિવાયના અન્ય ધર્મના લોકો તથા અશ્વેત લોકોની ક્રૂર કત્લેઆમ કરવા માટે કુખ્યાત હતું. આ સંગઠનના સભ્યો બર્બરતાની તમામ હદ પાર કરી દેતા. એકલેહાથે માનવીય સભ્યતાની પ્રગતિને પાછી આદિમકાળમાં લઈ જાય એવી હરકતો તેમની હતી. આ લોકો દાનવોને પણ સારા કહેવડાવે એવા સવાયા દુરાચારી હતા અને અમુક મત મુજબ અત્યારે પણ આ સંગઠન અસ્તિત્વમાં છે જ. રાયન કુગલર અત્યારે હોલીવુડમાં જાણીતું નામ છે ખાસ કરીને બ્લેક પેંથરના બે ભાગ ડાયરેક્ટ કર્યા બાદ. તેઓ ડાયરેક્ટર તરીકે કોઈ ફિલ્મ સાથે જોડાયા હોય એટલે સ્વાભાવિક રીતે તે ફિલ્મ સાથેની અપેક્ષાઓ વધી જ જાય. તેમાં પાછો હીરો તરીકે તેમનો માનીતો માઈકલ બી. જોર્ડન હોય અને સંગીતકાર તરીકે પણ તેમના ફેવરિટ લુડવિગ ગોરાન્સન હોય એટલે ફિલ્મ બહુ જ અપેક્ષાઓ સાથે જોવા જવાની હોય. ફિલ્મની સ્ટોરી આમ જોઈએ તો એવી છે કે સ્મોક અને સ્ટેક નામના બે જોડિયા ભાઈઓ (માઈકલ બી. જોર્ડન) પહેલા વિશ્વયુદ્ધ બાદ ત્યાંના લોકલ માફિયા સાથે જોડાઈને લૂંટફાટ મચાવીને ઘણું ધન એકઠું કરે છે અને પછી એનો ઉપયોગ પોતાના સમુદાયના લોકો માટે કે પીઠું બનાવવામાં કરવાનું નક્કી કરે છે. તેના માટે તે બંને અલગઅલગ જગ્યાએ જઈને પોતાની બિરાદરીમાંથી સંગીતકાર, રસોઈયા, ગાયક, ચોકીદાર જેવા કામ માટે લોકો ભેગા કરે છે. અને પછી તે બધા આ પીઠામાં ઉજવણી માટે રાતે ભેગા થાય છે પણ તેમને ખબર નતી કે આ રાત તેમના માટે કયામતની બની રહેશે. અમુક બીજી દુનિયાની તાકતો તેમના પર ત્રાટકવા માટે તૈયાર છે. આગળ શું થાય છે એ જાણવા ફિલ્મ જોવી રહી. ફિલ્મના ભારોભાર વખાણ થયા એવું જાણવાને લીધે ફિલ્મ માટે ખૂબ જ આતુરતા હતી પણ ફિલ્મમાં કંઈ એવું ખાસ તત્ત્વ હોય એવું લાગ્યું નહિ. પોલિટિકલ, સોશ્યલ અંડરકરંટ ઉમેરવામાં ચક્કરમાં ડાયરેક્ટરે ફિલ્મના પૂર્વાર્ધને બિનજરૂરી ધીમો બનાવી દીધી. ફિલ્મની પાર્શ્વભૂમિકા, પાત્રની માનસિકતા વગેરેને તમને ડાયલોગ પરથી સમજવા પડે અને મોટાભાગનો સમય એ બિલ્ડ અપ કરવામાં જ જતો રહ્યો એવું લાગે. ઇન્ટરવલ પછી ફિલ્મ સ્પીડ પકડે છે પણ હોરર કવોશંટમાં તે ખૂબ પાછી પડે છે, જોઈએ તેવો રોમાંચ, ડર અનુભવાતા નથી. ફિલ્મ મેકરોએ આપણી પોતાની તુંબાડ ફિલ્મના નિર્માતાઓ પાસેથી શીખવું જોઈએ કે રાજકીય, સામાજિક ટિપ્પણી કરીને પણ અને હોરર એલીમેન્ટ જાળવીને પણ સારી ફિલ્મ કેવીરીતે બનાવવી. માઈકલ બી. જોર્ડનના જોડિયા ભાઈઓ તરીકે કામ સારું છે. બાકી સર્વોત્તમ કામ લુડવિગ ગોરાન્સને સંગીતમાં કર્યું છે. ફિલ્મની મધ્યમાં આવતું અને ત્રણે કાળની સફર કરાવતું ગીત અદભૂત બન્યું છે. ઓવરઓલ, ફિલ્મ ઠીકઠાક લાગી. થિએટરમાં જુઓ તો ઠીક છે અને ન જુઓ તો ગુમાવવા જેવું કંઈ નથી. આમેય અશ્વેત લોકો પર થયેલા અત્યાચાર પર ફિલ્મ બનાવો એટલે તેના વખાણ થવાના ચાંસિસ વધી જ જાય!
- Advertisement -
પૂર્ણાહુતિ:
દરેક સંતનો કોઈ ભૂતકાળ
હોય છે અને દરેક પાપીનું
કોઈ ભવિષ્ય હોય છે
– ઓસ્કાર વાઇલ્ડ



