જનપ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને સૂચના અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં તા. 15 નવેમ્બરના રોજ યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ સંસદ સભ્ય રામભાઈ મોકરીયા તથા ધારાસભ્યો ડો.દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન જનપ્રશ્નો, રજૂઆતો અને વિવિધ શાખાઓ સંબંધિત મુદ્દાઓના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે અધિકારીઓને તાત્કાલિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા આવાસ ટેકનીકલ, બાંધકામ, દબાણ હટાવ અને ટાઉન પ્લાનિંગ શાખા સંબંધિત પ્રશ્નો રજુ કરાયા, જેના જવાબો અધિકારીઓએ તાત્કાલિક પોર્ટલમાં સબમિટ કર્યા હતા જ્યારે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા ટાઉન પ્લાનિંગ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ અને બાંધકામ શાખા સંબંધિત મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. જ્યારે દર્શિતાબેન શાહ દ્વારા બાંધકામ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ગાર્ડન શાખાના પ્રશ્નો રજૂ કરાયા હતા.તમામ રજૂઆતોના ત્વરિત અને યોગ્ય નિરાકરણ માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંબંધિત વિભાગોને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.



