મચ્છર ઉત્પત્તિના કિસ્સાઓ સામે આવતા 72 આસામી પાસેથી 66,650નો દંડ ફટકારવામાં આવ્યો: 831 સ્થળોએ મચ્છર ઉત્પત્તિ સબબ નોટિસ ફટકારાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વરસાદી સિઝન બાદ હવામાનમાં ભેજ અને તાપમાનમાં થતા ફેરફારોને કારણે શહેરમાં મચ્છર ઉત્પત્તિની સંભાવના વધતી હોય છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોના નિવારણ માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નવેમ્બર માસ દરમિયાન સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા. 1 થી 11 નવેમ્બર દરમ્યાન આરોગ્ય વિભાગ દ્વારા હોટલ, બાંધકામ સાઇટ, સેલર, શાળા, ગેરેજ, હોસ્પિટલ તથા રહેણાંક વિસ્તારો સહિત કુલ 1032 પ્રિમાઇસીસની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મચ્છર ઉત્પત્તિના કિસ્સાઓ સામે આવતા 72 આસામી પાસેથી 66650 નો વહિવટી ચાર્જ વસૂલાયો, તેમજ 831 સ્થળોએ મચ્છર ઉત્પત્તિ સબબ નોટીસ આપવામાં આવી હતી.
- Advertisement -
મચ્છર ઉત્પત્તિના મુખ્ય સ્ત્રોત તરીકે પાણી ભરાયેલા ટાંકા, છોડના કુંડામાં ભરાયેલું પાણી, પાણીની ફ્રિજ ટ્રે, ટાયર, પક્ષીકુંજ, ખાલી ડબ્બા વગેરેનો સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આવી જગ્યાઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘર અને આસપાસની જગ્યાઓમાં ચોખ્ખા પાણીનું સંગ્રહ ન રહે તે અંગે સાવચેતી રાખે. વરસાદ બાદ 7 થી 10 દિવસમાં મચ્છરનું જીવનચક્ર પૂર્ણ થતું હોવાથી થોડા સમયમાં જ તેનો ફેલાવો વધુ થાય છે.
શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓ પર નિયંત્રણ મેળવવા માટે નાગરિકોએ સ્વયંપ્રેરિત રીતે સ્વચ્છતા જાળવી રાખવી તેમજ આરોગ્ય વિભાગને સહકાર આપવો જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આ પ્રકારની તપાસો અને કાર્યવાહી સતત હાથ ધરાશે એવી જાણકારી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.



