MSME માટે કેન્દ્રે બે યોજના લોન્ચ કરી
ખાસ-ખબર સંવાદદાતા
‘ઉદ્યમી ભારત’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ના ક્ષેત્ર માટે અનેક નવી યોજનાઓનો શુભારંભ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત માટે એમએસએમઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અમે એમએસએમઈ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે છેલ્લા આઠ વર્ષમાં બજેટ 650 ટકાથી વધુ વધાર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ’ઉદ્યમી ભારત’ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, એમએસએમઈ ક્ષેત્રે છેલ્લા આઠ વર્ષમાં આત્મનિર્ભર ભારતને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવી છે. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર જરૂરી નીતિગત પગલાં ઊઠાવી રહી છે. વડાપ્રધાને નાના ઉદ્યોગોને સરકારની વસ્તુઓના પૂરવઠા માટે સરકારી ખરીદ મંચ જીઈએમ (ગવર્મેન્ટ ઈ-માર્કેટ પ્લેસ) પોર્ટલ પર નોંધણી કરાવવા જણાવ્યું હતું.
- Advertisement -
તેમણે કહ્યું હું ઈચ્છું છું કે આગામી સપ્તાહે જીઈએમ પોર્ટલ પર એક કરોડ નવી નોંધણી થાય.
આ પહેલાં મોદીએ એમએસએમઈનું પ્રદર્શન વધારવા અને તેને ગતિ આપવા માટે રૂ. 6,000 કરોડની યોજના ’રેમ્પ’ (રેઝિંગ એન્ડ એક્સિલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ)ની શરૂઆત કરી હતી. સાથે જ તેમણે વસ્તુઓ અને સેવાઓની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ’પહેલી વખત નિકાસ કરનારા એમએસએમઈ નિકાસકારોની ક્ષમતા નિર્માણ (સીબીએફટીઈ)’ યોજના શરૂ કરી હતી. આ સિવાય વડાપ્રધાને પીએમઈજીપી યોજનાઓની નવી વિશેષતાઓનો પણ શુભારંભ કર્યો હતો.