ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
દરેક માનવિય સંબંધોમાં માતૃત્વ સર્વોપરી છે. માતાની તુલનાએ કદી કોઈ જ ન આવી શકે. કેમકે ઈશ્વર સમાન માતા નવ માસ ગર્ભને જીરવવાની અને સંતાનોને જન્મ આપવાની વેદના હસતા મુખે સહન કરવાની સાથે સંતાનોના સુખ માટે પોતાની જાતને ઘસી નાખે છે. આવી બેજોડ અને વત્સલ્યમૂર્તિ માં નો કાળજાના કટકા સમાન પુત્ર અંનતની વાટ પકડી લે તો એનો આઘાત માતા કેવી રીતે જીરવી શકે ? આવી જ ઘટના મોરબીમાં સામે આવી છે. વ્હાલથી જેનું જતન કર્યું એ પુત્રએ ફાની દુનિયા છોડી દેતા જાણે માતાની જિંદગી પણ પુત્ર વગર વેરાન બની ગઈ હોય એમણે પણ સદાયને માટે આંખો મીંચી દીધી હતી. પહેલા પુત્ર અને પછી માતાની અર્થી ઉઠતા પરિવાર હિબકે ચડયો હતો.
- Advertisement -
મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલ બૌદ્ધ નગર સોસાયટીમાં રહેતા અમરતબેન ગોવિંદભાઈ ચૌહાણે છ દીકરા અને બે દીકરી એમ 8 સંતાનોનું પોતાના જીવ કરતા પણ અધિક રીતે વ્હાલથી જતન કરીને પરણાવી ઘરસંસાર વસાવ્યો હતો. આ સંતાનો તેમના જીવ કરતા પણ વધુ વ્હાલા છે. તેઓ છ દીકરાઓ અને એમના પણ સંતાનો સાથે હસીખુશીથી જીવન વિતવતા હતા. ગઈકાલે એમના મોટા પુત્ર ખાનાભાઈ ગોવિંદભાઈ ચૌહાણનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. પુત્ર આ દુનિયામાં રહ્યો નથી એવી માતા અમરતબેનને ખબર પડતાં જ એમનું હૃદય ધબકતું બંધ પડી ગયું હતું. જો કે આ માતાનું પુત્રને જોઈને જ હૃદય ખુશીથી ધબકી ઉઠતું પણ પુત્ર જ હવે હયાત ન રહેતા પુત્ર વિના સંસાર સુનો લાગતા માતાએ દેહત્યાગ કરી દીધો હતો. બે દિવસમાં જ બે સભ્યોની અણધારી વિદાયથી પરિવાર શોકાતુર બન્યો હતો.
માતાને મોડેથી જાણ કરાઈ
અમરતબેન વૃદ્ધાવસ્થાને કારણે બીમાર રહેતા હોય જ હતા. પથારીવશ એમની આ સ્થિતિને ધ્યાને લઈને પરિવારજનોએ ખાનાભાઈ અવસાનના સમાચાર થોડા મોડા આપ્યા હતા. ખાનાભાઈનું આવસન થયાની ખબર પડતાં માતા આઘાતથી ભાંગી પડ્યા હતા અને એમની આંખોમાંથી અશ્રુધારા વહ્યા બાદ એમણે પથારીમાં જ દમ તોડી દીધો હતો.



