રેખા પટેલ-ડેલાવર
જીવનના દરેક પાઠ શીખવાની શરૂઆત મા પાસેથી થાય છે
તેની ગોદ એજ તો પ્રથમ શાળા, જ્યાં પ્રેમ, કરુણા અને સહનશીલતાના અક્ષર શીખાય છે
શાળા આપે જ્ઞાન, પરંતુ નિ:સ્વાર્થ પ્રેમ મા પાસેથી શીખાય છે
માનો સાથ કરે જીવન આસાન, તેના સંસ્કાર જીવનનો આધાર
- Advertisement -
માનવજીવનમાં શિક્ષકનું સ્થાન અત્યંત ઊંચું છે. 5 સપ્ટેમ્બર ભારતમાં શિક્ષક દિવસ ઉજવાય છે. દેશમાં રહેતા દરેક એક નાગરિકનું ધડતર શિક્ષણથી થાય છે. છતાં બધા શિક્ષકોમાં માતાનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. કારણ કે બાળકને જીવનના પ્રથમ પાઠ માતાની ગોદમાં જ મળે છે. બાળક જન્મે છે ત્યારથી તેની દરેક જરૂરિયાત, તેની પ્રથમ બોલી, તેનું પ્રથમ પગલું – આ બધાની પાછળ માતાની જ મહેનત અને માર્ગદર્શન રહેલું હોય છે.
શાળા-કોલેજમાંથી આપણે પુસ્તકજ્ઞાન મેળવી શકીએ, પરંતુ જીવનમાં સંજોગો સામે હિંમતપૂર્વક ઊભા રહેવાની પ્રેરણા અને માનવીય ગુણોને જીવનમાં ઉતારવાની શક્તિ માત્ર મા પાસેથી પ્રાપ્ત થાય છે. તેના પોતાના જીવનના ત્યાગ, પરિશ્રમ અને પ્રેમ બાળક માટે જીવંત પાઠ બની જાય છે. આથી જ કહેવાય છે કે મા એ જીવનની પહેલી શિક્ષિકા છે. તેના હાથમાં જ્ઞાનનો ખજાનો છે જેમાં ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ છુપાયેલો છે.
આજે હરણફાળ ભરતા આધુનિક જમાનામાં માતાનો ફાળો અને મહત્વ ઘણું છે. કારણ બાળકની બુદ્ધિ ઉંમર કરતા ઘણી ઝડપથી વિસ્તરી રહી છે ત્યારે તેને યોગ્ય માર્ગદર્શન અને સંસ્કાર ખુબ જરૂરી બની જાય છે. ટેકનોલોજીના યુગમાં બાળકો ખૂબ ઝડપથી શીખી રહ્યા છે. નાની ઉંમરથી જ તેઓ મોબાઈલ, ટી.વી., ઇન્ટરનેટ જેવી ટેકનોલોજી સાથે પરિચિત થઈ જાય છે. આવા સમયમાં માતા માટે સૌથી મોટું અને અઘરું કાર્ય છે – બાળકને યોગ્ય દિશામાં દોરવું.
બાળકને શું જોવું જોઈએ, કઈ માહિતી અપનાવવી જોઈએ. શું શીખવું અને શું જોવું ટાળવું જોઈએ – તેની પ્રથમ સમજ માતા જ આપે છે. એકજ ક્લિકમાં સારું ખોટું બધુજ નજર સામે પીરસાઈ જતું હોય છે એવા સમયમાં બાળકની કુતુહલ વૃત્તિને ધ્યામમાં રાખીને તેમને શીખવાડવામાં, સમજાવવામાં અને પોતાના કલ્ચર પ્રમાણે સંસ્કારો આપવામાં સહુથી વધારે ચેલેન્જ એક માને ઉઠાવવો પડે છે. ભલેને ગમે તે દેશ કે ઘર્મ હોય પરંતુ આ જવાબદારી મા બરાબર નિભાવે છે. આ બધું કરવામાં એ કડવી દવા જેવી પણ બનીને બાળકનું હિત ઈચ્છે છે.
સમય હતો કે સંયુક્ત કુટુંબ પ્રથા હતી. બાળકને એકલતા જેવી પરિસ્થિતિનો સામનો નહોતો કરવો પડતો. સમાજમાં જોઈતા સંસ્કારો અને પ્રેમ, મા સાથે બધા કુટુંબના બીજા સભ્યો પાસેથી મળી રહેતા. સાથે આજના જેવો સ્પર્ધાત્મક યુગ પણ નહોતો આથી બચપણ આરામથી નીકળી જતું. ઘરમાં પ્રેમ હુંફ અને સ્કુલમાં જરૂરી શિક્ષા મળી રહેતી.
પરંતુ આજે પરિસ્થિતિ સાવ ઉલટી છે. પ્રથમ સંયુક્ત કુટુંબ રહ્યા નથી ત્યારે માતા પિતા સાથે બાળક એકલું હોય છે. એમાય બંને જો કામ કરતા હોય તો બાળક અપાતો સમય સાવ ઓછો હોય છે. ઓછા સમયમાં બાળકનું યોગ્ય ઘડતર કરવું એ મોટી ચેલેન્જ છે. સામે આજની માતાઓ ખુબજ સતર્કપણે પોતાની જવાબદારી નિભાવી જાણે છે. તેનું સચોટ કારણ છે માતા શિક્ષિત છે તે જાણે છે બાળકની ક્યાં, કેટલી જરૂરીયાત છે. મલ્ટીટાસ્ક માતાઓ એ પ્રમાણે પોતાનું ટાઈમ ટેબલ ગોઠવતી હોય છે.
ભારત જેવા દેશમાં જ્યાં કામવાળા અને આયા સહેલાઈથી મળી જતા હોય ત્યાં માતા પિતાને બાળક માટે થોડો વધુ સમય મળી જાય છે. પરંતુ અમેરિકા જેવા દેશોમાં આવી સુવિધાઓ ખાસ બધાને મળતી નથી. સાવ નાના બાળકને પણ ડે કેર સેન્ટરમાં મુકવું પડે છે, તેને અપાતું માનું દૂધ પણ બોટલમાં ભરીને સાથે આપવું પડે છે. આવી સ્થિતિ મા અને બાળક બંને માટે દયનીય છે છતાં બંને દૈનિક જીવનનો ભાગ માની ખુશીથી અપનાવી લેતા હોય છે. સાંજે નોકરી ઉપરથી ઘરે આવતા બાળકને લઈને આવે ત્યારથી લઇ તેને સમયસર સુવાડવા સુધીના મળતા માત્ર ત્રણ થી ચાર કલાકમાં એક સ્ત્રીને કેટલા બધા રોલ નિભાવે છે. કોર્પોરેટ વર્લ્ડ માંથી માતા, પત્ની, કામવાળી, શિક્ષક, અને છેલ્લે એક સ્ત્રી તરીકેના બધાજ રોલ પુરા કરવાના હોય છે.
આ બધામાં જ્યારે મા તરીકે આજની જનરેશનને નજીક થી નિહાળીએ તોજ તેમની કાર્યક્ષમતા અને કાર્યશૈલીનો સાચો અનુભવ થઇ શકે છે. જોકે હવે બાળકના પિતા પણ જોડાજોડ મદદ માટે રહે છે તે પણ નોંધનીય વાત છે.
બાળકને ખુબ સાવચેતી અને પ્રેમ સાથે ટેકનીકથી સમજાવે છે શીખવે છે. જેમકે રોજ રાત્રે સારી બાળકને આદત શીખવવા માટે માતા તેને બ્રશ કરાવે છે તો સામે એક બીજું તેને આપે છે જેથી એ મા સાથે રમત રમી શકે અને શીખી પણ શકે. આમાં મા અને બાળકનું બોન્ડીગ પણ જળવાઈ રહે છે. આવા કાર્યો આજના પિતા પણ ખુબ ખુશીથી નિભાવતા હોય છે.
સમય હતો ઘરના વડીલો બાળકોને વાર્તાઓ કહેતા ભજન શિખવતા અને માતા પિતા એમના જરૂરી કાર્યો પુરા કરતા. હવે આ બધું પતિપત્નીએ સમયના બંધનમાં રહીને પુરા કરવાનું હોય છે. આમ તેઓ ખુશીથી કરે છે, એ પણ એક બે દિવસ નહિ દરરોજની માટે. સ્ટોરીટેલિંગ (વાર્તાઓ દ્વારા શિક્ષણ) આપીને સાથે ટેકનોલોજીના માધ્યમથી આકર્ષક વાર્તાઓ, એનિમેશન, બતાવી અથવા પોતાની રીતે વાર્તા કહીને બાળકોને સંસ્કાર અને નૈતિક મૂલ્યો શીખવે છે.
રોજિંદા કામમાં બાળકને સાથે રાખે છે. બાળક ગમે તેટલું ગંદુ કરે છતાં જાતે ખાતા શીખવે છે. પોતે ભલે સમયના અભાવે તૈયાર ખોરાક લે પરંતુ મોટાભાગે આજની માતા બાળકને ઘરે બાફીને તૈયાર કરતો ખોરાક આપવું પસંદ કરે છે. તેમની આ અવેરનેશ બાળક યોગ્ય શારીરિક માનસિક પોષણની માટેજ છે. 3. ડિજિટલ લર્નિંગનો સમજણ આવતા બાળકની બુધ્ધિનાં વિકાસ માટે શિક્ષણાત્મક એપ્સ, ઈ-બુક્સ, પઝલ્સ, ક્વિઝ વગેરેનો સહારો લઈને પણ તેમને વ્યસ્ત રાખતા શીખવે છે. સાથે બહારની અનેક એક્ટીવીટી દ્વારા બાળકમાં આત્મવિશ્વાસ વધારવા પોતાના સમયનું બલિદાન આપે છે. આ રીતે, આધુનિક યુગમાં માતા માત્ર પરંપરાગત ગુરુ નથી રહી, પરંતુ જીવન કુશળતા, ટેકનોલોજીનો સાચો ઉપયોગ અને સંસ્કાર – આ બધું સંતુલિત રીતે શીખવતી એક આધુનિક શિક્ષિકા બની ગઈ છે.
સમય હતો મન પાલવ હેઠળ બાળક સુરક્ષિત ગણાતો એના બદલે હવે માની સ્માર્ટનેસ ભરી સમજણ હેઠળ બાળક સુરક્ષિત ગણાય છે.
મા બાળકને માત્ર ભાષા કે વર્તન જ નથી શીખવતી, પરંતુ જીવન જીવવાની સાચી કળા પણ શીખવે છે. તે તેને સંસ્કાર આપે છે, સત્ય-અસત્યનો ભેદ શીખવે છે, સારા-નરસા માર્ગ વચ્ચે પસંદગી કરવાની સમજણ આપે છે. તે પ્રેમ, દયા, કરુણા, સહનશીલતા અને નિ:સ્વાર્થ સેવાભાવ જેવા મૂલ્યોનું સિંચન કરે છે.