શૈલેષ સગપરિયા
મારું વતન ગોંડલ તાલુકાનું મોવિયા ગામ છે. મારા ઘરની સામે જ ધીરુભાઈ ઠુંમર નામના એક ભાઈ રહેતા હતા. ધીરુભાઈ કોઈ રોગનો શિકાર બન્યા અને ધીમે ધીમે એનું શરીર ઘસાવા લાગ્યું. એમનાથી કોઈ કામ થઈ શકતું નહીં એટલે પરિવાર ચલાવવાની જવાબદારી એમનાં પત્ની લલિતાબહેન પર આવી. લલિતાભાભી ભારે હિંમતવાળાં. બે દીકરાઓ હતા. પણ નાના હતા એટલે ખેતીની બધી જ જવાબદારી લલિતાભાભીએ પોતાના માથે લઇ લીધી. વહેલી સવારથી મોડી રાત સુધી કામ કરે. કમાણીનો મોટો ભાગ તો પતિની દવામાં ચાલ્યો જાય પણ હિંમત હાર્યા વગર મહેનત કર્યે રાખે.
- Advertisement -
મોટો દીકરો હર્ષદ ભણવામાં સામાન્ય પણ નાનો દીકરો મિતુલ ભણવામાં હોશિયાર. લલિતાભાભી ઘણી વખત મને કહેતા, “શૈલેષભાઈ, મારે મિતુલને તમારા જેવો મોટો સાહેબ બનાવવો છે.” મિતુલ મારી પાસે ભણવા આવતો. ધો. 12 સુધીનો અભ્યાસ મિતુલે મોવિયાની જ સરકારી શાળામાં કર્યો. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી તો આ પરિવારને પોસાય તેમ નહોતી એટલે મેં જે કોલેજમાં અભ્યાસ કરેલો એ રાજકોટની પીડીએમ કોલેજમાં બી.કોમ. કરવાનું મેં મિતુલને સૂચન કર્યું. મિતુલ કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે એના પિતા ધીરુભાઈનું લાંબી બીમારી બાદ અવસાન થયું. મિતુલનું ગ્રેજ્યુએશન પૂરું થયું પછી એમસીએ કરવા માટે બેંગલોર જવાનું નક્કી થયું. મને લલિતાભાભીએ આ વાત કરી. મેં કહ્યું, “ભાભી, બેંગલોરમાં ભણાવવાનો ખર્ચ વધુ થશે તમે પહોંચી વળશો ?” જવાબમાં લલિતાભાભી મને કહે, “શૈલેષભાઈ, હું ગમે તેમ કરીને ભેગું કરી લઈશ. જરૂર પડયે મારાં ઘરેણાં વેંચી નાંખીશ. વ્યાજે રૂપિયા લઈ આવીશ. પણ મારે મારા દીકરાને તમારા જેવો બનાવવો છે.”
મિતુલના અભ્યાસ માટે એના મોટાભાઈએ પણ પોતાનાથી જે કંઈ થઈ શકે એ કરી છૂટવાની તૈયારી બતાવી. મિતુલને આગળના અભ્યાસ માટે બેંગ્લોર મોકલ્યો. ખેતીમાંથી થતી આવકમાંથી માંડ માંડ ઘર ચાલે એટલે દીકરાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે લલિતાભાભીએ સગાં-વહાલાં પાસેથી ઉછીના પૈસા લઈને દેવું કર્યું.
એમસીએ પૂરું કર્યા પછી બેંગલોરની જ એક કંપનીમાં મિતુલને મહિને રૂ. 7,000ના પગારથી નોકરી મળી ગઈ. બેંગ્લોર જેવા શહેરમાં મહિને રૂ. 7,000માં પોતાનું પણ પૂરું ન થાય ત્યાં પરિવારને મદદ તો ક્યાંથી થઈ શકે! મિતુલ પગાર સામે જોયા વગર દિલ દઈને કામ કરતો. ધીરે ધીરે કંપનીઓ બદલાતી ગઈ અને પગાર પણ વધતો ગયો. હું જ્યારે જ્યારે મોવિયા જાઉં ત્યારે લલિતાભાભી પોરસાતા-પોરસાતા કહે, “શૈલેશભાઈ, મિતલનો પગાર હવે રૂ. 20,000 થઈ ગયો, રૂ. 30,000 થઈ ગયો, રૂ. 40,000 થઈ ગયો !”
- Advertisement -
થોડા સમય પહેલા જ્યારે હું મિતુલને મળ્યો ત્યારે મને જાણવા મળ્યું કે એને હવે અમેરિકાની 250 વર્ષ જૂની કંપનીમાં નોકરી મળી ગઇ છે. 2011માં મહિનાનો રૂ. 7,000નો પગાર મેળવતો મિતુલ અત્યારે વાર્ષિક રૂ. 18 લાખના પેકેજમાં કામ કરે છે. નોકરી ઉપરાંતના સમયમાં વધારાનું કામ કરીને બીજી પાંચ થી છ લાખની કમાણી કરી લે એ પાછી જુદી. ગામડાની એક વિધવા બાઈએ જોયેલું સપનું એના દીકરાએ સાર્થક કર્યું. લલિતાભાભી કહેતાં કે મિતુલને તમારા જેવો સાહેબ બનાવવો છે. પણ એક માતાના સમર્પણ, મોટાભાઈના સહયોગ અને પોતાની મહેનતથી મિતુલ મારા કરતાં બમણો પગાર મેળવતો થઈ ગયો છે.