રોગચાળો અટકાવવા મનપાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા ફોગિંગની કામગીરી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરમાં દિવસે ને દિવસે રોગચાળો વધતો રહ્યો છે. હોસ્પિટલોમાં ડેન્ગ્યુ, શરદી-તાવ, મેલેરીયા, ટાઈફોઈડ, કમળો, મરડો અને કોલેરાના દર્દીઓની લાંબી કતારો લાગી છે ત્યારે મનપાની આરોગ્ય શાખા દ્વારા રોગચાળો અટકાવવાના પગલાં લેવામાં આવ્યા હતા.
રાજકોટમાં છેલ્લા એક મહિના દરમિયાન શરદી-ઉધરસના 1006, સામાન્ય તાવના 631 કેસ, ઝાડા-ઉલ્ટીના 183, ટાઈફોઇડ તાવના 5 કેસ મનપાના ચોપડે નોંધાયેલા હતા. આ રોગચાળા દ્વારા ઉભા થતાં જાહેર આરોગ્યને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 30-9થી તા. 6-10 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિતની 360 ટીમો દ્વારા 93,962 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 6578 ઘરમાં ફોગિંગ કામગીરી કરેલી છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરુદ્ધ મચ્છર ઉત્પત્તિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 340 પ્રિમાઈસીસ (બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઈન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ-વાડી પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવેલી છે જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંકમાં 365 અને કોમર્શિયલ 128 આસામીને નોટીસ આપવામાં આવી અને રૂા. 62350નો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.