પ્રાણ પ્રતિષ્ઠા પુર્વે રામમય થતું ગુજરાત: શ્રદ્ધાની હેલી, ઠેર-ઠેર અદમ્ય ઉત્સાહ
સાબરમતીકાંડના શહીદ કારસેવકોના 18 પરિવાર પણ અયોધ્યા પહોંચ્યા: રામ માટે પ્રાણ બીછાવનારને ખાસ આમંત્રણ
- Advertisement -
શુભમુહૂર્તે ગુજરાતના દરેક વ્યક્તિના શ્ર્વાસમાં રામ-રામના જપ હશે: 1.25 કરોડ ઘરોમાં પહોંચ્યા આમંત્રણ: સૌ પરોક્ષ સામેલ થશે
રાજયમાં મંદિરોથી સોસાયટી અને ઘરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા ઉત્સાહ
પ્રથમ વખત સ્વયંભુ બંધ રહેશે વ્યાપાર-ઉદ્યોગ: અભૂતપૂર્વ દૃશ્યો
ખાસ-ખબર સંવાદદાતા
આગામી સોમવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુર્વે દેશભરની સાથે ગુજરાતમાં પણ વાતાવરણ રામ-મય બનવા લાગ્યુ છે સોમવારે રાજયભરમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમાંતર મંદિરોથી લઈને સોસાયટીઓ તથા ધાર્મિક સ્થળોએ ભગવાન શ્રી રામના સ્વગૃહ બિરાજમાન ઉત્સવ મનાવાશે.
રાજયમાં સોમવારે સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં અડધો દિવસની રજા જાહેર થઈ છે તો રાજયભરના માર્કેટયાર્ડ, ઔદ્યોગીક ક્ષેત્રો, બજારો તથા વ્યાપાર ધંધાના સર્વે ક્ષેત્રમાં રામલલા મહોત્સવ માટે લોકો સામેલ થઈ શકે તે માટે રજા જાહેર થઈ છે અને રાજયના 1.25 કરોડ પરિવારોના નિવાસે રામમંદિર પ્રાણ મહોત્સવમાં પરોક્ષ રીતે સામેલ થવા માટે આમંત્રણ મોકલી દેવાયા છે.
તો રાજયના 305 સાધુ-સંતો-મહંતોને પાઠવાયેલા આમંત્રણ બાદ તેઓ આજે અયોધ્યા પહોંચી ગયા છે. સાથે 2001માં જે રીતે અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોને લઈ આવતી સાબરમતી ટ્રેનની બોગીમાં ગોધરા રેલવે સ્ટેશને હુમલો કરીને આગ લગાડાઈ તે ઘટનામાં માર્યા ગયેલા કાર સેવકોના પરિવારના 18 લોકોને પણ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ અપાયા છે અને તેઓ પણ પહોંચી ગયા છે.
રામમંદિર નિર્માણમાં સહયોગ આપનાર અનેકને પણ આમંત્રણ છે પણ કોઈ રાજયના કોઈ રાજકીય નેતાને આમંત્રણ અપાયા નથી. ગુજરાતમાંથી મંદિર નિર્માણ માટે રૂા.225 કરોડનો ફાળો અપાયો છે. જેમાં સૌથી વધુ રકમ સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકીયા તરફથી રૂા.11 કરોડ અપાયા છે. જેઓએ રૂા.25 લાખ કે તેથી ઉપરની રકમ મંદિર નિર્માણમાં દાનમાં આપી છે તેઓને આ મહોત્સવમાં સામેલ થવા આમંત્રણ અપાયા છે.
સોમવાર સવારથી જ રાજયભરના મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગ ચડવા લાગશે તમામ મહત્વના મંદિરોને સ્વચ્છ કરીને શણગાર કરાયા છે અને શાળા-કોલેજોમાં પણ રજા છે તથા માર્ગો પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ડીજીટલ સહિતના હોર્ડીંગ્સ પણ મુકાયા છે. ભગવાન શ્રીરામ, સીતા, લક્ષ્મણના વેશભૂષામાં બાળકો મંદિરોમાં આ આયોજનમાં સામેલ થશે.