દેશ-વિદેશના મહેમાનોના સ્વાગત માટે તૈયાર કરાયો ભવ્ય સ્વાગતકક્ષ: પ્રવિણભાઈ પાઘડારના માર્ગદર્શનમાં સ્વાગત સમિતિની સમગ્ર ટીમ દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરૂ થઈને તા. 1 ડીસેમ્બર સુધી ચાલશે. વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિકો રામકથા શ્રવણ અને ભોજન-પ્રસાદનો લહાવો લેશે.
ત્યારે આ રામકથા દરમિયાન વિવિધ સામાજિક-સેવાકીય સંસ્થાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, પ્રબુદ્ધ નાગરિકો પોતપોતાની રીતે આ ધાર્મિકોત્સવમાં યથાશક્તિ પોતાનું યોગદાન આપી આ સેવાયજ્ઞમાં સેવારૂપી આહુતિ આપી રહ્યા છે. સદ્ભાવના વૃદ્ધાશ્રમ આયોજિત વડીલો અને વૃક્ષોના શુભાર્થે મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથા માટે રામકથા સ્વાગત સમિતિ મોંઘેરા મહેમાનોનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા થનગની રહી છે. આશરે દસ હજારથી વધુ મહેમાનો દેશ-વિદેશથી રામકથા શ્રવણનો લાભ લેવા પધારવાના છે.
આ તકે સ્વાગત સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ પાઘડારએ જણાવ્યું હતું કે અતિથિ દેવો ભવ એટલે અતિથિ દેવ સમાન છે. આપણે ત્યાં આવે તો આપણે તેને દેવ સમાન ગણી તેનો આદર સત્કાર કરી તેના આગતા-સ્વાગતા કરી એ આપણી વર્ષો જૂની પ્રણાલિકા રહી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર દરેક વ્યક્તિમાં પરમાત્માનો અંશ હોય છે. આપણા આંગણે આવેલ પ્રત્યેક વ્યક્તિનો રૂડો આવકાર આપી તેમનો આદર-સત્કાર કરવો એ જ આપણી પ્રાચીન પરંપરા રહી છે ત્યારે રાજકોટના આંગણે રામકથા શ્રવણનો લહાવો લેવા આવનાર મહેમાનો માટે કથામંડપ પાસે વિશેષ સ્વાગતકક્ષ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મહેમાનોનું આગમન થતાં તેમને ખેસ પહેરાવી આવકારવામાં આવશે, બાદમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમના નવા બિલ્ડિંગનું શિલારૂપે પૂજન કરાવી તેમને કથામંડપ સુધી લઈ જવામાં આવશે.
- Advertisement -
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મહેમાનોના સ્વાગતનો આ સિલસિલો કથાના પ્રથમ દિવસથી અંતિમ દિવસ સુધી યથાવત રહેશે. મહેમાનોના ભવ્ય સ્વાગત માટે પ્રવિણભાઈ પાઘડારના માર્ગદર્શન તળે પ્રદિપભાઈ ડવ, પુષ્કરભાઈ પટેલ, કિશોરભાઈ રાઠોડ, ડી. વી. મહેતા, નરેન્દ્રસિંહ ઠાકુર, વિક્રમભાઈ પુજારા, રાજદિપસિંહ જાડેજા, મયુરભાઈ શાહ, કિરીટભાઈ પાઠક, મનુભાઈ વઘાસિયા, પૂર્વેશભાઈ ભટ્ટ, પ્રવિણભાઈ ઠુંમર, નીતિનભાઈ ભુત, અશ્ર્વિનભાઈ ભોરણીયા, જયદીપભાઈ જલુ, અલ્પનાબેન ત્રિવેદી, મનસુખભાઈ વેકરીયા, પંકજભાઈ કપુપરા, હેમુભાઈ પરમાર, શ્યામભાઈ ડાભી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે એમ અંતમાં પ્રેસ સૌજન્ય મુલાકાતે આવેલ રામકથા સ્વાગત સમિતિના સભ્યોએ જણાવ્યું હતું. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે પ્રવીણ પાઘડાર, મયુરભાઈ શાહ, મનુભાઈ વઘાસીયા, પ્રવીણભાઈ ઠુંમર આવ્યા હતા.