જસદણના વેપારીને 15 દિવસમાં પેમેન્ટ આપવાનું કહી રૂ.1.26 કરોડનું બૂચ
અમદાવાદ, સાવરકુંડલા સહીત દસેક ગુના : પાળીયાદ પોલીસ પાસેથી કબજો લેવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
થોડા સમય પૂર્વે ચોટીલાની સિદ્ધનાથ કોટેક્ષ કંપનીના ઉઠમણાં થઈ ગયાના સમાચાર વહેતા થયા બાદ તેના ભાગીદારો સામે એક પછી એક ગુના નોંધાયા હતા દરમિયાન જસદણના વેપારીને 15 દિવસમાં પેમેન્ટ આપવાનું કહી તેની પાસેથી 5500 ગાંસડી કોટન ખરીદી થોડું પેમેન્ટ બાકી રાખી 1.26 કરોડનું બૂચ મારી દેતા રાજકોટ રહેતા પાંચેય ભેજાબાજો સામે જસદણ પોલીસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે પાળીયાદના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીઓનો જસદણ પોલીસ કબજો લેશે અમદાવાદ, સાવરકુંડલા સહીત દસેક ગુના નોંધાયાનું જાણવા મળ્યું છે. જસદણની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને ખાનપર રોડ ઉપર ભૂમિ કોમ્પ્લેક્ષમાં આદિત્ય ટ્રેડલીંક નામે વેપાર કરતા અજયભાઈ કનુભાઈ વઘાસીયા ઉ.38એ રાજકોટના દર્શન રમણીકભાઈ ભાલાળા, વીરેન સુરેશભાઈ લુણાગરિયા, રમણીક ચકુભાઈ ભાલાળા, સુરેશ ગોવિંદભાઈ લુણાગરિયા અને જાતિન મગનભાઈ સોરઠીયા સામે જસદણ પોલીસમાં 1,26,17,677ની ઠગાઈ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર 2022માં ચોટીલા સ્થિત સિદ્ધનાથ કોટેક્ષ કંપની સાથે સંપર્ક થયેલ અને તે મોટા પાયે કોટન બેલ્સ ખરીદી કરવાની હોવાનું જાણવા મળતા વાતચીત કરતા ભાગીદારોએ 15 દિવસમાં પેમેન્ટ આપવાનું કહેતા તેમને 4500 ગાંસડી આપી હતી જેનું 13,08,07,325 પેમેન્ટ થતું હોય તે પૈકી 12,64,94,288 પેમેન્ટ ચુકવ્યું હતું અને 43,12,947 બાકી રાખ્યા હતા તથા પિયા કોટન કંપનીને 1000 ગાંસડી કોટન આપ્યું હતું તેના 2,97,44,162 પેમેન્ટ થતું હોય પણ વેરીયેશન આવતા 2,64,37,785 પેમેન્ટ નક્કી થયું હતું તેના 1,81,33,055 પેમેન્ટ ચુકવ્યું હતું તેના 83,04,730 પેમેન્ટ બાકી રહેતું હતું બંનેના 1.26 કરોડ લેવાના નીકળતા હોય વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા આપેલ નહિ ચોટીલા તપાસ કરતા ત્યાં તાળા જોવા મળ્યા હતા દરમિયાન પીઆઈ ટી બી જાનીએ જણાવ્યું હતું કે આ ટોળકી પાળીયાદના ગુનામાં પકડાયેલ હોય પાંચેયનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેવાશે ટોળકી સામે સેમ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદ, સાવરકુંડલા સહિતના સ્થળોએ દસ જેટલા ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.