પાલિકામાં સૌથી વધુ ટેક્ષ ભરતો વિસ્તાર સુવિધા મામલે ઓશિયાળો !
રોડના ખોદાણને કારણે રોડ વધુ ખરાબ થઈ ગયા છે અને ઉપરથી સતત ગટર ઉભરાતી રહેતી હોય દરરોજ ખાડામાં અનેક વાહનો ફસાય છે અને ભારે હાડમારી વેઠવી પડે છે. આ ઔદ્યોગિક વિસ્તાર પાલિકામાં સૌથી વધુ ટેક્સ ભરતો હોવા છતાં સુવિધા મામલે ઓશિયાળો સાબિત થાય છે. નગરપાલિકાએ એક પણ રજુઆત સાંભળીને કામ કર્યું હોય એવું ક્યારેય બન્યું નથી. દરેક રજુઆતનો ડૂચો વાળી દેવાતો હોય અત્યારે લાતીપ્લોટની દશા નર્કાગાર જેવી થઈ ગઈ છે જેથી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી વેપારીઓએ કલેકટર સમક્ષ માંગ કરી છે.
રસ્તાના કામો અધવચ્ચે છોડી દેવાતા સ્થાનિકોને હાલાકી
- Advertisement -
ખરાબ રસ્તામાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરને કારણે વેપારીઓ અને ઉદ્યોગકારો ત્રસ્ત
વહેલી તકે રોડનું કામ શરૂ કરીને ગટરની સમસ્યાનું નિવારણ લાવવા કલેક્ટરને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરની આર્થિક કરોડરજ્જુ સમાન લાતી પ્લોટની હાલત બેહાલ થઈ ગઈ છે. થોડા સમય પહેલા લાતીપ્લોટમાં રસ્તાના કામો શરૂ કરવામાં આવ્યા બાદ અધવચ્ચેથી કામ અટકાવી દેવાતા હાલ ગટર ઉભરાવવાની સમસ્યાએ એટલી હદે માજા મૂકી છે કે, નાના ઉધોગકારો અને વેપારીઓને ખરાબ રસ્તા અને ગટરની સમસ્યાથી કંટાળીને ધંધા બંધ રાખવાંની નોબત આવે તેમ છે. આથી નાના ઉધોગકારો અને વેપારીઓએ કલેકટરને રજુઆત કરીને વહેલી તકે રોડનું કામ શરૂ કરી ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.
- Advertisement -
મોરબી શહેરના ઔદ્યોગિક વિસ્તાર એવા લાતીપ્લોટના નાના લઘુ ઉદ્યોગકારો અને વેપારીઓએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, વર્ષોથી તંત્રની બેદરકારીના પાપે લાતીપ્લોટ ચારેકોરથી સમસ્યાઓથી ઘેરાયેલો છે. રોડ રસ્તા અને ઉભરાતી ગટરને કારણે અહીંયાના નાના ઉધોગકારો અને વેપારીઓ લાંબા સમયથી પરેશાન છે જેથી દર ચોમાસે પાણી ભરાવવાની સમસ્યાને કારણે ઘડિયાળ, ટાઇલ્સ સહિતના ઘણા ઉધોગો અહીંથી બંધ થઈને અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે જ્યારે ઘણા નાના ઉદ્યોગો અને વેપારીઓ મૂડીના વાંકે સમસ્યાથી પીડાય રહ્યા છે. તે દરમિયાન ગત ચોમાસા બાદ રાજ્ય સરકાર દ્વારા લાતીપ્લોટમાં નવા રસ્તા સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા હતા જે રોડના કામોનું ખાતમુહૂર્ત કરીને થોડું કામ કર્યા બાદ અધવચ્ચેથી જ બંધ કરી દેવામાં આવ્યું છે.