મોરબીની સિરામીક ફેકટરીના મેનેજરને આંગડિયા પેઢીમાંથી રોકડા રૂપિયા લઈ એક્સેસ મોટરસાયકલની ડેકીમાં રાખવા ભારે પડ્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા અને આજવીટો સીરામીક ફેક્ટરીના મેનેજર હેમાંગભાઈ સંઘવીને ધરતી ટાવર વિસ્તારમાં આવેલ એચ એમ આંગડીયા પેઢીમાંથી ફોન આવ્યો હતો અને મુંબઈથી એક પાર્ટીએ રૂપિયા 10,58,900 મોકલાવ્યા હોય જે લઈ જવા જણાવતા તેઓ તેમનું એક્સેસ મોટરસાયકલ લઈ આંગડિયા પેઢીએ ગયા હતા અને રૂપિયા મેળવી પોતાના એક્સેસની ડેકીમાં રાખ્યા હતા.
- Advertisement -
હેમાંગભાઈ આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઈ તેના ઘરે જવા નીકળ્યા હતા પરંતુ દીકરીનો જન્મ દિવસ હોવાથી કેકના ઓર્ડર અંગે તપાસ કરવા તેમજ ગુલાબ જાંબુ લેવા મોરબીના શનાળા રોડ પર આવેલ મહાવીર ફરસાણમાં મોટરસાયકલ રેઢું મૂકીને ગયા હતા જ્યારે તેઓ ઘેર પહોંચી રોકડ રકમ કાઢવા જતા એક્સેસની ડેકી ખુલ્લી હોવાનું અને ડેકીમાં રાખેલા રોકડા રૂપિયા ગાયબ હોવાનું જણાતા ફરી મહાવીર ફરસાણ અને ડાયમંડ બેકરીએ પહોંચી તપાસ કરી સીસીટીવી ચેક કરતા કશું જોવા ન મળતા અંતે હેમાંગભાઈએ મોરબી સિટીએ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.