વિકાસ વિદ્યાલયની બાળાઓ અને વૃદ્ધોના જીવનમાં સ્નેહના રંગો પુરાયા; ડો. દેવેન રબારીના માર્ગદર્શન હેઠળ માનવતાવાદી ઉજવણી
બાળકોને પિચકારી, ખજૂર અને મીઠાઈનું વિતરણ; ‘માનવતા સર્વોપરી’નો સંદેશ આપી રંગોત્સવની પરંપરા સાર્થક કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.5
ભારતીય સંસ્કૃતિમાં રંગોત્સવ એ માત્ર રંગો ઉડાડવાનું પર્વ નથી, પરંતુ આત્મીયતા અને સ્નેહથી એકબીજાના હૃદય જીતવાનો અવસર છે. આ ઉમદા ભાવનાને ચરિતાર્થ કરતા મોરબીના ક્રાંતિકારી વિચારો ધરાવતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વર્ષે પણ હોળી-ધૂળેટીની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ગ્રુપના સભ્યોએ વિકાસ વિદ્યાલયની બાળાઓ અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે સમય વિતાવી તેમની બેરંગી જિંદગીને ખુશીઓના રંગોથી ભરી દીધી હતી.
આ ઉજવણી અંતર્ગત યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા અને ખુશીઓથી વંચિત એવા બાળકોને કલર, પિચકારી, ખજૂર અને મીઠાઈના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. જીવનની વિષમ પરિસ્થિતિમાં જીવતા આ બાળકોના ચહેરા પર જ્યારે સ્નેહનો રંગ લાગ્યો, ત્યારે એક અદભૂત માનવતાભર્યું વાતાવરણ સર્જાયું હતું. આ ઉપરાંત વૃદ્ધાશ્રમના વડીલો સાથે હોળી રમી યુવાનોએ તેમને એકાંતમાંથી મુક્તિ અપાવી આદર-સત્કારનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો.
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેન રબારીએ આ તકે જણાવ્યું હતું કે, રંગોત્સવ એ જીવનના દુર્ગુણોને ત્યાગી પ્રેમ, મૈત્રી અને સમરસતાના રંગો અપનાવવાનું પર્વ છે. જ્યારે આપણે કોઈના જીવનમાં ખુશીના રંગ ભરીએ છીએ ત્યારે જ તહેવારનો સાચો અર્થ સરે છે. સમાજના દરેક વર્ગમાં સમાનતા અને મૈત્રીભાવના મજબૂત બને તે હેતુથી ગ્રુપ દ્વારા દરેક તહેવારને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડવામાં આવે છે.



