મોરબીની 362 ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સ્વરૂપે વેરા ભરવાની સવલત ઉપલબ્ધ થઈ
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાનનું ડિજીટલ ઈન્ડિયાનું સ્વપ્ન મોરબી જિલ્લાએ સાર્થક કર્યું છે જેમાં મોરબી જીલ્લાની તમામ 362 ગ્રામ પંચાયતો ખાતે ક્યુ.આર. કોડથી ઓનલાઈન વેરા ભરવાની સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. મોરબી જીલ્લા પંચાયત દ્વારા ઉપ્લબ્ધ આ સુવિધા થકી હવે તમામ ગ્રામ પંચાયતોમાં વેરો ડિજીટલ સ્વરૂપે ભરી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી‘ડિજિટલ ઈન્ડિયા’થકી ગ્રામીણ વિસ્તારમાં છેવાડે રહેતા માનવીનું જીવન પણ સરળ અને સુગમતાભર્યું બને તે માટે સતત કાર્યશીલ છે. દેશના છેવાડાના નાગરિકો સુધી આધુનિક ટેક્નોલોજીના લાભ પહોંચે તે માટે સરકાર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લાએ સરકારની આ પહેલમાં અગ્રેસર રહી સરકારના ડિજીટલ ઈન્ડિયાના અભિગમને સાર્થક બનાવવામાં આગેકૂચ કરી છે. મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વીજયસિંહ ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને ક્યુ.આર. કોડ સાથે ઓલનાઈન પેમેન્ટથી વેરા ભરવા માટેની સુવિધા હેઠળ સાંકળી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં સફળતા મળી છે જે અંતર્ગત મોરબી જિલ્લાની તમામ 362 ગ્રામ પંચાયતો ખાતે ઓનલાઈન વેરા ભરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.
- Advertisement -
ગામડાંના લોકો આંગળીના ટેરવે વેરા ભરી શકશે !
મોરબી જિલ્લાનીગ્રામ પંચાયતોમાં ઓનલાઈન વેરા ભરવાની સુવિધા પ્રાપ્ત થવાથી ગામડાના લોકો માટે વેરા ભરવાની કામગીરી તદ્દ્ન સરળ બની છે ત્યારે ગૃહિણીઓ ઘરે બેઠા ઘરકામ કરતા કરતા તો ખેડૂતો ખેતરેથી જ ખેતી કરતા કરતા ગ્રામ પંચાયતના કોઈ પણ પ્રકારના વેરા ભરી શકે તે સંભવ બન્યું છે. ઓનલાઈન વેરા ભરવા માટે ક્યુ.આર. કોડની મદદથી પંચાયતને લગતા પાણીવેરા, સફાઈવેરા, મકાનવેરા, વ્યવસાયવેરા વગેરેનું ચૂકવણું ગામડાના લોકો આંગળીની ટેરવે કરી શકશે.
લોકો માટે ઑનલાઇન વેરો ભરવાની સુવિધા મહત્ત્વની સાબિત થશે : ઉઉઘ જાડેજા
આ બાબતે મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વીજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે, દેશની તમામ ગ્રામ પંચાયતો ક્યુ.આર. કોડની મદદથી ઓનલાઈન વેરા સ્વીકારવાની સુવિધાયુક્ત બને જે અંતર્ગત મોરબી જિલ્લાની તમામ 362 ગ્રામ પંચાયતો ખાતે ક્યુ.આર. કોડની મદદથી ઓનલાઇન વેરા સ્વીકારવાની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામજનો તેમના વેરા જેવા કે, મકાનવેરો, પાણીવેરો વગેરે ઓનલાઈન ભરી શકશે જેથી ગ્રામજનોને પંચાયત ઘરે રૂબરૂ જવાની જરૂરિયાત નહીં રહે. ગ્રામ પંચાયતોના ખાતામાં સીધા જ રૂપિયા જમા થશે, હિસાબો સરળ બનશે તેમજ આ ઓનલાઇન વેરા ભરવાની સુવિધા પારદર્શક વહીવટ માટેનું એક અગત્યનું માધ્યમ બની રહેશે.