શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે બેલામાં ખાતમુહૂર્ત: વાહન વ્યવહાર સુગમ બનાવવા પર ભાર
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
- Advertisement -
મોરબી જિલ્લામાં માળખાકીય પરિવર્તન લાવવા અને વાહન વ્યવહારને સુગમ બનાવવાના હેતુથી શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને બેલા (રંગપર) ખાતે રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રીના વરદ હસ્તે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ ₹59.77 કરોડથી વધુના ખર્ચે વિવિધ રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મોરબી જિલ્લાને મહત્ત્વપૂર્ણ માર્ગોની ભેટ મળી છે. જેમાં મુખ્યત્વે અંદાજે ₹28.43 કરોડથી વધુના ખર્ચે બેલા ભરતનગર (શ્રી ખોખરા હનુમાન) રોડ, અંદાજે ₹7.90 કરોડના ખર્ચે પીપળીયા-મહેન્દ્રગઢ-સરવડ રસ્તાનું રીસર્ફેસિંગ, અંદાજે ₹7.51 કરોડથી વધુના ખર્ચે ઝિકિયારી ખાતે મેજર બ્રિજ અને અંદાજે ₹15.93 કરોડથી વધુના ખર્ચે અણીયારી વેજલપર ઘાટીલા રોડ સહિતના કાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ જિલ્લાના પરિવહન ક્ષેત્રે મોટો બદલાવ લાવશે અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોને જોડવામાં મદદરૂપ થશે.



