શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલના સહયોગથી 267 દર્દીઓની તપાસ: 52 માસમાં કુલ 6,717 લોકોના સફળ ઓપરેશનનો રેકોર્ડ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.5
- Advertisement -
મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલ શ્રી જલારામ ધામ ખાતે તાજેતરમાં 4 ફેબ્રુઆરીના રોજ ભવ્ય નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં કુલ 267 દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી. આ પૈકી 131 દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર જણાયા તેમને સંસ્થા દ્વારા નિ:શુલ્ક ઓપરેશન અર્થે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. આ માસનો કેમ્પ સ્વ. હેમકુંવરબેન ધીરજલાલ કારીયા પરિવારના આર્થિક સહયોગથી યોજાયો હતો.
કેમ્પમાં રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા અને તેમની ટીમ દ્વારા દર્દીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પસંદ થયેલા દર્દીઓના ઓપરેશન અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરની પદ્ધતિથી અને ઉચ્ચ ગુણવત્તાના સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, દર્દીઓને રાજકોટ જવા-આવવાની મુસાફરી, રહેવા, જમવા, ચશ્મા અને ટીપાં સહિતની તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા એક પણ રૂપિયો લીધા વિના પૂરી પાડવામાં આવે છે.
મોરબી જલારામ ધામ ખાતે છેલ્લા 52 મહિનાથી દર મહિનાની 4 તારીખે આ કેમ્પનું નિયમિત આયોજન થાય છે. અત્યાર સુધીમાં કુલ 14,771 લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે અને તેમાંથી 6,717 લોકોના નેત્રમણીના સફળ ઓપરેશન કરી તેમને નવી દૃષ્ટિ પ્રદાન કરવામાં આવી છે. સંસ્થાની આ નિરંતર સેવા પ્રવૃત્તિ મોરબી પંથકના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
આ કેમ્પ દર મહિનાની 4 તારીખે સવારે 9 થી 12 કલાક દરમિયાન જલારામ ધામ ખાતે યોજાય છે, જેમાં એડવાન્સ બુકિંગની કોઈ જરૂર રહેતી નથી. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ માત્ર પોતાનું આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ અને જલારામ સેવા મંડળના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રતિનિધિઓનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.



