ત્રણેય બેઠકો પર નોંધાયેલા 8,17,761 મતદારોમાંથી 5,70,582 નાગરીકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે ગુરૂવારે મોરબી જીલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોના 905 બુથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું હતું અને સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું ત્યારે મોરબી જિલ્લાની ત્રણ બેઠક પર થયેલું મતદાન જોઈએ તો, મોરબી માળીયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા એમ ત્રણેય બેઠકો પર 8,17,761 મતદારોમાંથી 5,70,582 મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો જ્યારે ટકાવારી મુજબ જોઈએ તો, અંદાજીત 69.77 ટકા મતદાન નોંધાયું હતું. બેઠક મુજબ જોઈએ તો, મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં 67.16 ટકા મતદાન નોંધાયું છે જેમાં મતદારોની સંખ્યા જોઈએ તો 1,92,646 મતદારોએ મતદાન કર્યું હતું જેમાંથી 1,05,282 પુરુષ મતદારો અને 87,363 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું.
- Advertisement -
ટંકારા બેઠકની વાત કરીએ તો, આ બેઠકમાં 71.18 ટકા મતદાન નોંધાયું છે જેમાં મતદારોની સંખ્યા જોઈએ તો 1,77,607 મતદારોએ મતદાન કર્યું હતું જેમાંથી 96,790 પુરુષ મતદારો અને 80,817 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત વાંકાનેર બેઠકમાં 71.19 ટકા મતદાન નોંધાયું છે જેમાં મતદારોની સંખ્યા જોઈએ તો 2,00,329 મતદારોએ મતદાન કર્યું હતું જેમાંથી 1,08,310 પુરુષ મતદારો અને 92,019 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. મોરબી જીલ્લાની ત્રણેય બેઠકમાં 2017 ની વિધાનસભા ચૂંટણી કરતા અંદાજિત ચાર ટકા ઓછું મતદાન થયું હોવાનો અંદાજ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 73 ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે 69.77 ટકા મતદાન નોંધાયું છે.ગત ચૂંટણીમાં 5,33,869 મતદારોએ મતદાન કર્યું હતું જેમાં બેઠક મુજબ જોઈએ તો, મોરબી માળિયા બેઠકમાં 71.67 ટકા સાથે 1,83,481 મતદારોએ મતદાન કર્યું હતું જ્યારે ટંકારા બેઠકમાં 74.63 ટકા સાથે 1,67,162 મતદારો તેમજ વાંકાનેર બેઠકમાં 74.89 ટકા સાથે 1,83,226 મતદારોએ મતદાન કર્યું હતું.