ખાસ-ખબર સંવાદદાતા
હાલ અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને કેટલાક સ્થળોએ તો હિટવેવની અસર દેખાઈ રહી છે. મે મહિનો અડધો થઈ ગયો છે અને હવે લોકો કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. એવામાં ચોમાસા માટે થોડી રાહ જોવી પડી શકે છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર ચાલુ વર્ષે નૈઋત્યનું ચોમાસું થોડું વિલંબિત થશે. સામાન્ય રીતે કેરળમાં 1 જૂનથી ચોમાસું બેસી જાય છે પરંતુ આ વર્ષે 4 જૂને મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થવાની આગાહી છે. કેરળમાં મેઘરાજાની એન્ટ્રી થાય એટલે દેશભરમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું તેમ કહી શકાય.જો કે, ચોમાસું મોડું બેસશે આમ છતાં વરસાદ ચિંતા નહી કરાવે તેવું હવામાન ખાતાએ કહ્યું છે.
ભારતીય હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વર્ષે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના પ્રારંભમાં થોડો વિલંબ થઈ શકે છે. 4 દિવસના મોડલ એરર સાથે કેરળમાં ચોમાસાની શરૂઆત 4 જૂને થઈ શકે છે. હવામાન વિભાગે ગયા મહિને આગાહી કરી હતી કે, ભારતમાં અલ નીનોની સ્થિતિ વિકસી રહી હોવા છતાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા વખતે સામાન્ય વરસાદ રહી શકે છે. જણાવી દઈએ કે, અલ નીનોની ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે. દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં દરિયાકિનારે દરિયાની સપાટી પર ગરમ પાણી આવવાનું શરૂ થાય એટલે અલ નીનોની સ્થિતિ પેદા થાય છે. સમુદ્રના તાપમાન અને વાયુમંડલની પરિસ્થિતિમાં થનારા ફેરફારથી સર્જાતી આ ઘટનાને અલ નીનો કહે છે. આ ફેરફારના કારણે સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતાં ઘણો વધારો છે. જેના કારણે દુનિયાભરના હવામાન પર અસર જોવા મળે છે.