હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભારે પૂર અને વાદળ ફાટવાની ઘટનાઓ બની, ખાસ કરીને કુલ્લુ, શિમલા અને લાહૌલ-સ્પિતિ જિલ્લાઓમાં ભારે અસર થઈ. અસંખ્ય વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા, અને ઘણા પુલ ધોવાઈ ગયા, જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 300 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા.
પૂર્વોત્તર રાજ્યોમાં, ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં ચોમાસા દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે. બુધવારે સાંજે કુલ્લુમાં બે અલગ-અલગ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ હતી. જેના કારણે હિમાચલમાં પૂરની સ્થિતિ સર્જાઈ અને સમગ્ર રાજ્યમાં તબાહી મચી ગઈ હતી. વાદળ ફાટવાના કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત રાજ્યના 325 રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા.
- Advertisement -
સતત વરસાદથી 2000 કરોડનું આર્થિક નુકસાન
સતત વરસાદના કારણે હિમાચલ પ્રદેશને પણ આર્થિક નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 20 જૂનથી શરૂ થયેલા વરસાદમાં અત્યાર સુધીમાં 2031 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યુ છે. આર્થિક સિવાય જાનમાલનું પણ ભારે નુકસાન થયું છે. આ સિઝનમાં વરસાદ સાથે જોડાયેલા કેસમાં અત્યાર સુધી 126 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વળી, 36 લોકો ગુમ છે.
કુલ્લુમાં બે જગ્યાએ વાદળ ફાટ્યું
- Advertisement -
મળતી માહિતી મુજબ, કુલ્લુમાં બે જગ્યાએ નિરમંડ ઉપમંડળની શ્રીખંડ પહાડી અને બંજાર ઉપમંડળની તીર્થન ખીણની બાથાધ પહાડી પર બુધવારે સાંજે વાદળ ફાટવાની ઘટના બની હતી. શ્રીખંડ પહાડીમાં વાદળ ફાટવાના કારણે કુરપન રાવીમાં પૂર આવી ગયું અને તંત્રએ બાગીપુલ બજારને તુરંત ખાલી કરાવી દીધી હતું. બુધવારે રાત્રે શિમલાના રામપુર વિસ્તારના નંટીમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં પુલ ધરાશાયી થઈ ગયો હતો. તીર્થન નદી કિનારે બનેલા અમુક કૉટેજને નુકસાન પહોંચ્યું છે અને અમુક વાહનો પણ પાણીમાં વહી ગયા. કુલ્લુના ડેપ્યુટી કમિશનર તોરલ એસ. રવિશે જણાવ્યું કે, તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
નોંધનીય છે કે, લાહૌલ-સ્પિતિ જિલ્લામાં પણ વાદળ ફાટવાની ઘટના નોંધાઈ છે. આ ઘટનામાં બે પુલ ધાવાઈ ગયા હતા. કરપટ ગામમાં વધતા જોખમના ભયથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
હવામાન વિભાગનું એલર્ટ
સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્રએ ચંબા, કાંગડા અને મંડીમાં ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જોકે, શુક્રવારથી રવિવાર સુધી ચારથી છ જિલ્લામાં ભારે વરસાદના કારણે એલર્ટ જાહેર કર્યું હતું.