સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ વરસાદ થશે
દેશના અન્ય ભાગો કરતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક દાયકામાં વરસાદની માત્રા વરસોવરસ વધી રહી હોવાનો પણ નિર્દેશ : હવામાન ખાતાની આગાહી
ભારતમાં સતત ચોથા વર્ષે નૈઋત્ય ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી વચ્ચે ગુજરાતમાં નોર્મલ કરતાં પણ વધુ વરસાદ થવાનો નિર્દેશ હવામાન ખાતા દ્વારા જારી કરવામાં આવ્યો છે.દેશમાં સરેરાશ કરતાં 99 ટકા વરસાદ થવાનું હવામાન ખાતાએ અનુમાન જાહેર કર્યું છે.
દેશમાં જૂન મહિનાથી શરુ થતું નૈઋત્ય ચોમાસુ આ વર્ષે પણ સામાન્ય રહેવાનું હવામાન ખાતાનું કથન છે. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ચોમાસુ નોર્મલ કરતાં પણ સારુ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થશે તેમ આગાહીમાં જણાવાયું છે. રિપોર્ટમાં હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, છેલ્લા એક દાયકામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સરેરાશ વધી રહી છે. ગુજરાત નૈઋત્ય ચોમાસા પર જ આધાર રાખે છે અને ચાલુ વર્ષે નોર્મલ કરતાં 96 ટકા વરસાદ પડ્યો હતો.
- Advertisement -
સૌરાષ્ટ્ર અને કચ્છની વરસાદી પેટર્નમાં થોડો સુધારો થતો રહ્યો છે અને વરસાદની માત્રા વધી રહી છે. રાજ્યના અન્ય ભાગો કરતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નવી સિઝનનો વરસાદ સરેરાશ કરતા વધુ રહેશે તેમ હવામાન ખાતાના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. નૈઋત્ય ચોમાસા વિશે હવામાન વિભાગ દ્વારા અગાઉ જ બે આગાહી જારી કરવામાં આવતી હોય છે. પ્રથમ આગાહીમાં ચોમાસા દરમિયાન વરસાદ નોર્મલ કરતાં 99 ટકા રહેવાનું જાહેર કરાયાનું અત્રે ઉલ્લેખનીય છે. 96 થી 104 ટકા વરસાદ થાય ત્યારે ચોમાસુ નોર્મલ ગણવામાં આવે છે.
સંકટ : વરસાદની માત્રા ઘટી
એક દાયકામાં 17 મીમીનો ઘટાડો
ક્લાઇમેટ ચેન્જની અસર ભારતીય ચોમાસા પર પણ પડી રહી હોય તેમ છેલ્લા 10 વર્ષથી દેશમાં દર વર્ષે વરસાદની માત્રા ઓછી થતી રહી છે. ભારેથી અતિભારે વરસાદના દિવસો વધી રહ્યા હોવા છતાં વર્ષ દરમિયાન નોંધાતા વરસાદની માત્રા 17 મી.મી. ઓછી થયાનું હવામાન ખાતા દ્વારા કહેવાયું છે. એપ્રિલને બાદ કરતાં વર્ષનાં અન્ય તમામ મહિનાઓમાં વરસાદનું પ્રમાણ ઘટયું છે.
- Advertisement -
છેલ્લા એક દાયકાથી વરસાદ સતત ઘટી રહ્યો છે. હવામાન ખાતાના રિપોર્ટ પ્રમાણે દેશમાં સૌથી વરસાદ જૂનથી સપ્ટેમ્બરના ચોમાસા દરમિયાન નોંધાઈ છે. પરંતુ તેમાં 12 મી.મી.નો ઘટાડો નોંધાયો છે. 1961થી 2010 દરમિયાન ભારતમાં સરેરાશ 1176.9 મીમી વરસાદ પડતો હતો પરંતુ હવે 1971 થી 2020ના સમયગાળા દરમિયાન ગણતરી કરવામાં આવતા તેમાં 16.8 મીમીનો ઘટાડો નોંધાયો છે. 74.8 ટકા વરસાદ ચોમાસાના સમયમાં જ વરસતો હોય છે જે 880.6 મીમીથી ઘટીને હવે 868.6 મીમી થઇ ગયો છે. પ્રિમોન્સુન વરસાદ 136.7 મીમીથી ઘટીને 130.7 મીમી થઇ ગયો છે.


