વડોદરાનાં ડભોઈમાં 6 ઈંચ, ઉમરપાડા, ઉમરગામ, ડાંગમાં 3.5 ઈંચ : રાજયના 130 તાલુકામાં હળવો – મધ્યમ – ભારે વરસાદ
પખવાડીયાથી સ્થગિત ચોમાસું સક્રિય થતા સાથે આગળ ચાલ્યુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતના અનેક ભાગોમાં નિર્ધારીત સમય કરતા એકાદ-બે અઠવાડીયા વહેલી એન્ટ્રી બાદ સ્થગિત થયેલુ ચોમાસું છે તો સક્રિય થવા સાથે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ગયુ છે. રાજયનાં 130 તાલુકામાં હળવો-ભારે વરસાદ થયો હતો. ડભોઈમાં સૌથી વધુ 6 ઈંચ પાણી વરસ્યુ હતું.
હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે ચોમાસું સક્રિય થવા સાથે દક્ષિણ ગુજરાતમાં પધરાણમરી થઈ ગઈ છે અને આવતા દિવસોમાં તબકકાવાર રાજયના અન્ય ભાગોમાં પ્રવેશ કરવા લાગશે.
આજે સવારે પુરા થયેલા 24 કલાકમાં 29 જીલ્લાનાં 130 તાલુકામાં સામાન્યથી માંડીને ભારે વરસાદ થયો હતો. ડભોઈમાં 6 ઈંચ, વલસાડના ઉંમરગામ, ડાંગ, તથા સુરતના ઉમરપાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ થયો હતો.
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા વરસાદની પધરામણી થવાની આગાહી કરાઈ હતી. આ આગાહી વચ્ચે સુરત શહેર અને જિલ્લામાં વાદળોના ગડગડાટ અને વીજળીના તેજ લિસોટા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. 4 કલાકમાં ઉમરપાડામાં 3.50 ઈંચ, કામરેજમાં 1.75 ઈંચ, માંગરોળમાં 1.50 ઈંચ અને સુરત શહેરમાં 1 ઈંચ વરસાદ સહિત તમામ તાલુકામાં મેઘરાજા ઓછા-વધતા પ્રમાણમાં વરસ્યા હતા.
વરસાદના કારણે છેલ્લા ઘણાં દિવસોથી અસહ્ય ઉકળાટ-બફારાથી ત્રાસી ગયેલા લોકો વાતાવરણમાં ઠંડક પ્રસરતા ખુશ થઈ ઊઠ્યા હતા. ડાંગ જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા પાણીની રેલમછેલ થઈ હતી. આહવામાં 3 ઈંચ, સુબીરમાં 2 ઈંચ, સાપુતારામાં 1.8 ઈંચ અને વઘઈમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
17મી જૂને ભાવનગરમાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.