મવડીમાં રહેતા મોનિકા ધોળકિયાએ પોલીસ કમિશનરને વ્યાજખોર વિરુદ્ધ કરી અરજી
અરજદાર હજુ 95 હજાર ચૂકવવા તૈયાર પરંતુ વ્યાજરાક્ષસ કેવિન વાછાણી ખંડણી પેટે 5 લાખ માંગે છે
- Advertisement -
ખંધો વ્યાજખોર કેવિન વાછાણી સ્કૂટર લઈ ગયો અને ગીરવે મુકેલા 8 તોલા દાગીના પરત આપવાની ના પાડી
30 હજાર, 20 હજાર અને 45 હજાર આમ કટકે કટકે ફરિયાદીએ આરોપી પાસેથી પૈસા વ્યાજે લીધા હતા
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યભરમાં વ્યાજખોરીનું વિષચક્ર ફેલાઈ ગયું છે. જો કે, તેને ડામવા માટે લોકદરબાર યોજાઈ રહ્યા છે. પોલીસ તંત્ર પણ લોકોને હિંમત આપી રહ્યું છે કે, આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવે. ત્યારે રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યાજે આપેલા 95 હજારના 2.70 લાખ ચૂકવ્યા બાદ પણ 5 લાખ માંગી રહ્યો છે. આ સિવાય 8 તોલા દાગીના આપવાની ના પાડે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. જેને લઈને ફરિયાદી મોનિકા જગદીશભાઈ ધોળકિયાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.
- Advertisement -
મળતી માહિતી મુજબ મોનિકા જગદીશભાઈ ધોળકિયાએ જામકંડોરણાના ખજુડા ગામે રહેતા કેવિન ભરતભાઈ વાછાણી વિરુદ્ધ વધુ વ્યાજ વસૂલવા, સોનાના દાગીના ઓળવી જવા સહિતની ફોજદારી ફરિયાદ નોંધાવી છે. પોલીસ કમિશનરને આપેલી અરજી મુજબ મોનિકા ધોળકિયાના પિતાનું વર્ષ 2010માં અવસાન થયું છે. તેના ઘરમાં મમ્મી અને નાનો ભાઈ છે જે અભ્યાસ સાથે મોબાઈલને લગતું કામકાજ કરી આર્થિક મદદરૂપ થાય છે. જ્યારે ફરિયાદી મોનિકા ધોળકિયા હાલ અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ 2019માં ફરિયાદીએ આરોપી કેવિન વાછાણી પાસેથી માતાની સારવાર માટે 30 હજાર લીધા હતા જેનું માસિક 2 હજાર વ્યાજ ચુકવતા હતા જેના બદલામાં સોનાની બે ચેઈન અને એક પેંડલ આપ્યા હતા.
ત્યારપછી વધુ નાણાની જરૂરીયાત ઉભી થતા ફરીથી બે ચેઈન અનેં 3 સોનાની વીંટી ગીરવે મુકી 20 હજાર વ્યાજે લીધા જેનું માસિક 2 હજાર વ્યાજ ભરતા હતા. આ સિવાય ફરી એકવખત કેવિન વાછાણી પાસેથી 45 હજાર રૂપિયા માસિક હપ્તો 3500ના વ્યાજપેટે લીધા હતા. આમ વ્યાજ રેગ્યુલર ચુકવતા આવીએ છીએ. ફરિયાદીએ અરજીમાં જણાવ્યું કે, અમો 95 હજારની મૂડી ચુકવવા તૈયાર છીએ પરંતુ આરોપી 8 તોલા જેટલા દાગીના પરત આપવાની ના પાડે છે અને બળજબરી પૂર્વર સ્કૂટર પણ લઈ ગયા અને એક વર્ષ વાપર્યું. કેવિન વાછાણી દારૂ પીને સતત ફોન કરી ધમકી આપે છે અને ગાળો બોલે છે. એવું પણ કહે છે કે, દાગીના ભૂલી જાઓ અને વ્યાજની ચડત રકમના 5 લાખ રૂપિયા આપવા પડશે નહીંતર જાનથી મારી નાખીશ. આમ આરોપી કેવિન વાછાણી સતત માનસિક ત્રાસ આપી રહ્યો છે. તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા નમ્ર અરજ છે.
માલવિયા પો.સ્ટેશનમાં ફરિયાદી સાથે ગેરવર્તન: કમિશનરે PIને ખખડાવ્યા
મવડી મેઈન રોડ પર રહેતા ફરિયાદી મોનિકા ધોળકિયાએ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા. જ્યાં પોલીસ કર્મચારી દ્વારા ખૂબ જ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. જેને લઈને ફરિયાદીએ પોલીસ કમિશનર સમક્ષ આપવીતી વર્ણવી હતી. આ અરજી સાંભળ્યા બાદ પોલીસ કમિશનરે અંગત રસ લઈ માલવિયાનગર પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું કે, પોલીસ સ્ટાફ દ્વારા ફરિયાદી સાથે ખરાબ વર્તન કરી તેની હકાલપટ્ટી કરી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે ઙઈં ઈલાબેન સાવલિયાને બોલાવીને ખખડાવ્યા હતા કે, કહ્યું કે, તમારા સ્ટાફ પર તમારો કંટ્રોલ નથી. એક તરફ વ્યાજખોર સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવે છે અને તમારો સ્ટાફ વ્યાજખોરના ત્રાસથી પીડાતાની મદદ કરી શકતા નથી. તમારે સ્ટાફ પર કંટ્રોલ રાખવો જરૂરી છે.
PI ઈલાબેન સાવલિયાની જગ્યાએ અન્ય બાહોશ PIની જરૂર
રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં વ્યાજંકવાદને ડામવા માટે મુહિમ ચલાવી રહી છે. ત્યારે દરેક જિલ્લા-શહેરમાં લોકદરબાર યોજાઈ રહ્યા છે પરંતુ રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીની ફરિયાદ લેવાતી નથી ત્યારે એવું લાગી રહ્યું છે કે, પીઆઈનો તેના સ્ટાફ પર કંટ્રોલ રહ્યો નથી. આવા નબળા પીઆઈના સ્થાને અન્ય બાહોશ પોલીસ ઈન્સ્પેક્ટરની જરૂર છે જે સ્ટાફ પાસેથી કામ લઈ શકે અને ગુનાને ડામવા માટે સક્ષમ હોય. અગાઉ પણ માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પોલીસ ચોકીના ઈન્ચાર્જ નિશાંત હરીયાણી અને પોલીસ ઈન્સ્પેક્ટર ઈલાબેન સાવલિયા વચ્ચે રકઝક થઈ હતી. જેમાં પીએસઆઈએ કહ્યું કે, આ પોલીસ ચોકીનો ઈન્ચાર્જ હું છું તેમાં દખલગીરી કરવી નહીં.