ક્ષત્રિય સમાજનો કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલા સામે વિરોધ યથાવત્
સમાજોને પોતાની વાત કરવાનો અધિકાર છે : રૂપાલા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.01
ક્ષત્રિય સમાજનો કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત છે. વિવાદ વચ્ચે રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ દાવો કર્યો હતો કે તેમની ઉમેદવારીને લઇને કોઇ વિવાદ નથી. તેમણે કહ્યું હતું કે મોહન કુંડારીયા ઉમેદવાર તરીકે નહીં ડમી તરીકે ફોર્મ ભરશે. મે ક્ષત્રિય સમાજની માફી માંગી છે,ક્ષત્રિયો મને માફ કરશે. ત્રણ અને ચાર તારીખે રૂપાલા સરકારી કામે દિલ્હી જશે. દલિત સમાજ માટે કોઈપણ પ્રકારની અપમાનજનક ટિપ્પણી ન કર્યાનો તેમણે દાવો કર્યો હતો.વધુમાં રૂપાલાએ કહ્યું હતું કે સમાજોને પોતાની વાત કરવાનો અધિકાર છે. ક્ષત્રિય સમાજ મુદ્દે જે પણ વિરોધ હોય તે માત્ર મારો છે. ક્ષત્રિય ધર્મ મુજબ મને ક્ષત્રિયો માફ કરશે. દલિત સમાજ વિરૂદ્ધ મારી કોઈ કોમેન્ટ નહોતી. મે દલિત સમાજનું કોઈ અપમાન કર્યુ નથી.
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત છે. ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવાની પી.ટી.જાડેજાએ મોટી જાહેરાત કરી હતી. આ અઠવાડિયાના અંતમાં મહાસંમેલન બોલાવવાની તેમણે જાહેરાત કરી હતી. પી.ટી.જાડેજાએ કહ્યું હતું કે અમે ભાજપના વિરોધી નથી, રૂપાલાનો વિરોધ છે. છ કે સાત એપ્રિલે ગુજરાતમાં મહાયુદ્ધ થશે. મહાસંમેલનમાં પાંચ લાખ ક્ષત્રિયો એકઠા થશે. 90 સંસ્થાઓની આજે ફરીથી બેઠક મળશે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાઓ સાથે બેઠક મળશે.
- Advertisement -
હું તો કેન્દ્રના કામથી દિલ્હી જઈ રહ્યો છું : પરસોતમ રૂપાલા
ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કર્યા બાદ ચર્ચામાં આવી ગયેલા ભાજપના રાજકોટથી ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે એ વાતને નકારી કાઢી હતી કે તેમને દિલ્હીથી કોઈ તેડું આવ્યું છે. એના પર ખુલાસો કરતાં તેમણે કહ્યું કે મને દિલ્હી કોઇએ બોલાવ્યો નથી પરંતુ હું કેન્દ્ર સરકારના કામથી દિલ્હી જવાનો છું. હું 3 અને 4 એપ્રિલે ત્યાં જ રહીશ. જોકે તેમનો આ દાવો ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. તેમણે દાવો કર્યો હતો કે ક્ષત્રિય સમાજ મને માફ કરશે.