અમદાવાદમાં ખાદી ઉત્સવ ઉપરાંત સાબરમતીમાં ફૂટ ઓવરબ્રીજનું લોકાર્પણ કરશે : જડબેસલાક તૈયારી-સુરક્ષા બંદોબસ્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટોના શિલાન્યાસ તથા લોકાર્પણનાં કાર્યક્રમોમાં સામેલ થશે. અમદાવાદ, ગાંધીનગર તથા ભુજ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપશે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આવતીકાલે સાંજે અમદાવાદમાં આગમન થશે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવમાં સંબોધન કરશે. રવિવારે સવારે ભુજમાં સ્મૃતિ વન સ્મારકનું ઉદ્દઘાટન કરશે. 2001ના ભયાનક ભૂકંપ બાદ લોકોએ દર્શાવેલા ખમીર અને હિંમતની યાદને તાજી રાખવા માટે ખાસ સ્મૃતિ વન 470 એકર જમીનમાં તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભુજ ભીમાસર રોડ સહિતના 4400 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત કરશે.
આ ઉપરાંત સરદાર સરોવર પ્રોજેક્ટની કચ્છ બ્રાંચ કેનાલનું પણ ઉદ્દઘાટન કરશે જેના થકી કચ્છ જિલ્લાના 10 શહેરોનાં 948 ગામોને પીવાનું તથા સિંચાઈનું પાણી આપી શકાશે. આ ઉપરાંત સરહદ ડેરીના નવા મિલ્ક પ્રોસેસીંગ અને પેકીંગ પ્લાન્ટ ગાંધીધામમાં ડો. બાબાસાહેબ ક્ધવેશન સેન્ટર અને અંજારમાં વીર બાલ સ્મારક જેવા પ્રોજેક્ટોનું ઉદ્દઘાટન કરશે.
- Advertisement -
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદમાં ખાદી ઉત્સવ યોજવામાં આવ્યો છે. સ્વતંત્રતા સંગ્રામના મહત્વને દર્શાવવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આ સમારોહમાં 7500 મહિલાઓ એક સાથે ચરખા ચલાવશે.આ ઉપરાંત ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની નવી ઇમારતનું ઉદ્દઘાટન કરશે અને સાબરમતી પરના નવા ફૂટ ઓવરબ્રીજનું લોકાર્પણ કરશે. સાંજે ગાંધીનગરમાં સુઝુકીના ભારત પ્રવેશને 40 વર્ષને અનુસંધાને યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. સુઝુકી ગ્રુપના બે પ્રોજેક્ટનું ખાતમુર્હુત પણ કરશે.
વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કચ્છમાં કાર્યક્રમની તૈયારીના ભાગરુપે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા ઉપરાંત અન્ય સિનિયર પ્રધાનોને પણ જવાબદારી સોંપવામાં આવી છે. વિધાનસભાના ચૂંટણી વર્ષમાં વડાપ્રધાન આવી રહ્યા હોવાથી કાર્યક્રમને પ્રચંડ પ્રતિસાદ મળે અને મોટી સંખ્યામાં લોકોની હાજરી થાય તે માટે પણ ખાસ કાળજી લેવામાં આવી છે.