મોદીએ કહ્યું- પ્રભાતસિંહે રાજ્યાભિષેક બાદ શિવાજી મહારાજ કુળદેવીનાં
દર્શન કરવા જાય છે ત્યારે કેવો માહોલ હતો તે ચિત્રકારીમાં આબેહૂબ દર્શાવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં રાજકોટના કલાકાર સ્વ.પ્રભાતસિંહ બારોટના ચિત્ર શિવાજી મહારાજની સવારી વિશે વાતો શેર કરતા કલાકારના પરિવારના સભ્યો ભાવુક થયા હતા. મન કી બાતમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, સ્વ. પ્રભાતસિંહ બારહટે આ ચિત્રમાં રાજ્યાભિષેક બાદ શિવાજી મહારાજ કુળદેવીનાં દર્શન કરવા જાય છે ત્યારે કેવો માહોલ હતો? તે દર્શાવ્યો હતો. આવી બાબતોથી નવી પેઢી વાકેફ થાય તે જરૂરી છે. છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક બાદ તેમના કુળદેવી તુલજા માતાનાં દર્શન કરવા જતાં હતાં ત્યારે કેવો માહોલ હતો? આપણી પરંપરાઓને જીવંત રાખવા માટે આવી બાબતો નવી પેઢીને જણાવવી જરૂરી છે. મને ખુશી છે કે, હાલ આ દિશામાં કામ થઈ રહ્યું છે.
સ્વ. પ્રભાતસિંહનાં ભાઈ ભગીરથસિંહે જણાવ્યું હતું કે, હું પણ એક ચિત્ર શિક્ષક છું. તેઓ આ ચિત્ર બનાવી રહ્યા હતા ત્યારે તેમને એક જાહેર કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું હતું કે, આ ચિત્ર બનાવવાનો અર્થ શું? ત્યારે જ તેમણે ખૂબ સારા શબ્દોમાં કહ્યું હતું કે, જ્યારે સંસદમાં 350 સીટ આવશે ત્યારે આ ચિત્રની વાત થશે. ભાઈએ વર્ષ 1990માં આ ચિત્ર બનાવવાની શરૂઆત કરી હતી. તેમણે 888 મીટર લાંબુ ચિત્ર બનાવવાનો નિર્ધાર કર્યો હતો. જોકે વર્ષ 2018માં પ્રભાતસિંહ દેવ થઈ ગયા ત્યાં સુધીમાં માત્ર 110 મીટર સુધી જ ચિત્ર બન્યું છે. આમ તેમણે પોતાના જીવનના 18 વર્ષ આ ચિત્ર બનાવવા માટે ખર્ચ્યા છે. હિન્દુ સામ્રાજ્યની વાત વિશ્વ રેકોર્ડનાં રૂપમાં સ્થાપિત કરવાની તેમની નેમ હતી.
વડાપ્રધાને મારા પતિના નામનો ઉલ્લેખ કર્યો તે સારી વાત: પ્રભાતસિંહના પત્ની
આ અંગે સ્વ. પ્રભાતસિંહનાં પત્ની લીલાબેને જણાવ્યું હતું કે, આટલા મોટા પદ ઉપર બિરાજમાન વ્યક્તિ આ યાદ રાખે તે ખૂબ સારી વાત છે. વડાપ્રધાને મારા દિવંગત પતિનાં નામનો ઉલ્લેખ કર્યો તેનો મને ખુબ આનંદ છે. આ ચિત્ર બનાવવા માટે તેમણે પોતાની જિંદગી ખર્ચી નાખી હતી. અને તેમની આ તપસ્યા દરમિયાન હું સતત સાથે રહી મારાથી જે શક્ય હોય તેવી તમામ મદદ કરતી હતી. વડાપ્રધાન દ્વારા આજે તેમના નામનો ઉલ્લેખ થતા જુના સંસ્મરણો તાજા થયા છે. આ ચિત્ર બનાવવા માટે ઘટના જ્યાં બની તે સ્થળની મુલાકાત અમે સાથે મળીને લીધી હતી. અને તેઓ ચિત્ર બનાવતા પહેલા અને પછી મને તેના વિશેની સમજણ આપતા હતા. આટલું કહેતા તેઓ ભાવુક થઈ ગયા હતા.