દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમએ જેલમાંથી લખ્યો પત્ર
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા છેલ્લા કેટલાક દિવસથી લીકર પોલીસી મામલે જેલમાં છે. કોર્ટ તેની જમીન અરજી ફગાવી ચુકી છે, ત્યારે હવે તેણે જેલ માંથી પત્ર લખી વિપક્ષ અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યાં છે.
આ પત્રમાં તેમણે લખ્યું છે કે, વડાપ્રધાનનું ઓછું ભણેલું હોવું દેશ માટે ખતરનાક છે. સિસોદિયાએ આરોપ લગાવ્યો કે પીએમ મોદી શિક્ષણનું મહત્વ નથી સમજતા અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે દેશભરમાં હજારો શાળાઓ બંધ કરી દીધી છે. દેશની પ્રગતિ માટે વડાપ્રધાન શિક્ષિત હોવા જરૂરી છે. જ્યારે પીએમ કહે છે કે ગંદા નાળામાંથી ગેસ કાઢીને ચા બનાવી શકાય છે ત્યારે મારું હૃદય બેસી જાય છે. દેશના પીએમ ઓછા ભણેલા હોવાથી વિશ્વના વડાઓ તેમને ગળે લગાવે છે અને આવું તેઓ ઘણા કાગળો પર સહી કરાવવા માટે કરાવે છે કારણ કે તેઓ ઓછા ભણેલા છે. વધુમાં મનીષ સિસોદિયાએ લખ્યું કે, આજે દેશનો યુવા મહત્વાકાંક્ષી છે, તે કંઈક કરવા માંગે છે અને તે તકો શોધી રહ્યો છે, તે દુનિયા જીતવા માંગે છે. તે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અજાયબીઓ કરવા માંગે છે. શું ઓછું ભણેલા વડા પ્રધાનમાં આજના યુવાનોના સપના પૂરા કરવાની ક્ષમતા છે? તાજેતરના વર્ષોમાં દેશભરમાં હજારો સરકારી શાળાઓ કેમ બંધ કરવામાં આવી? એક તરફ દેશની વસ્તી વધી રહી છે તો સરકારી શાળાઓની સંખ્યા પણ વધવી જોઈતી હતી?