ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નવારોએ બુધવારે યુક્રેન યુદ્ધને ‘મોદી વોર’ ગણાવ્યું હતું. તેમણે મોદી પર ડબલ ગેમ રમવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. બ્લૂમબર્ગ ટેલિવિઝન સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે ભારત રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદે છે, તેને રિફાઇન કરે છે અને વધુ ભાવે વેચે છે. આનાથી રશિયાને યુદ્ધ માટે રૂપિયા મળે છે અને તે યુક્રેન પર હુમલો કરે છે. આ સાથે, નવારોએ ચેતવણી આપી હતી કે રશિયા અને ચીન સાથે ભારતના વધતા સંબંધો વિશ્વ માટે ખતરો બની શકે છે.
તેમણે કહ્યું- ભારત તાનાશાહો (ચીન) સાથે હાથ મિલાવી રહ્યા છો. ચીને અક્સાઈ ચીન અને તમારા ઘણા વિસ્તારો પર કબજો કરી લીધો છે. અને રશિયા? ભૂલી જાઓ. તેઓ તમારા મિત્ર નથી.
નવારોએ કહ્યું, ’મને જે વાત પરેશાન કરે છે તે એ છે કે મોદી એક મહાન નેતા છે, ભારત એક લોકશાહી દેશ છે, છતાં તેઓ અમારી સામે જુએ છે અને કહે છે કે તેમને ત્યાં વિશ્વમાં સૌથી વધુ ટેરિફ નથી, જ્યારે ખરેખરમાં છે. પછી તેઓ કહે છે કે અમે રશિયન ઓઈલ ખરીદવાનું બંધ કરીશું નહીં. હવે તેનો અર્થ શું છે?’
- Advertisement -
નવારોએ રશિયા પર આરોપ લગાવ્યો કે તે ભારતને વેચવામાં આવતા ઓઈલના બદલામાં મળતા રૂપિયાથી યુદ્ધ મશીનરી ચલાવે છે. તેમણે કહ્યું- રશિયા યુક્રેન પર હુમલો કરે છે અને ત્યાંના લોકોને મારી નાખે છે. પછી યુક્રેન અમારી અને યુરોપ પાસે આવે છે અને કહે છે કે અમને વધુ પૈસા આપો. આ રીતે અમેરિકન કરદાતાઓને નુકસાન થાય છે.
નવારોએ દલીલ કરી હતી કે ભારતીય રિફાઇનરીઓ નફો કમાવવા માટે સસ્તું રશિયન ક્રૂડ તેલ ખરીદે છે અને પછી ભારતીય રિફાઇનરીઓ, રશિયન રિફાઇનરીઓ સાથે મળીને, તેને બાકીના વિશ્વને વધુ ભાવે વેચે છે. આનાથી અમેરિકાને નુકસાન થાય છે. નવારોએ ઓઈલ આયાત અંગેના ભારતના દાવાઓને પણ ફગાવી દીધા અને મોદી પર ઘમંડી હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ભારત દરરોજ 1.5 મિલિયન બેરલ રશિયન તેલ ખરીદે છે જે યુક્રેનિયનોને મારવા માટે શસ્ત્રો, ડ્રોન અને બોમ્બ ખરીદવા માટે પૂરતું છે.
આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકાએ ભારતીય માલ પર 50% ટેરિફ લાદ્યો છે. આ પગલાથી ભારતની અમેરિકામાં થતી નિકાસના 66% પર અસર થવાની ધારણા છે. 2024-25માં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર 131.8 અબજ ડોલરનો હતો.



