રાજકોટની સિવિલ હૉસ્પિટલમાંથી ખાસ-ખબરનું ખાસ રિપોટિંગ
રવિવાર બાદ, ગઈકાલે બપોરે અને સાંજે સિવિલ કેમ્પસમાં અમે કરેલી મુલાકાત, પીડા એની એ જ છે પાત્ર બદલાયા કરે છે
- Advertisement -
આશાબેન કાથડ ઉંમર વર્ષ 20 કે જેઓ આ ગેમઝોનમાં નોકરી કરતા હતાં તેમના કુટુંબીજનોની મુલાકાત થઈ. સતત 47 કલાકથી નાની બેન આશા વિશે કોઈ જ માહિતી નહીં મળવાને કારણે આશાબેનના મોટા બેન પારાવાર દુ:ખ અને નિરાશામાં પણ તંત્ર અને જવાબદાર નેતાઓ સામે રોષ ઠાલવી રહ્યા હતા જે એકદમ સ્વાભાવિક છે. અને ગઈકાલે મોડી રાતે આશાબેનના અંતિમ સંસ્કાર વિશેના દ્રશ્યો ટીવી પર જોયા ત્યારે ફરી એકવાર સવારે જોયેલો એ બેનનો વિલાપ આંખ સામે તરવરી ગયો.
ગઈકાલે બપોરે સિવિલ કેમ્પસમાં અમે કરેલી મુલાકાત, વિરેન્દ્રસિંહ જાડેજાના કુટુંબની પાંચ વ્યક્તિ, આવી જ રીતે કોઈ માહિતી તેમના કુટુંબીજનોને મળતી નથી. કુટુંબીજનોની આંખમાં દર્દ, લાચારી છે. હજુ તો સ્વજનના તદ્દન સળગી ગયેલા મૃતદેહને પણ જોવાનો છે!
ગઈકાલે બપોરે સિવિલ કેમ્પસની મુલાકાતે રામભાઈ મોકરીયા આવ્યા તો ખરા પણ તેમને તેના અંગત સ્વજન સિવાય કોઈની પીડામાં રસ ન હતો. તેમણે દુર્ઘટનાના ભોગ બનેલાના કુટુંબના સભ્યોને અફસોસ કે આશ્વાસનના બે શબ્દ કહેવા કે મીડિયા સાથે આગળની નીતિ અંગે કંઈ પણ વાત કરવી જરૂરી લાગી ન હતી. ગઈકાલે સાંજે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એ જ દ્રશ્યો જોવા મળ્યા જે સતત બે દિવસથી અમે જોઈ રહ્યા છીએ. દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકો કે પીડિતોના સ્વજનોનો વિલાપ, સ્વજનના જવાના દુ:ખની સાથે સાથ તંત્ર તરફથી તદ્દન બેજવાબદારી ભર્યું રુક્ષ વર્તન કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને આહત કરી જાય. અમે સ્વજ ગુમાવી બેઠેલા કેટલાક લોકોની મુલાકાત કરી કે જેને પ્રશ્ન પૂછતા પણ અમારી જીભ ઉપડતી ન હતી તેની સાથે અધિકારીઓ જવાબદાર ખાતું આટલું માણસાઈ વગરનું વર્તન કેવી રીતે કરી શકે તે પ્રશ્ન મનમાં પડઘાતો રહ્યો. ઉપલેટાના બાબુભાઈ નરસિંહભાઈ મોળાસિયાના કુટુંબના પાંચ સભ્યો આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે.
- Advertisement -
સરકારી તંત્ર કે હોસ્પિટલ તરફથી આ પાંચમાંથી ચાર વિશે કોઈ જ માહિતી કુટુંબીજનોને આપવામાં નથી આવી નથી આવતી. ડીએનએ સેમ્પલ જમા કરાવી દીધાના 48 કલાક પછી પણ એક સંતોષકારક જવાબના પણ તેઓ હકદાર નથી? બાબુ ભાઈ જણાવે છે કે અહીં અમને મળવા એક પણ નેતા, એક પણ મંત્રી કે કોઈ જવાબદાર અધિકારી આવ્યો નથી! આ જ નેતા જ્યારે મત માંગવાના હોય ત્યારે હાથ પગ જોડીને આપણી આગળ પાછળ હોય છે! તેઓ જણાવે છે કે પાંચમાંથી અમને એક વ્યક્તિનો મૃતદેહ સોંપવામાં આવ્યો. અમે સવારથી અહીં રાહ જોઈ રહ્યા હતા અને મૃતદેહ એઈમ્સ હોસ્પિટલમાં હતો જેના વિશે અમને અગાઉથી કશું જણાવવામાં આવ્યું ન હતું!
કલ્પેશભાઈ પ્રવીણભાઈ બગડા ઉંમર વર્ષ 20 કે જે આ ગેમઝોનમાં નોકરી કરતા હતા. તેમના વિશે પણ તેમના કુટુંબીજનોને તંત્ર તરફથી કોઈ જ માહિતી આપવામાં આવી નથી. સતત 48 કલાકથી તેમના કુટુંબીજનો અહીં તેના કોઈ સમાચાર મળે તેની રાહમાં છે. તેના શબ્દોમાં અનુભવાતી પીડા અને આક્રોશ આપણને અંદરથી હચમચાવી નાખે છે. હોસ્પિટલ કેમ્પસમાં ફરતા ફરતા અમને જે જાણવા મળ્યું તે ઘણું ચોકાંવનારું છે. ઉપર લખ્યા તેવા અનેક કિસ્સાઓ અહીં જોવા સાંભળવા મળ્યા. લોકોમાં દુર્ઘટના અંગે આક્રોશ છે પરંતુ સ્વજનના જવાનું દુ:ખ એવું છે કે તેઓ લડવું કે રડવું તે નક્કી કરી શકતાં નથી! અત્યારે તો સૌની એક જ માંગ છે કે અમને અમારા સ્વજન વિશે ચોક્કસ માહિતી આપો. જો તે આ દુનિયામાં નથી તો તેમનો મૃતદેહ અમને સોંપો, અમને એટલું તો જણાવો કે તે મૃત્યુ પામી ચૂક્યા છે! આવા હૃદયદ્રાવક દ્રશ્યો જોઈએ ત્યારે જરૂર એ સંવેદના અનુભવાય કે થોડાક રૂપિયાના લોભમાં અમુક લાલચુ લોકો અને ભ્રષ્ટ નેતાઓ કેટકેટલી જિંદગીઓ સાથે ક્રૂર રમતો રમે છે, છતાં બંધ નિર્દોષ જાહેર થઈ છૂટી જાય છે! જે ખરેખર નિર્દોષ છે તે વ્યક્તિ ચાલી જાય છે અને તેના કુટુંબીજનો જિંદગીભર એ ઘાવને સહન કરતા રહે છે!
દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થ વ્યવસ્થા ધરાવતા અને વિશ્વગુરુ બનવા જઈ રહેલા આપણા દેશમા સામાન્ય લોકોના જીવનની કોઈ કિંમત નથી એ હકીકત તો વારંવાર સાબિત થતી રહે છે. ‘જે પોષતું તે મારતું’ અથવા ‘વાડ જ ચીભડા ગળે..’ અહીં એવો ઘાટ છે. સલામતીની આશા કોની પાસેથી રાખવી એ પ્રશ્ન વારંવાર આપણને સતાવે છે. પરંતુ આપણે ખૂબ જ ટૂંકા સ્વાર્થ વાળા, નમાલા અને ખમીર વગરના નાગરિક છીએ એટલે જ ગળું ખોંખારીને જવાબ માંગવાનું આપણે ભૂલી ગયા છી
ગુજરાત હાઇકોર્ટ આ દુર્ઘટના અંગે, ગુજરાત સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને લાગતા વળગતા અધિકારીઓનો ઉધડો લીધો છે ત્યારે પણ હજુ ઘણા લોકો એ માનવા કે સ્વીકારવા તૈયાર નથી કે આ સંપૂર્ણપણે તંત્રની છત્રછાયામાં ભાંગરેલો ભ્રષ્ટાચાર છે અને જેનો ભોગ સામાન્ય નાગરિકો બન્યા છે. કદાચ આપણે એ જ ભૂલી ગયા છીએ કે સરકાર નિયમો અને શાસનનું પાલન કરવા-કરાવવા માટે હોય છે નહીં કે વિપક્ષોને તોડવા માટે! લોકો એવી દલીલો કરે છે કે ભરબપોરે ગેમઝોનમાં ન જવું જોઈએ ગર્દીમાં ન જવું જોઈએ. આવું બધું સાંભળીને આશ્ચર્ય થાય છે કે એવું ક્યાં લખ્યું છે કે ભરબપોરે ગેમઝોનમાં જવાથી આગ લાગે? બીજું ગેમઝોનની સાઈઝ અને સ્ટ્રક્ચર અનુસાર કેટલા લોકોને એન્ટ્રી આપવી એ પબ્લિક નક્કી કરે કે ગેમઝોનના સંચાલકો કરે કે સંબંધિત સ્થળે સુરક્ષાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને તેના સંચાલનની આચારસંહિતાનાં નિયમો નક્કી કરે? આવડા મોટા સ્ટ્રક્ચરને કોઈપણ સેફ્ટી રેગ્યુલેશન વગર ચલાવવાની પરમિશન આપનાર છે કોણ એ સવાલ વિશે લોકો વધુ જિજ્ઞાસા દાખવતા નથી. જવાબદાર સિસ્ટમ ભ્રષ્ટાચાર વીઆઇપીઓ(!)ની ગુલામ બની છે તેનું આ પરિણામ છે એ અંદરખાને આપણે જાણીએ છીએ પરંતુ, બીજા મરે એમા મારે શું!, એ આપણી નીતિ છે.
– રિપોર્ટ અનુસાર આ આખું બાંધકામ પરમિશન વગરનું હતું તો ચાર ચાર વર્ષથી એ કોની રહેમનજર હેઠળ ચાલી રહ્યું હતું?
– ગેમઝોનના બાંધકામમાંથી મોટાભાગનું બાંધકામ ફોમથી બનેલું હતું. તે ઉપરાંત થર્મોકોલ તો ક્યાંક પ્લાયવુડ અને તેના પર ફોમના લેયર્સ બનાવવામાં આવ્યા હતા. પાર્ટીશનમાં પણ લાકડાનો ઉપયોગ થયેલો હતો.એ તો સર્વવિદિત છે કે ફોમ અને થર્મોકોલ અતિજ્વલનશીલ પદાર્થો છે. આ ફોમ બેઇઝ્ડ સ્ટ્રક્ચર જે અતિજ્વલનશીલ હોવાને કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ. તો પછી બાંધકામ ક્લિયરન્સની એસીતેસી કરીને આવું સ્ટ્રક્ચર ઊભું કરી કરનાર ગેમના માલિકો ગુનેગાર કે તેને મંજૂરી વગર ચાલવા દેવાના રહેમ નજર રાખનાર અધિકારીઓ એ હવે જનતાએ સમજવાનું છે. બાળકોનો ગેમ ઝોન હોય તેમને ઈજા ન પહોંચે તે માટે આવો ફોર્મ બેઇઝડ સ્ટ્રક્ચર જરૂરી હોય તો એની સામે દુર્ઘટના તેના કારણે દુર્ઘટના ન ઘટે તેની અને જો દુર્ઘટના ઘટે તો સુરક્ષાના વ્યવસ્થા પણ સંચાલકોએ જ રાખવાની હોય એ તો બહુ પાયાની વાત છે.
– શેડમાં વેલ્ડીંગ કામ ચાલતું હતું. જવાબદાર લોકોને એ જાણ નહીં હોય કે તણખા ઉડવાથી અહીં આગ પકડી શકે?
– શેડ નજીક કલરકામ ચાલતું હતું. અહીં ઉપયોગમાં લેવાતા સ્પ્રે કલર અતિશય જ્વલનશીલ હોય છે એ વાતની ગંભીરતા સાથે સલામતીની સુરક્ષાનો વિચાર કેમ નહીં કરાયો?
– કોઈપણ સાધનને ચલાવવા કે સ્ટ્રકચરને મેન્ટેન કરવા, આગ પ્રત્યે સંવેદનશીલ, અથવા પાણી કે બાંધકામનાં જોખમ પરત્વે ખાસ પ્રકારના સુરક્ષા નિયમોનું પાલન જરૂરી હોય છે. આવડા મોટા ગેમઝોનમાં લાગતા વળગતા અધિકારીઓને કે, આવી જગ્યાની સુરક્ષાપોલિસી પર નજર રાખવાની જેની ફરજ છે તેવા ઓફિસરોને આ જરૂરી નહિ લાગ્યું હોય?
– અહીં હજારો લિટર પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રશ્ન એ છે કે, હજારો લિટર પેટ્રોલ અને ડીઝલનો સંગ્રહ કરવાની પરવાનગી કોણે આપી? અને આપી તો કેવા પ્રકારે આ બળતણનો સંગ્રહ કરવો તેના નિયમોનું પાલન થયું છે કે નહીં તે ચકાસવામાં કેમ ન આવ્યું? પ્લાસ્ટિકના બેરલમાં ભરેલા પેટ્રોલ અને ડીઝલ એક તણખા માત્ર થી સળગી ઊઠે એ કેટલું મોટું જોખમ છે તેનો કોઈએ જરા પણ વિચાર નહીં કર્યો હોય?
-કેન્દ્ર, રાજ્ય, કોર્પોરેશન, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, બધે બધે જ એક પક્ષની અને સક્ષમ સરકાર હોવા છતાં ભ્રષ્ટાચારના આવા ષડયંત્રો કેવી રીતે પાંગરી શકે એ સવાલ પણ મહત્વનો છે.
લોકોમાં દુર્ઘટના અંગે આક્રોશ છે પરંતુ સ્વજનના જવાનું દુ:ખ એવું છે કે તેઓ લડવું કે રડવું તે નક્કી કરી શકતાં નથી!