શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર સંવાદદાતા
68-રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે ભારતરત્ન અને દેશના પૂર્વપ્રધાનમંત્રી શ્રદ્ધૈય અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકાર્યો થકી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે 68-રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિધાનસભા-68ના વોર્ડ નં. 3, 4, 5, 6, 15 અને 16ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (બાલવાટીકા)ના 1300થી વધુ ભૂલકાઓને શિયાળાની ઋતુમાં હુંફ મળે તે માટે ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા, પૂર્વમહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડના કોર્પોરેટરો તેમજ વિવિધ શાળાઓમાં વોર્ડપ્રભારી, પ્રમુખ, મહામંત્રી, મોરચાના હોદ્દેદારો અને વોર્ડ સંગઠનના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ઉદય કાનગડએ જણાવેલ કે તા. 23 ડિસેમ્બરના રોજ શ્રદ્ધૈય અટલજી અને પંડિત મદનમોહન માલવીય (મરણોપરાંત)ને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્નથી સન્માનિત કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ જાહેરાત બાદ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધૈય અટલજીની જન્મજયંતીને દેશમાં પ્રતિવર્ષ સુશાસન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરેલ હતી, ત્યારે સુશાસન દિવસનો મૂળભૂત હેતુ દેશમાં પારદર્શી શાસન આપવા માટેની સરકારની પ્રતિબદ્ધતાથી લોકોને અવગત કરાવવું, લોકોના કલ્યાણ અને યોગ્યતા વધારવી, સરકારી કામકાજ અને દેશના નાગરિકો માટે વધુ પ્રભાવી શાસન બનાવવું, સુશાસન પ્રક્રિયામાં લોકોને સક્રિય ભાગીદાર બનાવવા માટે નાગરિકોને કોઈ ને કોઈ સેવાકીય કાર્યો થકી સરકારની નજીક લાવી સુશાસનના માધ્યમથી દેશમાં વિકાસ વધારવાનો છે.
ત્યારે અંતમાં ઉદય કાનગડએ જણાવેલ કે સુશાસન દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી શાળાના ભૂલકાઓને શિયાળાની ઋતુમાં ગરમ સ્વેટર વિતરણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે નાગરિક સેવાઓને લોકનિર્માણ અને પ્રગતિનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બનાવી વિવિધ સેવાકીય કાર્યો થકી ‘સેવા હી પરમોધર્મ’ના મંત્રને ચરિતાર્થ કરવો એ લોકપ્રતિનિધિઓનું દાયિત્વ છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયાએ પ્રાસંગીક પ્રવચનમાં ધારાસભ્ય
ઉદય કાનગડના આ સેવાકાર્યને બિરદાવ્યું હતું.
આ તકે વિધાનસભા 68ના વોર્ડ 3, 4, 5, 6, 15, 16માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને સ્વેટર વિતરણ કાર્યને સફળ બનાવવા વોર્ડપ્રભારી, વોર્ડપ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરો અને વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.