ગુજરાતમાં જંગી જીત બાદ ભાજપે નવી સરકાર બનાવવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ત્યારે આજે ગાંધીનગરના કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાશે. જેમાં ભૂપેન્દ્ર પટેલના નામની મુખ્યમંત્રી તરીકે સત્તાવાર જાહેરાત કરાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે નવી સરકાર રચવાની કવાયત તેજ કરી દીધી છે. આજે ગાંધીનગરના કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાવા જઈ રહી છે. ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીનું નામ મુકવામાં આવશે. આ બેઠકમાં નવા ચૂંટાયેલા ઉમેદવારો સાથે જિલ્લાના સંગઠનના હોદેદારો હાજર રહેશે. આ બેઠકમાં હાજર રહેવા માટે સાંસદોને પણ સૂચના આપવામાં આવી છે.
- Advertisement -
ભાજપના સંસદીય બોર્ડે 3 નિરીક્ષકોની કરી નિમણૂંક
ભાજપના સંસદીય બોર્ડે રક્ષામંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને ગુજરાત માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. ત્રણેય નેતાઓ આજે ગુજરાત આવશે અને ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવશે. બેઠક પૂર્ણ થયા બાદ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર જાહેરાત થશે.
ભૂપેન્દ્ર પટેલે આપ્યું હતું રાજીનામું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ગઈકાલે ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દીધું હતું. ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ કેર ટેકર તરીકે સરકારમાં કાર્યરત રહેશે. તેઓ આગામી 12મી ડિસેમ્બરે ફરી મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. ગાંધીનગર સચિવાલય હેલીપેડ ખાતે યોજાનારા શપથવિધિ સમારોહ માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે. ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ શપથવિધિ માટે તૈયાર થઈ રહ્યું છે. .12મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે નવી સરકારનો શપથવિધિ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. પ્રદેશ ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલા, સ્મૃતિ ઇરાની, નીતિન ગડકરી, મનસુખ મંડવીયા સહિતના કેન્દ્રીય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ અપાયું આમંત્રણ
સાથે જ સમારોહમાં ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. નવી સરકારના શપથગ્રહણ સમારોહ માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને આમંત્રણ આપવામાં આવ્યું છે.