ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
સૌરાષ્ટ્રના જગ વિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા અને રેલવે સ્ટેશનને જોડતા ‘સ્વ. વેલજીભાઈ સરવૈયા માર્ગ’ને ડામરમાંથી સીસી રોડ બનાવવાના ચાલી રહેલા કામની યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ વિશેષ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ રોડ અગાઉ અતિ બિસ્માર હાલતમાં હતો. ધારાસભ્ય રાદડીયાની રજૂઆતથી સરકાર દ્વારા રૂપિયા 1.50 કરોડના ખર્ચે સાડા સાત મીટર પહોળો સીસી રોડ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. આગામી દિવસોમાં દિવાળીના તહેવારો અને જલારામ બાપાની જન્મજયંતિ (29 ઓક્ટોબર) આવતી હોવાથી, દેશ-વિદેશથી આવતા લાખો યાત્રાળુઓની સુવિધા માટે રોડનું કામ ઝડપથી વ્યવસ્થિત બની જાય તે માટે તેમણે કોન્ટ્રાક્ટરને જરૂરી માર્ગદર્શન આપી સૂચન કર્યું હતું.
ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ નવો રસ્તો બનવાથી યાત્રાળુઓ અને ગ્રામજનોને મોટી રાહત મળશે. લોકોએ આ કાર્ય બદલ ધારાસભ્ય જયેશ રાદડીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.



