ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
અમેરિકાએ પોતાના લાભ માટે શરૂ કરેલી યોજનાનો ભારતીય વિદ્યાર્થીઓ ખોટો ઉપયોગ કરી રહ્યા છે
- Advertisement -
પરદેશી વિદ્યાર્થી અમેરિકામાં ભણવા જાય તો એના માટે અમેરિકાની સરકારે એક ખાસ સવલત રાખી છે. એ ગ્રેજ્યુએટ થાય પછી એણે જે વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું હોય એ વિષયની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવા માટે એ અમેરિકામાં એક વર્ષ કામ કરી શકે. આને ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પિરિયડ કહેવામાં આવે છે.
થોડા સમય પહેલા અમેરિકાની સરકારે એવું પણ જાહેર કર્યું કે જે પરદેશી વિદ્યાર્થીએ અમેરિકાની યુનિવર્સિટીમાં સાયન્સ, એંજિનિયરિંગ, ટેકનોલોજી અને મેથેમેટીક્સ આ વિષયોમાં માસ્ટર્સનો કોર્સ કર્યો હોય એને એ કોર્સ પૂરો કરી લીધા બાદ વધુ બે વર્ષ ઓપ્શનલ પ્રેકટિકલ ટ્રેનિંગ પિરિયડ આપવો.
આની પાછળ બે કારણો છે. પરદેશી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળે છે. બહુ ઉમદા વિચાર છે. ઓપીટી પિરિયડ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે.
બીજું કારણ એ છે કે અમેરિકાને ભણેલાગણેલા યુવાન કાર્યકરોની જરૂર છે એમના દેશમાં જ જેમણે અભ્યાસ કર્યો હોય અને સાયન્સ, ટેક્નોલોજી, એંજિનિયરિંગ અને મેથેમેટીક્સ જેવા અધરા વિષયમાં અભ્યાસ કર્યો હોય, જે વિષયમાં ભાગ્યે જ કોઈ અમેરિકન વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય એ વિષયમાં જેમણે માસ્ટર્સની ડિગ્રી મેળવી હોય અને યુવાન હોય એવો વિદ્યાર્થી જો અમેરિકામાં પહેલા એક વર્ષ અને પછી બે વર્ષ કામ કરે તો અમેરિકાને કેટલો બધો ફાયદો થાય? એ વિદ્યાર્થીને પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળે અને સાથે સાથે અમેરિકાને એ વિદ્યાર્થીએ જે શિક્ષણ લીધું હોય, એની જે યુવાની હોય, એનો પણ લાભ મળે. આમ બંનેને ફાયદો થાય.
આપણા વિદ્યાર્થીઓ આ ઓપીટી પિરિયડનો ખરો અર્થ નથી સમજ્યા. તેઓ આ ઓપીટી પિરિયડને કમાવવાનો સમય ગણે છે. તેઓ એવું વિચારે છે કે અમેરિકામાં ભણવા માટે જે મોંઘોદાટ ખર્ચો કર્યો છે એ અમે ઓપીટી પિરિયડમાં કામ કરીને વસૂલ કરી લઈશું.
ઓપીટી પિરિયડમાં તમે જે વિષયમાં અભ્યાસ કર્યો હોય એ વિષયમાં જ ટ્રેનિંગ લેવાની હોય છે. એ વિષયમાં જે કંપની કાર્ય કરતી હોય એ કંપનીમાં જ કાર્ય કરવાનું હોય છે. ગયા વર્ષે અમેરિકામાં ત્રણ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. હવે આ ત્રણે ત્રણ લાખ વિદ્યાર્થીઓને એમણે જે વિષયમાં અભ્યાસ કર્યો હોય એમાં જ નોકરી કેવી રીતે મળે? કામ કરવાનો ચાન્સ કેવી રીતે મળે?
આથી જ અનેકો ખોટું કરે છે. અમેરિકામાં એવી કંપનીઓ ઊભી થઈ છે જે હકીકતમાં કંઈ કામ કરતી જ ન હોય પણ એવું દેખાડે કે તેઓ અમુક વિષયમાં કાર્ય કરી રહી છે અને એ વિષયમાં જે વિદ્યાર્થીઓ ભણેલા હોય એમને પોતાને ત્યાં નોકરી આપે છે. એમને પગાર આપવાને બદલે એ વિદ્યાર્થીઓ આગળથી તેઓ અમુક પૈસા વસૂલ કરે છે. વિદ્યાર્થી નામ પૂરતું એમને ત્યાં કામ કરતા હોય છે. પણ હકીકતમાં કામ બીજે કરતા હોય છે.
આમ આ ઓપીટી પિરિયડનો ગેર ઉપયોગ થઈ રહ્યો છે. અમેરિકાએ પોતાના લાભ માટે ઓપીટી પિરિયડની સ્થાપના કરી, શરૂઆત કરી એ એમનો ઈરાદો સારો હતો, એમને પોતાને પણ લાભ થાય એમ હતું. પણ ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય વિદ્યાર્થીઓ જ શું કામ પરદેશી અનેક વિદ્યાર્થીઓએ આ ઓપીટી પિરિયડનો ખોટો લાભ લેવા માંડ્યો. તેઓ ઓપીટી પિરિયડમાં એમને ભણવા માટે જે પૈસા ખર્ચ્યા હોય એ વસૂલ કરવા માટે કામ કરી રહ્યા હોય છે નહીં કે પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવા માટે કામ કરી રહ્યા હોય છે.
અનેક વિદ્યાર્થીઓ અમેરિકામાં ત્રણ વર્ષ રહી શકે એ માટે પણ આ ઓપીટી પિરિયડનો લાભ લેતા હોય છે. અનેક વિદ્યાર્થીઓ બોગસ કંપનીઓમાં કામ કરે છે. અને કામ કરે છે એવું દેખાડીને એમના સગાંવ્હાલાંઓને ત્યાં કામ કરતા હોય છે. આમ આ આખી જે ઓપીટી પિરિયડનો કાર્યક્રમ ઊભો કરવામાં આવ્યો છે એનો ગેરલાભ લઈ રહેવાયો છે. આથી જ અમેરિકાની સરકાર આવા વિદ્યાર્થીઓની પાછળ પડે છે. જો આ છેતરપિંડી પકડાય તો એ વિદ્યાર્થીને અમેરિકાની બહાર મોકલી આપે છે.
વિદ્યાર્થીઓ, તમે અમેરિકા ભણવા જાઓ ત્યારે તમે દેખાડો છો કે તમારી આગળ અમેરિકામાં ભણવા માટેના પૈસાની પૂરતી સગવડ છે. તો પછી ભણી રહ્યા બાદ એ પૈસા પાછા મેળવવા માટે આડાઅવળા કાર્યો શું કામ કરો છો? તમે જો સારું ભણ્યા હશો તો એ ભણતર વિશ્વમાં તમને સારી નોકરી અપાવી શકશે. તમારા પોતાના દેશમાં પણ તમને સારું કામ મળી રહેશે, અને તમે ભણવા માટેના ખર્ચેલા પૈસા વસૂલ કરી શકશો. પાછા મેળવી શકશો. તમારે ખોટું કરવાની બિલકુલ જરૂર નથી.
જો ઓપીટી પિરિયડમાં તમે ખોટું કામ કરશો અને જો પકડાશો તો તમને સજા કરવામાં આવશે, દંડ કરવામાં આવશે. કદાચ જેલમાં પણ મોકલવામાં આવે. અમેરિકાની બહાર કાઢી મૂકવામાં આવશે અને ફરી પાછા અમેરિકામાં ક્યારેય પણ પ્રવેશ ન આપવો એવી પાબંધી તમારા ઉપર લગાડી દેવામાં આવશે. આવી પાબંધી જો તમારા ઉપર લાગશે તો વિશ્વના અન્ય દેશો પણ તમને એમને ત્યાં આવવા માટેના વિઝા નહીં આપે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે ઓપીટી પિરિયડનો ગેરલાભ ન લો. જો તમે જે વિષયમાં અભ્યાસ કર્યો હોય એ વિષયમાં નોકરી ન મળે, એ વિષયનું કાર્ય કરતી કંપનીમાં કામ કરવા માટેની શક્યતા ન હોય તો બનાવટી ખોટી કંપનીઓમાં સામેથી પૈસા આપીને નોકરી મેળવી છે એવું ન જણાવો. જો પકડાશો તો તમારી હાલત બૂરી થશે અને તમારું ભવિષ્ય બગડી જશે.