સ્પેસ, લેન્ડ એન્ડ સેલ્ફ
– રાજેશ ભટ્ટ
વાસ્તુ મુજબ અરીસાને સાચી દિશામાં યોગ્ય જગ્યાએ લગાવીશું તો ચોક્કસપણે શુભ પરિણામ મળશે
- Advertisement -
અરીસામાં સારી કે ખરાબ ઊર્જા ઓળખવાની શક્તિ નથી તેથી ખોટી જગ્યાએ લગાવેલ અરીસા નકારાત્મક ઊર્જાને બધી જ જગ્યાએ ફેલાવશે
આપણા રોજબરોજના જીવનમાં અમીરથી લઈ ગરીબ સુધીના દરેકના ઘરમાં અરીસા એટલે કે મીરરનો ઉપયોગ થતો હોય છે. કારણ કે રોજબરોજના જીવનમાં તે મહત્ત્વપૂર્ણ વસ્તુ છે. અરીસા (મીરર) વગરનું ભાગ્યે જ કોઈ ઘર જોવા મળશે. મુખારવિંદને જોવાથી લઈ સૌંદર્ય શણગાર સુધી અરીસા (મીરર)નો ઉપયોગ વિવિધ પ્રકારે દરેક જગ્યાએ કરવામાં આવતો હોય છે. વાસ્તુ મુજબ અરીસાને સાચી દિશામાં યોગ્ય જગ્યાએ લગાવીશું તો ચોક્કસપણે શુભ પરિણામ મળશે, પરંતુ ભૂલમાં ખોટા આકારનો અરીસો તેની વિરૂદ્ધ દિશામાં લગાવીશું તો લાભને બદલે હાનિ થવાની સંભાવનાઓ રહે છે. અરીસો એ કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ દર્શાવે છે. પાણીમાં પણ આપણે પોતાનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ, માટે અરીસો (મીરર) એ વાસ્તુ મુજબ જળતત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી જ વાસ્તુમાં જળતત્ત્વ માટે યોગ્ય એવી પૂર્વ કે ઉત્તર દિશા તરફ અરીસાની ગોઠવણી કરવી લાભ આપનારી બની રહેશે.
જે જગ્યામાં નાના તથા લાંબા પેસેજ હોય અથવા ખાંચા-ખૂંચીવાળી જગ્યામાં ઊર્જાને દરેક જગ્યાએ સમાન ગતિ કરાવવામાં વાસ્તુમાં મિરર (અરીસા)નો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ખૂણા કપાયેલા હોય તેવી જગ્યા કે પછી અસામાન્ય આકાર ધરાવતાં બાંધકામમાં સાચી દિશામાં અરીસા લગાવવાથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરી શકાય છે.
- Advertisement -
પરંતુ અરીસા (મિરર)નો આડેધડ ઉપયોગ કરવો પણ સલાહ ભરેલ નથી, કેમકે અરીસામાં સારી કે ખરાબ ઊર્જા ઓળખવાની શક્તિ નથી તેથી ખોટી જગ્યાએ લગાવેલ અરીસા નકારાત્મક ઊર્જાને બધી જ જગ્યાએ ફેલાવશે.
1. મોટાભાગના લોકો રૂમમાં કે બાથરૂમમાં એક વખત અરીસા (મિરર) લગાવ્યા બાદ તેની કાળજી રાખવાનું ભૂલી જાય છે. માણસ સવારે જાગ્યા બાદ બાથરૂમમાં બ્રશ કરતી વખતે પહેલું કામ અરીસામાં પોતાનું મુખ જોવાનું કરે છે. જો આપના બાથરૂમનો મિરર ખંડિત થયેલ હોય અથવા ખૂબ જ નાનો અરીસો હોય અને તમારે તમારૂં મુખ જોવામાં નીચા નમીને કે એડજસ્ટ કરીને તેનો ઉપયોગ કરવો પડે તો તે મિરર તાત્કાલિક બદલશે.
2. બાથરૂમમાં મિરર પૂર્વ અને ઉત્તર દિશામાં અને થોડા મોટા રાખવા તથા નિયમિત રીતે તેની સફાઈ કરવી.
3. જે જગ્યાએ નાનકડા પેસેજ છે અથવા તો મુખ્ય દરવાજા પાસે એકદમ સામે દિવાલ છે, ત્યાં ઊર્જાને પૂરા ઘરમાં ફેલાવવા માટે પણ મિરરનો ઉપયોગ નિષ્ણાતની સલાહથી કરવો.
4. બેડની બરાબર સામે મિરર રાખવો નહીં.
5. ખરાબ થઈ ગયેલા, ખૂણા તૂટી ગયેલા મિરર તાત્કાલિક બદલાવી નાખવા.
6. બાથરૂમમાં ઘણી વાર અરીસામાં કાયમી બ્રાઉન ધબ્બા કે ડાઘ થઈ જતાં હોય છે તેવા અરીસાનો તાત્કાલિક નિકાલ કરવો.
7. દક્ષિણ દિશામાં કે નૈઋત્ય ખૂણામાં મિરર લગાવવા નહીં.
8. નાના મિરરના ટુકડા ભેગા કરી તેનો મોટો મિરર બનાવવો નહીં.
9. ઘણી વાર મોટી દિવાલ પર એક મિરર સિંગલ પીસમાં લગાવવો શક્યો ન હોય ત્યાં મીનીમમ જોઈન્ટ આવે તે રીતે મિરર લગાવી શકાય.
10. આજકાલ કપડાંના શોરૂમ, જ્વેલરી શોરૂમ, બ્યુટીસલૂનમાં ગ્રાહકને પ્રોડક્ટ તેમના શરીર કે ચહેરા પર કેવી લાગે તે જોવા માટે અરીસા લગાવવાના થાય તો તે પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવાથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે.
11. મુખ્ય દરવાજાની એકદમ સામે અરીસો રાખવો નહીં પરંતુ સાચી દિશામાં દરવાજાની સાઈડમાં જો જરૂર હોય તો અરીસો લગાવી શકાય.
12. ફ્લોરિંગમાં કાચ કે મિરરનો ઉપયોગ કરવો નહીં.
13. ઘર ડિઝાઈન કરતી વખતે આપના ઈન્ટિરિયર ડિઝાઈનર સાચી દિશામાં મિરર લગાવે તે માટે પહેલેથી જ તેમની સાથે પ્લાનિંગ કરવું જેથી કરીને પાછળથી ફેરફારોને ટાળી શકાય.
14. શક્ય હોય ત્યાં સુધી બેડરૂમના ડ્રેસિંગ ટેબલના મિરર ડિઝાઈનમાં હાઈડ (છુપાવી) કરવા અને જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો. કપ બોર્ડની બહાર મિરર ન લગાવતાં મિરર અંદરની બાજુ લગાવવા જેથી કરીને આખો દિવસ મિરર રૂમની ઊર્જાને પરિવર્તન ન કરી શકે.
15. બજારમાં આપણને અલગ-અલગ પ્રકારના ગોળ, લંબગોળ, ત્રિકોણ, ચોરસ કે લંબચોરસ આકારના અરીસા મળતાં હોય છે તેમાંથી ત્રિકોણ અરીસાનો ઉપયોગ હંમેશા ટાળવો.
16. આજકાલ તૂટેલા અરીસા (મિરર)ને ભેગા કરી તેનો ડિઝાઈનીંગમાં ઉપયોગ થતો હોય છે જે વાસ્તુ મુજબ બરાબર નથી.
17. ઘરમાં જૂના કે એન્ટીક પ્રકારના અરીસા વાપરવા નહીં કેમકે શક્ય છે કે જૂની જગ્યામાં તે જે જગ્યાએ લગાવેલા હોય તેની ઊર્જા પણ તમોને અસર કરી શકે.
18. ઘરમાં વધારે પડતાં ખૂણા પડતાં હોય કે બાંધકામમાં દિશા કે ખૂણા કપાતા હોય ત્યાં અરીસાનો ઉપયોગ કરી એનર્જી લેવલ સુધારી શકાય છે.
19. ચાઈનીઝ ફેંગશુઈમાં પણ ખરાબ નજરથી બચવા અષ્ટકોણ આકારની અંદર ગોળ અરીસા સાથે બાગુવા મિરર લગાવવામાં આવે છે.
20. તમારી મિલ્કતની સામે જો રોડ આવતો હોય અથવા પઝથ જંકશન પર તમારૂં ઘર કે દુકાન હોય તો ત્યાં વાસ્તુ રેમેડી તરીકે બર્હિગોળ અરીસાનો ઉપયોગ એનર્જી પોઈન્ટ પર કરવાથી ઊર્જાનું સંતુલન સાધી શકાશે.
21. અરીસા ક્યારેય ખરાબ (ગંદા) ન રાખવા જોઈએ. વાસ્તુ અનુસાર ઘરમાં તે નકારાત્મક ઊર્જાને વધારે છે.
22. મિરર લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે એક મિરરની સામે બીજો મિરર (અરીસો) લગાડવો નહીં.
23. તૂટેલા મિરર ક્યારેય ઘરમાં ન રાખજો. તમારા ઘર, દુકાન કે ફેકટરીમાં તૂટેલા મિરર (કાચ) હોય તો તેને તરત જ ફેંકી દેવા જોઈએ, નહીં તો નકારાત્મક ઊર્જા વધુ વધશે.
24. છતની ડિઝાઈનમાં અરીસાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
25. અરીસાઓ અને પ્રતિબિંબીત કાચની વસ્તુઓની નિયમિત સફાઈ કરવી.
26. બેડના હેડરેસ્ટ પર અરીસો હોય તેવા ડિઝાઈનના હેડરેસ્ટ બનાવવા નહીં.
અંતમાં એટલું ચોક્કસ યાદ રાખજો કે આપના ઘરની કે વ્યવસાયની જગ્યાને મોટી બતાવવાના પ્રયાસમાં અરીસાના ઉપયોગનો અતિરેક ના થઈ જાય કેમકે ઘરમાં તો સવારે કે પ્રસંગોપાત સૌન્દર્ય સજ્જામાં અરીસાનો ઉપયોગ થોડા સમય પૂરતો જ કરવાનો હોય છે એટલે જરૂરિયાતથી વધારે અરીસા લગાવવા નહીં.