તરતાં ન આવડતું હોવા છતાં ડૂબતાં બાળકનો જીવ બચાવતા અમિત રાઠોડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રામનાથ મહાદેવ મંદિર ખાતે ગઈકાલે એક એવી ઘટના બની, જેણે સૌ કોઈને આશ્ર્ચર્યચકિત કરી દીધા છે. મંદિરે દર્શન કરવા આવેલું 8 માસનું બાળક અચાનક નદીના પાણીમાં તણાઈ ગયું હતું ત્યારે તરતા ન આવડતું હોવા છતાં એક યુવાને પોતાની જાનની પરવા કર્યા વગર પાણીમાં ઝંપલાવી બાળકનો જીવ બચાવ્યો હતો, જેના પગલે સ્થાનિકોમાં શ્રદ્ધા અને આશ્ર્ચર્યનો માહોલ છે.ગઈકાલે એક માતા પોતાના બાળક સાથે રામનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કરતી વખતે અચાનક બાળક નદીના પાણીમાં તણાઈ ગયું. આ દૃશ્ય જોઈને આસપાસ હાજર લોકો ગભરાઈ ગયા હતા. તે જ સમયે મંદિરમાં દર્શન કરી રહેલા અમિત રાઠોડ નામના એક વ્યક્તિએ બાળકને પાણીમાં તણાતું જોયું. આશ્ર્ચર્યજનક રીતે અમિતભાઈને તરતાં આવડતું ન હોવા છતાં તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાણીમાં ઝંપલાવ્યુ અને ડૂબી રહેલા બાળકને સમયસર બચાવી લીધું. બાળકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ તે લાંબા સમય સુધી પાણીમાં રહ્યું હોવાથી બેભાન અવસ્થામાં હતું અને બોલી શકતું ન હતું, પરિવારે અને સ્થાનિકોએ તરત જ બાળકને રામનાથ મહાદેવ મંદિરમાં લઈ ગયા. કહેવાય છે કે મંદિરમાં લઈ જતાં જ અચાનક બાળકમાં શ્ર્વાસ પાછો આવ્યો અને તે સામાન્ય થવા લાગ્યું. આ ઘટનાને પગલે ઉપસ્થિત સૌ કોઈએ તેને રામનાથ મહાદેવનો ચમત્કાર ગણાવ્યો. સ્થાનિક લોકોએ અમિત રાઠોડના આ સાહસિક કાર્ય બદલ તેમનો ખૂબ આભાર માન્યો હતો. જ્યારે રામનાથ મંદિરની અંદર જ માતા અને બાળકનું ફરી મિલન થયું. પોતાના બાળકને જીવિત અને સ્વસ્થ જોઈને માતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. આ ઘટનાથી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. આ ઘટનાએ ફરી એકવાર રામનાથ મહાદેવ પ્રત્યે લોકોની શ્રદ્ધાને વધુ મજબૂત બનાવી છે.