હવે આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે મળી રહેશે.
પાણી, વીજળી સહિતની સરકારી સેવાઓનો લાભ ઘરે ઘરે મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ – મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
- Advertisement -
રાજકોટ – પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ વિંછીયાના સોમલપુર અને બેલડા ખાતે રૂ. ૪૦ લાખથી વધુના બે પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ ખડકાણા ગામ ખાતે રૂ. ૧.૨૩ લાખના ખર્ચે જ્યોતિગ્રામ પાવર નેટવર્કનું લોકાર્પણ કર્યું હતું.
મંત્રી બાવળિયાએ આ તકે જણાવ્યું હતું કે, ગામડાઓમાં પણ ઘરે ઘરે વીજળી, આરોગ્ય અને શિક્ષણની પાયાની સુવિધાઓ પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ રહી છે.
- Advertisement -
મંત્રીએ પેટા આરોગ્ય કેન્દ્ર, હેલ્થ અને વેલનેસ સેન્ટરના લોકાર્પણ કરી ઉપસ્થિત ગ્રામજનોને હવે કોરોના ટેસ્ટ, રસીકરણ, પ્રાથમિક સારવાર તેમજ સગર્ભા મહિલાઓને તબીબી માર્ગદર્શન સહિતની સુવિધાઓ ઘર આંગણે મળી રહેશે તેમ જણાવી લોકોને આ સેવાઓ માટે દૂર તાલુકા મથકે જવું નહિ પડે તેમ ઉમેર્યું હતું.
કોરોનાની બીજી લહેર દરમ્યાન જસદણ તેમજ વિંછીયા ખાતે ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરથી લોકોને મળેલી સુવિધા તેમજ આવનારા સમયમાં જસદણ તેમજ વિંછીયા ખાતે નિર્માણ પામનારા ઓક્સિજન પ્લાન્ટ અને આધુનિક હોસ્પિટલ અંગે માહિતી કુંવરજીભાઇએ પુરી પાડી આરોગ્યકર્મીઓને કોરોના કામગીરી બદલ બિરદાવ્યા હતા.
ખડકાણા ગામ પાસે જ્યોતિગ્રામ યોજના હેઠળ પાવર નેટવર્કનું લોકાર્પણ કરી ગ્રામજનોને વીજળી હવે ૨૪ કલાક મળી રહેશે તેવો ભરોસો આપી મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, દરેક ગામમાં વીજળી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર સવિશેષ કામગીરી કરી રહી છે.
મંત્રીએ આ પ્રસંગે જસદણ તેમજ વિંછીયા પંથકમાં શિક્ષણ અર્થે શરુ કરાયેલી સીમ શાળાનો ખાસ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌથી વધુ શાળાઓ આ વિસ્તારમાં ઉપલબ્ધ છે, અહીં બાળકો ભણી-ગણી ખુબ આગળ વધી રહ્યા છે અને તેનું ફળ હવે આપણને જોવા મળી રહ્યું છે. આવનારા સમયમાં વિંછીયા ખાતે આઈ.ટી.આઈ., અલગ કોર્ટ, હોસ્પિટલ સહિતની સુવિધાઓ મળી રહે તે માટે પ્રયાસ ચાલુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મંત્રી કુંવરજીભાઇ દ્વારા “મારુ ગામ-હરિયાળું ગામ” અભિયાન વ્યાપક પ્રમાણમાં શરુ કરાયું છે. સમગ્ર પંથકને હરિયાળો બનાવવા સૌ કોઈને આ અભિયાન જોડાવા અપીલ કરી તેઓએ આજે આરોગ્ય કેન્દ્રો ખાતે વૃક્ષારોપણ તેમજ તુલસી અને આયુર્વેદિક રોપાઓનું વિતરણ વન વિભાગના સહયોગથી કર્યું હતું.
પેટા આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે અગ્રણીઓ ખોડાભાઈ ખસિયા તેમજ અશ્વિનભાઈ સાંકળિયાએ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા. પી.એમ.ઓ. ડો. પી.કે.સીંગે આરોગ્યલક્ષી સેવાઓની માહિતી પુરી પાડી હતી. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી જે.આર.સોલંકી, મામલતદાર પી.એમ.ભેંસાણીયા, આરોગ્ય વિભાગના અધિકારીઓ ડો. રાજા, ડો. ચંદ્રપાલ, નર્સિંગ સ્ટાફ, પી.જી.વી.સી.એલ. ના બી.કે. દાંતલા, સરપંચઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.