મામલતદારના ક્વાર્ટર નજીક મંજૂરી વગર જ યોજાતા મેળામાં લોકો ઉમટ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
રાજ્યમાં આ વર્ષે લોકમેળા માટે લોકો પણ થનગની રહ્યા છે ગત વર્ષે સાતમ – આઠમ પર વરસાદ ખાબકવાની લીધે ઝાલાવાડના મોટાભાગના મેળાઓ રદ થયા હતા ત્યારે હવે આ વર્ષે શ્રવણ માસ શરૂ થતા જ કેટલાક સ્થળોએ અગાઉથી જ લોકમેળા શરૂ થઈ ચૂક્યા છે. ધ્રાંગધ્રા શહેરમાં દર વર્ષે શ્રવણ મહિનાના સોમવારે ચરમાળિયા ગ્રાઉન્ડ ખાતે મીની મેળો યોજવામાં આવે છે આ વર્ષે પણ પ્રથમ સોમવારે મેળો યોજાયો હતો આ મીની મેળો કોઈપણ પ્રકારની મંજૂરી વગર જ ધમધમે છે અને જાણીને નવાઈ લાગશે કે જ્યાં આ મેળો યોજાય છે ત્યાં મામલતદારનું સરકારી ક્વાટર પણ આવેલું છે એટલે કે મામલતદારના નિવાસ સ્થાનની બહાર મંજૂરી વગર મેળો યોજાય છે પરંતુ તંત્ર પણ આંખ આડા કાન કરીને પ્રજાને લૂંટતી જોઈ રહે છે. યાંત્રિક સાધનોની મંજૂરી નહીં હોવાથી ગેરકાયદેસર યોજાતા મેળામાં ભાવ પણ ધારાધોરણ મુજબ ચાલતા નથી. ખરેખર ચરમાળીયાં દાદાનું મંદિર હોવાથી છેલ્લા ઘણા સમયથી શ્રાવણ મહિનાના સોમવારે અહીં મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે જેથી મેળા જેવી માહોલ હોય છે પરંતુ યાંત્રિક સાધનો નાખવા માટે ફરજિયાત મંજૂરી પણ જરૂરી છે.