રાજકોટમાં ગ્રીન કવર વધારવા મનપાનું નવું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
પૂરા રાજયની સાથે રાજકોટમાં પણ આ વર્ષે ખતરનાક હિટવેવનો અનુભવ લોકો કરી રહ્યા છે ત્યારે મહાપાલિકા દ્વારા પર્યાવરણના જતન, હરિયાળો વિસ્તાર વધે તે માટે ચાલતા પ્રયાસના ભાગરૂપે શહેરના જુદા જુદા વિસ્તારમાં પણ મીની સીટી ફોરેસ્ટ જેવા ગાર્ડન બનાવવાનો વિચાર હાથ પર લેવામાં આવ્યો છે. આવા ગ્રીન આઇલેન્ડ બનાવવા માટે 20 થી 25 પ્લોટ નકકી કરવામાં આવ્યાનું આજે કમિશ્નર આનંદ પટેલે જણાવ્યું હતું.
એક તરફ જળસંચય માટે બોર બનાવવા, ઉંડા ઉતારવા, ચેકડેમ ઉતારવાના આયોજન ચાલી રહ્યા છે ત્યારે ગ્રીનરી પણ વધે તે માટે બજેટમાં ભંડોળ રાખવામાં આવે છે. બીજી તરફ શહેરના સૌથી મોટા એવા હયાત 150 ફુટ રીંગ રોડના 10.7 કિ.મી. માર્ગે અર્ધો ડઝન બ્રીજ બનાવવામાં આવ્યા છે. મોટા મોટા સીમેન્ટના બિલ્ડીંગ આ રોડ પર છે ત્યારે વૃક્ષોનું પ્રમાણ નહીંવત હોય આ માર્ગ દર ઉનાળામાં ભઠ્ઠીની જેમ તપે છે. આ રસ્તે પણ જતન સાથેનું વૃક્ષારોપણ કરવા કમિશનરનો વિચાર છે.
મહાનગરમાં હાલ નાકરાવાડી પ્લાન્ટ સહિતની જગ્યાએ મીયાવાંકી વૃક્ષારોપણના કામ ચાલી રહ્યા છે. અનેક વિસ્તારમાં તેના પરિણામ પણ મળવાના છે. ન્યારી ડેમ, રામવન ખાતે પણ આવું કામ કરાયું છે પરંતુ શહેરમાં વૃક્ષોની જરૂરીયાત, હિટવેવ રોકવાના પ્રયાસો માટે ગ્રીન કવર વધવું જરૂરી છે. રેસકોર્સ સહિતના ગાર્ડનમાં તો વૃક્ષારોપણ થાય છે પરંતુ અનેક રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો ધગધગતા હોય છે. વૃક્ષો પણ ઓછી સંખ્યામાં હોય છે. તેનું સૌથી મોટું ઉદાહરણ બીઆરટીએસ ટ્રેક છે.