કોલસાના ગેરકાયદે સાત જેટલા કૂઆમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
મૂળી તાલુકાના વગડીયા ગામે આજે સવારના પહોરમાં જ સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગે દરોડો કર્યો હતો આ દરોડામાં ખાનગી માલિકીની જમીન પર ચાલતા ગેરકાયદેસર કોલસાની ખાણો ઝડપી પાડી હતી જેમાં જુદા જુદા કુલ સાત જેટલા ગેરકાયદેસર કૂવા પરથી ચરખી, ટ્રેક્ટર તથા કોલસાના જથ્થા સહિતનો મુદામાલ જપ્ત કરાયો હતો.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણો સામે તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને એક માત્ર ચોટીલા પ્રાંત અધિકારીને જ ગેરકાયદેસર ખનિજ બંધ કરવામાં રસ હોય તેવું નજરે તરે છે જેને લઇ વારંવાર ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનિજ વહન કરતા માફિયાઓને વાહનો સાથે ઝડપી લઇ તંત્રના વહીવટદારોનો પણ ખેલ ખુલ્લો પડયો છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી બાદ હવે સુરેન્દ્રનગર ખનિજ વિભાગ પણ સફાળું જાગ્યું છે અને ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેર સહિતની ટીમ દ્વારા આજે સવારના સમયે મૂળી તાલુકાના વગડીયા ગામે સીમ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણ પર દરોડા કર્યા છે. ખનિજ વિભાગના દરોડામાં વગડીયા ગામે ચાલતી માલિકીની જમીન પર કોલસાની સાતેક જેટલી ખાણો ઝડપી લઇ બે ટ્રેક્ટર, બે ચરખી અને કોલસાનો જથ્થો સહિત લાખો રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો છે જ્યારે આ લખાઈ રહ્યું છે તેવા સમયે હજુ ખનિજ વિભાગની કાર્યવાહી યથાવત છે ત્યારે હાલ વગડીયા ગામે ખનિજ વિભાગના દરોડાની કાર્યવાહી પૂર્ણ થયાના અંતે જ મુદામાલની રકમ અને અન્ય ખનિજ માફિયાઓના નામની વિગત સામે આવે તેમ છે.