સફેદ માટીનો કારોબાર કરતા માફિયાઓને “હરપલ” “નારાયણ” આશીર્વાદ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
મૂળી પંથકમાં કોલસાની સિઝન પૂર્ણ થતા હવે સફેદ માટીના ખનનનું જોર વધ્યું છે. જેમાં મૂળી પંથકના અસુંદરાળી, દુધઈ, સરલા, સરા, ખંપાળીયા, દાધોળિયા, રાણીપાટ સહિતના ગામોમાં ધમધોકાર ચાલતી સફેદ માટીના ખનન પર જાણે તંત્રની જ રહેમ નજર હોય તેમ દિન દહાડે સફેદ માટીના ખનન થતાં નજરે પડે છે. ધરતી માતાને ચોરીને પેટાળમાંથી કિંમતી ખનિજ એટલે કે સફેદ માટીની ચોરી કરી મોરબીના સિરામિક ઉધોગને વેચાણ કરાય છે. જેસીબી અથવા હિટાચી મશીન વડે સફેદ માટીનું ખોદકામ કરતા ખનિજ માફીયાઓ સફેદ માટીને પ્રતિ ટન 500થી 700 રૂપિયાના ભાવે મોરબી સિરામિક ઉધોગમાં વેચાણ કરે છે. આ તરફ ખનિજ માફિયાઓને ગેરકાયદેસર ખનન કરવા માટે “હરપલ” “નારાયણ” આશીર્વાદ હોય તે પ્રકારે દિન દહાડે ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે. આમ તો તંત્ર ગેરકાયદેસર ખનન અને વાહનને રોકવા માટે હોય છે પરંતુ અહીં સફેદ માટી ખનન કરતા પ્રતિ હિટાચી મશીન દીઠ પચાસ હજાર રૂપિયાનો મસમોટો હપ્તો તંત્રને પહોચતો હોવાથી તંત્રની પણ રહેમનજર નીચે આ આખોય કારોબાર ચાલતો હોવાનું ચર્ચાય છે. જેથી સ્પષ્ટ રીતે કહી શકાય કે જમીનના પેટાળમાંથી સફેદ માટીનું ખનન કરતા ખનિજ માફિયાઓ “નારાયણ”ના નામે “હરપલ” તરી જાય છે.